અધ્યાય-૧૮-સૈન્ય વર્ણન (ચાલુ)
II संजय उवाच II ततो मुहूर्तात्तुमुल: शब्दो ह्रदयकंपनः I अश्रूयत महाराज योधानां प्रयुयुत्सताम II १ II
સંજયે કહ્યું-હે મહારાજ,તે પછી બે ઘડી થતાંજ યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છાવાળા યોદ્ધાઓનો હૃદયને કંપાવી નાખે તેવો તુમુલ શબ્દ સંભળાવા લાગ્યો.શંખો-દુંદુભીઓના ધ્વનિઓથી,હાથીઓના ચિત્કારોથી અને રથોના ઘડઘડાટોથી પૃથ્વી ફાટી જતી હોય એમ જણાવા લાગ્યું.ઘોડાઓના હણહણાટો ને યોદ્ધાઓની ગર્જનાઓથી એક ક્ષણમાં જ પૃથ્વી ને આકાશ ભરાઈ ગયાં.
પરસ્પર મળેલી સેનાઓ કંપવા લાગી.જાતજાતનાં આયુધો અને ધનુષ્યોવાળા મહાધનુર્ધારી કુરુઓના શ્રેષ્ઠ યોદ્ધાઓ સૈન્યના મોખરા પર શોભતા હતા.