અધ્યાય-૧૭૨-દ્રોણાચાર્ય અને કર્ણનો પાંડવો પર હલ્લો
II संजय उवाच II विद्रुतं स्वबलं द्रष्ट्वा वध्यमानं महात्मनिः I क्रोधेन महताविष्टः पुत्रस्तव विशांपते II १ II
સંજય બોલ્યો-હે રાજન,મહાત્મા પાંડવોના મારાથી પોતાના સૈન્યને નાસભાગ કરતુ જોઈને તમારો પુત્ર મહાન ક્રોધાવેશમાં આવીને એકદમ દ્રોણ તથા કર્ણ પાસે જઈને તેમને કહેવા લાગ્યો કે-'અર્જુને સિંધુરાજને મારી નાખ્યો તે જોઈને ક્રોધમાં આવીને તમે જ આ રાત્રિમાં સંગ્રામ ચાલુ કર્યો છે.છતાં આ સમયે પાંડવોનું સૈન્ય મારી સેનાનો સંહાર કરી રહ્યું છે ત્યારે તમે પાંડવો પર વિજય મેળવવા શક્તિમાન હોવા છતાં જાણે અશક્ત હો તેમ જોયા કરો છે.અરે ઓ વીરો,તમારે મારો જો આમ ત્યાગ જ કરવો હતો તો મને તે સમયે જ કહેવું જોઈતું હતું કે-'આ યુદ્ધમાં અમે પાંડવોનો પરાજય કરી શકીશું નહિ'જો તમારે મારો પરિત્યાગ ન કરવો હોય તો તમારું યોગ્ય પરાક્રમ બતાવીને બરાબર યુદ્ધ કરીને પાંડવોને મારી નાખો'



