Feb 14, 2026

ભાગવત રહસ્ય-૬૪-Bhgavat Rahasya-64

શરીર સારું છે-ત્યાં સુધી –સાવધ થઇ જાવ. અંતકાળમાં જીવ બહુ અકળાય છે.શરીર રોગનું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે વાત-પિત્ત-કફના પ્રકોપથી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી.આજથી જ નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે. પ્રભુને રોજ પ્રાર્થના કરો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1046

 

અધ્યાય-૪૦-દુઃશાસન મૂર્છામાં 


II संजय उवाच II शरविक्षतगात्रस्तु प्रत्यमित्रभवस्थितम् I अभिमन्युः स्मयघ्निमान दुःशासनमथाब्रवीत II १ II

સંજય બોલ્યો-બાણોથી ઘવાયેલાં અંગોવાળા અભિમન્યુએ પોતાની સામે આવી ઉભેલા શત્રુ દુઃશાસનને હસતાં હસતાં કહ્યું કે-'આજના યુદ્ધમાં અભિમાની,ક્રૂર,ધર્મનો ત્યાગ કરનાર તથા હંમેશાં નિંદા કરવામાં તત્પર એવા તને હું મારી સામે આવેલો જોઉં છું તે બહુ સારું થયું.તેં પૂર્વે સભામાં રાજા ધૃતરાષ્ટ્રને કઠોર વાક્યોથી કોપાવ્યા છે.શકુનિના કપટદ્યુતનો આશ્રય લઈને,પોતાના વિજયથી ઉન્મત્ત થઈને તેં ભીમસેન અને મારા પિતાઓને પણ કોપાવ્યા છે.તેનું ફળ આજે તને મારા હાથે મરીને મળવાનું છે.


પારકાના દ્રવ્ય હરી લેવાનું,ક્રોધનું,અશાંતિનું,લોભનું,અજ્ઞાનનું,દ્રોહનું,અત્યાચારનું ને મારા પિતાઓના રાજ્યને છીનવી લેવાનું,ફળ તને,આજે મારા હાથે મૃત્યુ પામીને,મળશે.આજે હું આ સર્વ સૈન્યના દેખતાં મારાં બાણોથી તને શિક્ષા કરીશ અને તે રીતે મારા પિતાઓના કોપના ઋણમાંથી તું મુક્ત થઈશ.આજે તારા પર ક્રોધાયમાન થયેલી કૃષ્ણાના,મારા પિતાની ઈચ્છાના અને ભીમસેનના ઋણમાંથી હું આ યુદ્ધમાં તને મારી,મુક્ત થઈશ.આજે જો તું યુદ્ધ છોડી નહિ જાય તો અવશ્ય મરીશ જ.'


આમ કહી તે મહાબાહુ અભિમન્યુએ કાળ,અગ્નિ ને વાયુ સમાન તેજસ્વી બાણ ધનુષ્યમાં સાંધ્યુ,તે બાણે છૂટતાંની સાથે જ દુઃશાસનને હાંસડીના ભાગમાં અત્યંત ઘાયલ કર્યો.વળી,તુરત તેણે બીજાં પચીસ બાણોનો પ્રહાર કર્યો.કે જેથી દુઃશાસન અત્યંત વીંધાઈ ગયો અને વ્યથિત થવાથી રથની બેસની પર બેસી ગયો.બેભાન થયેલા એ દુઃશાસનને તેના સારથિએ સત્વર રણમાંથી દૂર કર્યો.તે જોઈને પાંડવો,દ્રૌપદીના પુત્રો,વિરાટરાજ,પંચાલો અને કેકયો સિંહનાદો કરવા લાગ્યા.અને આનંદમાં આવીને દ્રોણના સૈન્યનો નાશ કરવા તે સર્વ ત્વરાથી આગળ ધસ્યા.પરસ્પર તુમુલ યુદ્ધ થઇ રહ્યું.


