અધ્યાય-૫૧-કૌરવોની વ્યૂહરચના
॥ संजय उवाच ॥ क्रौञ्चं द्रष्ट्वा ततो व्युहमभेद्यं तनयस्तव I रक्ष्यमाणं महाघोरं पार्थेनामिततेजसा ॥१॥
સંજયે કહ્યું-પૂર્વોક્ત,અભેદ્ય એવા ઘોર ક્રૌંન્ચવ્યુહને જોઈને,ને તેના રક્ષક તરીકે ઉભેલા અર્જુનને જોઈને,દુર્યોધન,દ્રોણાચાર્ય પાસે જઈને,કૃપ,શલ્ય-આદિ ને સર્વ ભાઈઓ તથા યોદ્ધાઓને હર્ષ પમાડતો કહેવા લાગ્યો કે-હે વીર યોદ્ધાઓ,તમારામાંનો પ્રત્યેક,પાંડવોનો નાશ કરવા માટે સમર્થ છે તો તમે સર્વ એકત્ર થઈને તો શું ન કરી શકો? તો પણ,ભીષ્મથી રક્ષિત એવું આપણું સૈન્ય અપૂર્ણ દેખાય છે અને ભીમસેનથી રક્ષિત એવું તેઓનું સૈન્ય પૂર્ણ દેખાય છે,માટે સર્વ પોતપોતાના સૈન્યને આગળ કરીને ભીષ્મનું રક્ષણ કરો.કેમ કે તે એક સર્વને માથે ભારે છે.(સર્વનો નાશ કરવા તે અર્જુનની જેમ જ સમર્થ છે)