અધ્યાય-૧૨૦-દશમો દિવસ (ચાલુ) અર્જુને ભીષ્મને આપેલું ઉશીકું
॥ धृतराष्ट्र उवाच ॥ कथमासस्तदा योधा हिन भीष्मेण संजय I बलिना देवकल्पेन गुर्वर्थे ब्रह्मचारिणा ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પોતાના પિતા માટે બ્રહ્મચારી થયેલા,દેવ સરખા બળવાન એવા એ ભીષ્મ વિનાના થયેલા મારા યોદ્ધાઓની શી દશા થઇ? ભીષ્મે 'આ સ્ત્રી છે' એમ માનીને જયારે શિખંડી પર પ્રહાર ન કર્યો ત્યારે જ મેં માની લીધું કે કૌરવો,પાંડવોના હાથે માર્યા ગયા.અરેરે,અફસોસની વાત છે કે,આથી વધારે હું બીજું કયું દુઃખ માનું કે દુષ્ટ બુદ્ધિવાળો હું આજે મારા પિતાને મરણ પામેલા સાંભળું છું.અવશ્ય મારું હૃદય કેવળ લોખંડનું જ બનેલું છે કારણકે આજે મારા પિતા ભીષ્મને મુએલા સાંભળીને તે સો કકડા થઈને ચિરાઈ જતું નથી.મારા પિતા દેવવ્રત,રણમાં મરણ પામ્યા,એ વિચારને મનમાં લાવતાં મને એટલું બધું દુઃખ થાય છે કે જે હું સહન કરી શકતો નથી.અરેરે,જે ભીષ્મને પૂર્વે પરશુરામ પોતાના દિવ્ય અસ્ત્રોથી મારી શક્યા ન હતા તેમને આજે પાંચાલપુત્ર શિખંડીએ મારી નાખ્યા !!(ઘણું જ આશ્ચર્ય ને અફસોસ)





