Showing posts with label અપરોક્ષાનુભૂતિ. Show all posts
Showing posts with label અપરોક્ષાનુભૂતિ. Show all posts

Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-7

જેમ દ્રષ્ટિના દોષ થી
-આકાશમાં વાદળી રંગ લાગે છે,પાણી ના હોય ત્યાં (સૂર્ય ના તાપ ને કારણે)ઝાંઝવાનાં જળ દેખાય છે,
-અને અંધારામાં ઝાડ નાં ઠૂંઠાંમાં (ભ્રમથી) માણસ દેખાય છે,
તેમ,ચિદાત્મા-“બ્રહ્મ” માં (ભ્રમથી-અજ્ઞાનથી) જગત દેખાય છે (૬૧)
(ખરી રીતે તો જગત છે જ નહિ,જગત મિથ્યા છે)


જેમ, વસ્તી વિનાના સ્થાન માં મન ની ભ્રમણાથી ભૂત દેખાય છે,
-જેમ,ઇન્દ્રજાળવિદ્યાથી ગંધર્વો નું નગર દેખાય છે,અને
-જેમ આંખના રોગ ને કારણે આકાશમાં બે ચંદ્ર દેખાય છે,
તેમ સત્ય-“બ્રહ્મ” માં (ભ્રમથી-અજ્ઞાનથી) જગત દેખાય છે.  (૬૨)
(ખરી રીતે બ્રહ્મ-આત્મા સિવાય બીજું કશું છે જ નહિ)


જેમ પાણી ના મોજાં ના ઉછાળા-રૂપે, પાણી જ ઉછળે છે,અને વાસણના રૂપે તાંબુ જ હોય છે,
--તેમ,બ્રહ્માંડો ના સમૂહ-રૂપે બ્રહ્મ (આત્મા) જ પ્રકાશે છે. (૬૩)
(એટલે બધું બ્રહ્મ જ છે,તે સિવાય બીજું કાંઇ નથી)


જેમ માટી જ “ઘડા” ના નામે દેખાય છે,અને સૂતરના તાર જ  કપડાંના નામે ભાસે છે,
--તેમ (અજ્ઞાનથી) “બ્રહ્મ” પોતે જ “જગત” ના નામે ભાસે છે.
પણ “ઘડા” ના નામ ને બાદ કરીએ તો તે માટી જ છે,”કપડાં” ના નામ ને બાદ કરીએ તો તે સૂતર જ છે,
--તેમ,”જગત” ના નામ ને બાદ કરીએ તો માત્ર “બ્રહ્મ” જ જણાય છે. (૬૪)


જેમ ઘડો એ માટી જ હોવાં છતાં અણસમજુ (અજ્ઞાની) લોકો (તેને તેમ) સમજતા નથી,
--તેમ જગતનો વ્યવહાર”બ્રહ્મ” ની સત્તા થી જ લોકો કરે છે, તેમ છતાં,
--તે અણસમજુ (અજ્ઞાની) લોકો “બ્રહ્મ” ને સમજતા નથી (૬૫)


જેમ “માટી” એ “કારણ” છે,અને “ઘડો” એ કાર્ય છે,
--તેમ “બ્રહ્મ” એ નિત્ય “કારણ” છે અને “જગત” એ “કાર્ય” છે.
--આમ વેદ ની યુક્તિ થી સમજાય છે.(સમજાવવામાં આવે છે)   (૬૬)


જેમ “ઘડા” (કાર્ય) ને તપાસવામાં આવે તો અવશ્ય તેનું “કારણ” એ માટી જ જણાય છે,
--તેમ જગત (કાર્ય) ને જો તપાસવામાં આવે તો કેવળ પ્રકાશમાન “બ્રહ્મ” (કારણ) જ પ્રકાશે છે,
--અને “બ્રહ્મ” સિવાય બીજું કંઈ જણાતું નથી  (૬૭)


જેને “ભ્રમ” થયો હોય તે મનુષ્ય ને દોરડું એ સાપ રૂપે દેખાય છે,પણ,
--ભ્રમ વિનાનો મનુષ્ય,એ દોરડાને દોરડા રૂપે જ જુએ છે,
તેમ,અજ્ઞાની મનુષ્ય ને આત્મા અતિ શુદ્ધ હોવા છતાં “અશુદ્ધ” લાગે છે,પણ,
--જ્ઞાની મનુષ્ય ને તો “આત્મા” (બ્રહ્મ) એ અતિ-શુદ્ધ સ્વ-રૂપે જ જણાય છે.  (૬૮)



