અધ્યાય-૪૭-ભીષ્મ અને શ્વેતકુમારનું યુદ્ધ
॥ संजय उवाच ॥ गतपुर्वाह्न तस्मिन्न निपारुणे I वर्तमाने तथा रौद्रे महावीर वरक्षये ॥१॥
સંજયે કહ્યું-તે મહાભયંકર દિવસનો લગભગ પ્રથમ ભાગ વીતી ગયો,ત્યાં સુધી તો પૂર્વોક્ત રીતે,ભયાનક એવો મહાન વીરોનો નાશ કરનાર ઘોર રણસંગ્રામ ચાલુ જ હતો.ત્યારે,તમારા પુત્ર દુર્યોધનની આજ્ઞાથી,દુર્મુખ,કૃતવર્મા,કૃપાચાર્ય,શલ્ય અને વિવિંશતિ નામના પાંચ અતિરથીઓ ભીષ્મની પાસે જઈને તેમનું રક્ષણ કરવા લાગ્યા.ભીષ્મના બાણોથી વીંધાયેલાઓની ભયકંર ચીસો,રણસંગ્રામમાં સંભળાતી હતી.ત્યારે ક્રોધાયમાન થયેલો અભિમન્યુ,તેમની સામે ધસી આવ્યો.અને તેણે ભીષ્મના ધ્વજને તોડીને,તેમને નવ બાણો વડે ઢાંકી દીધા,અને તેમની પાછળ તેમનું રક્ષણ કરનાર પાંચ અતિરથીઓ સાથે પણ લડવા લાગ્યો.