અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્રની ચિંતા
II धृतराष्ट्र उवाच II व्यथयेयुरिमे सेनां देवानामपि संजय I आहवे ये न्यवर्तन्त वृकोदरमुखा नृपाः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આ જે ભીમસેન વગેરે ને રાજાઓ યુદ્ધમાં દ્રોણ સામે પાછા ફર્યા હતા,તેઓ દેવોની સેનાને પણ ગભરાવી દે તેવા છે.આ જગતનો પુરુષવર્ગ દૈવ સાથે સંબંધવાળો થઈને જ ઉત્પન્ન થાય છે.અવશ્ય તે દૈવમાં જ જુદાંજુદાં સર્વ પ્રયોજનો દેખાય છે.કારણકે જે યુધિષ્ઠિર દીર્ઘકાળ સુધી વનમાં મૃગચર્મ ધારણ કરીને લોકથી છાનો છાનો ફરતો હતો,તે જ યુધિષ્ઠિર અહીં રણમાં મોટી સેનાને આમતેમ ફેરવી રહ્યો છે.આ બધું દૈવયોગે જ થઇ રહ્યું છે.મારા પુત્રનું પ્રથમ જે રાજ્ય હતું તે પણ દૈવયોગે જ હતું.માટે જ પુરુષ ભાગ્ય સાથે જોડાઈને ઉત્પન્ન થાય છે અને દૈવની ઇચ્છાએ જ આકર્ષાય છે નહિ કે પોતાની ઇચ્છાએ.જે યુધિષ્ઠિર જુગારના વ્યસનને પામી પ્રથમ દુઃખી થયો હતો તો તેણે જ આજે દૈવયોગે સહાયકો મેળવ્યા છે.