જેમ ઘડો એ માટીમય છે,તેમ આ દેહ પણ ચૈતન્ય “બ્રહ્મ”મય જ છે,પણ,
--“આત્મા” અને “અનાત્મા” (દેહ) –આવો વિભાગ વિદ્વાનો અજ્ઞાનીઓ ને સમજાવવા પુરતો જ કરે છે (૬૯)


જેમ,ભ્રાંતિ પામેલાએ દોરડું સાપ-રૂપે માની લીધું,ને છીપ ને રૂપું માની લીધું,
--તેમ,અજ્ઞાની એ જ આત્મા ને દેહ-રૂપે માની લીધો છે. (૭૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-6

જેમ સોનામાંથી બનેલી વસ્તુઓ (દાગીના) સદા સોનું જ છે,
--તેમ “બ્રહ્મ” માંથી ઉપજતું “જગત” ,એ સદા “બ્રહ્મ”  જ છે.  (૫૧)


જે અજ્ઞાની મનુષ્ય,જીવાત્મા (આત્મા) અને પરમાત્મા માં જરા પણ જુદાઈ (ભેદ) માની બેસે છે,
--તેને જન્મ-મરણ નો ભય છે.(બંધન છે) એમ વેદે કહ્યું છે.  (૫૨)


જ્યાં અજ્ઞાનથી ભેદ-ભાવ થાય છે,ત્યાં મનુષ્ય પોતે જુદો પડી જુદું જુએ છે,પણ
--જયારે તે મનુષ્ય બધું “આત્મા-રૂપે” જુએ છે,ત્યારે તે પોતે જુદો પડતો નથી,તે ભેદ જોતો નથી (૫૩)


જ્ઞાન પામ્યા પછી,મનુષ્ય બધાંને આત્મા-રૂપે જ (અભેદ-ભાવે) જાણે છે,અને
--એ અભેદ-જ્ઞાન ના કારણે તેને ક્યારે ય મોહ(ભ્રમ) કે શોક થતો નથી. (૫૪)


“સર્વ ના આત્મા-રૂપે રહેલો આ આત્મા “બ્રહ્મ” જ છે”
--આમ બૃહદારણ્યક-ઉપનિષદ ની શ્રુતિ એ નક્કી કર્યું છે. (૫૫)


જેમ સ્વપ્ન અનુભવાય છે,છતાં જાગ્યા પછી (તે સ્વપ્ન નું) કાંઇ હોતું નથી,
--તે જ રીતે આ સંસાર અજ્ઞાન અવસ્થામાં અનુભવાય છે,અને વ્યવહાર-યોગ્ય લાગે પણ છે,
--પણ જ્ઞાન થયા પછી તે સંસાર જણાતો જ નથી.(મિથ્યા લાગે છે)  (૫૬)


જાગ્રત-અવસ્થામાં,સ્વપ્ન જુઠું લાગે છે,પણ સ્વપ્ન માં જાગ્રત-અવસ્થા હોતી નથી,
--વળી સુષુપ્તિ-અવસ્થામાં તો જાગ્રત અને સ્વપ્ન-અવસ્થા, એ બંને હોતા નથી,
--અને જાગ્રત તથા સ્વપ્ન માં સુષુપ્તિ-અવસ્થા પણ હોતી નથી.  (૫૭)


આમ સત્વ,રજસ અને તમસ –એ ત્રણ ગુણો થી ઉપજેલી,
--સુષુપ્તિ,સ્વપ્ન અને જાગ્રત –એ ત્રણે અવસ્થાઓ મિથ્યા જ છે,
--પણ એ ત્રણેય ને જોનાર(દ્રષ્ટા),અનુભવનાર આત્મા, તો
--એ ત્રણેય ગુણ વિનાનો,અવિનાશી,એક અને ચેતનમય છે.  (૫૮)


જેમ માટીમાં જ ઘડાની ભ્રાંતિ થાય છે અથવા છીપમાં ભ્રમ ને લીધે રૂપું ભાસે છે,
--તેમ બ્રહ્મમાં ભ્રાંતિ-રૂપ અજ્ઞાનથી જ અજ્ઞાની મનુષ્ય જીવ-પણું જુએ છે.
(ખરી રીતે જીવ એ બ્રહ્મ થી જુદું કોઈ તત્વ જ નથી)  (૫૯)