ત્યારે દુર્યોધને કર્ણને,અભિમન્યુ સામે યુદ્ધ કરવાની સૂચના આપી.કે જેથી કર્ણે આગળ ધસીને અભિમન્યુ અને તેના અનુચરો પર બાણોનો વરસાદ કરીને તેમને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યો.ત્યારે અભિમન્યુએ તોંતેર બાણોથી કર્ણને વીંધી નાખ્યો.સામે સર્વ ધનુર્ધરોમાં મુખ્યતાનું અભિમાન ધરાવનારો કર્ણ પોતાનાં ઉત્તમ અસ્ત્રોનો પ્રયોગ કરીને અભિમન્યુને પીડવા લાગ્યો.તે છતાં અભિમન્યુ જરા પણ વ્યાકુળ થયા વિના,ભલ્લ જાતિનાં અનેક બાણો છોડીને કર્ણનાં છત્ર,ધજા અને સારથિને વીંધી નાખ્યાં ને તેને એકદમ ગભરાવી મુક્યો.ને છેવટે એક જ બાણ વડે તેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.કર્ણને સંકટમાં આવી પડેલો જોઈને તેનો નાનો ભાઈ પોતાનું ધનુષ્ય ઊંચું કરીને અભિમન્યુ પર ચડી આવ્યો.(37)

અધ્યાય-40-સમાપ્ત

Feb 13, 2026

ભાગવત રહસ્ય-૬૩-Bhgavat Rahasya-63

કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથી –પણ –હું તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું.
સ્તુતિનો આરંભ કુંતાજીએ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.
સાંખ્ય-શાસ્ત્રનાં ૨૬ તત્વોનું –પ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકોની આ સ્તુતિમાં કરવામાં આવ્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1045

અધ્યાય-૩૯-દુઃશાસનની ચડાઈ 


II धृतराष्ट्र उवाच II द्वैधी भवति मे चित्तं भिया तुष्टया च संजय I मम पुत्रस्य यत्सैन्यं सौभद्रः संवारयत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભય અને સંતોષથી મારું ચિત્ત બે પ્રકારે વહેંચાઈ જાય છે,કારણકે સુભદ્રાના 

પુત્રે મારા સૈન્યને અટકાવ્યું છે.તેણે મારા સૈન્ય સાથે જે રીતે યુદ્ધક્રીડા કરી હોય તે મને કહે.


સંજય બોલ્યો-તમારા પક્ષના અનેક યોદ્ધાઓએ એકલા અભિમન્યુ સામે તુમુલ રણસંગ્રામ ખેલ્યો હતો.એકલો અભિમન્યુ બળતાં ઉંબાડિયાંની જેમ ઘૂમીને દ્રોણ,કર્ણ,કૃપ,શલ્ય,અશ્વત્થામા,ભોજ,બૃહદબલ,દુર્યોધન,ભૂરિશ્રવા,શકુનિ ને તે ઉપરાંત બીજા અનેક રાજાઓ,રાજપુત્રો ને તેમનાં સૈન્યોને બાણોથી ઝાટકવા માંડ્યા હતા.અભિમન્યુનું તે ચરિત્ર જોઈને તમારાં હજારો સૈન્યો કંપી ઉઠ્યાં.તે અભિમન્યુના પરાક્રમને જોઈને દ્રોણાચાર્ય હર્ષથી કૃપાચાર્યને કહેવા લાગ્યા કે-પાંડવોનો આ પ્રસિદ્ધ યુવાન સુભદ્રાપુત્ર પોતાના સર્વ મિત્રો ને સંબંધીઓને આનંદ પમાડતો આપણા સૈન્યમાં ઘૂમી રહ્યો છે.આ યુદ્ધમાં હું બીજા કોઈ પણ ધનુર્ધરને આના તોલમાં માનતો નથી.તે ઈચ્છે તો આ સઘળી સેનાનો સંહાર કરી નાખે,પણ તે શા માટે એવી ઈચ્છા કરતો નથી?

Feb 12, 2026

ભાગવત રહસ્ય-૬૨-Bhgavat Rahasya-62

'સુખકે માથે શિલ પડો, હરિ હૃદયસે જાય,
બલિહારી વહ દુઃખકી ,જો પલ પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય'
હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે-કે-સીતાજીને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદમાં છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1044

 

અધ્યાય-૩૮-અભિમન્યુની વીરતા 


II धृतराष्ट्र उवाच II तथा प्रमथमानं तं महेष्वामानजिह्नगै: I आर्जुनि मामका: संख्येकेर्त्वेनं समवारयन II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-આમ સીધાં જનારાં બાણોથી મોટામોટા ધનુર્ધરોને ત્રાસ પમાડી રહેલા અભિમન્યુને,

મારા કયા કયા યોદ્ધાઓએ યુદ્ધમાં આગળ વધતાં અટકાવ્યો?