જેમ ભ્રાંતિ (ભ્રમ) થી જ, માટીમાં જ “ઘડો” –એમ નામ પડે છે,સોનામાં જ “કુંડળ” એમ નામ પડે છે,
--અને છીપ માં રૂપા ની ખ્યાતિ ભાસે છે,
--તેમ “બ્રહ્મ”માં જ “જીવ” શબ્દ (અજ્ઞાનથી જ) પ્રસિદ્ધ થયો છે.  (૬૦)
(બ્રહ્મ=પરમાત્મા  અને જીવ=આત્મા, એ બંને માં કોઈ ભેદ છે જ નહિ-બંને જુદા નથી)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-5

એ પ્રમાણે-આત્મા અને શરીરના-સ્વરૂપ ને,  તર્કશાસ્ત્રે,આ પ્રપંચ-જગત ને જે સત્ય કહ્યું છે,
--તેથી તેણે વળી શું પુરુષાર્થ કર્યો છે?(શું નવું કહ્યું છે?)    (૪૧)


દેહ અને આત્મા જુદાજુદા છે એમ કહી ને અમે દેહને આત્મા કહેવાની ના પાડી, અને હવે,
--આત્મા સિવાય દેહ એ કોઈ વસ્તુ નથી,એ પણ અમે સ્પષ્ટ કહીએ છીએ. (૪૨)


ચેતન-આત્મા નું એક જ સ્વરૂપ હોવાથી,એ સિવાય બીજી કોઈ વસ્તુ ને માનવી,તે કદી યોગ્ય નથી,
--જેમ દોરડીમાં ભ્રમ થી સાપ દેખાય,તે ખોટો છે,
--તેમ અજ્ઞાનથી (માયાથી) આત્મામાં જીવ-પણું જે ભાસે છે,તેને ખોટું જ સમજવું. (૪૩)


જેમ અજ્ઞાન (ભ્રમ) ને લીધે દોરડી પોતે જ ક્ષણવારમાં સાપણ રૂપે ભાસે છે,
--તેમ અજ્ઞાન ને લીધે કેવળ ચૈતન્ય બ્રહ્મ જ પ્રત્યક્ષ જગત-રૂપે ભાસે છે. (૪૪)


જગતનું મૂળ કારણ બ્રહ્મ થી જુદું નથી, તેથી,આ સર્વ જગત બ્રહ્મ જ છે,એનાથી જુદું નથી. (૪૫)


“સર્વાત્મા” એટલે કે-“બધું બ્રહ્મ જ છે”  આવી વેદ ની આજ્ઞા છે, એટલે
--“બ્રહ્મ બધી “વ્યાપ્ય-વસ્તુઓ” માં “વ્યાપક-રૂપે” રહેલું  છે,એમ કહેવું ખોટું જ છે,કારણકે-
--“બધું બ્રહ્મ છે” એવું પરમ તત્વ જણાયા પછી,”વ્યાપ્ય-વસ્તુઓ” નો સંભવ જ ક્યાં છે? (૪૬)


વેદે પોતાના મુખે જ “ભેદ” ની ના પાડી છે,અને કહે છે-કે-”બ્રહ્મ” એક જ –“કારણ” રૂપે રહેલું છે,
--તો પછી બીજો (વ્યાપ્ય-વસ્તુઓ નો) ભાસ કેવી રીતે હોય?   (૪૭)


“માયાથી ઠગાયેલો જે મનુષ્ય,આ જગતમાં “ભેદભાવ” જુએ છે તે મરણ પછી પણ મરણ ને પામ્યા કરે છે”
--આ રીતે વેદે “બ્રહ્મ” સિવાય બીજી કોઈ “વસ્તુ” છે એમ માનવામાં દોષ પણ દર્શાવ્યો છે (૪૮)


પરમાત્મા એટલે કે “બ્રહ્મ” થી જ બધું જગત (વસ્તુ) ઉત્પન્ન થાય છે,
--માટે “આ બધું બ્રહ્મ જ છે” - એવો નિશ્ચય કરવો. (૪૯)


બધાં “નામો,રૂપો” અને દરેક પ્રકાર નાં “કર્મો”ને  –એ “બ્રહ્મ” ધારણ કરે છે- એમ વેદે કહ્યું છે.  (૫૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-4

આત્મા “હું” (અહં)-એવા શબ્દ થી પ્રખ્યાત,”એક” અને સૌથી જુદો છે, જયારે
--દેહ તો સ્થૂળ હોવાથી,”અનેક” પણું પામ્યો છે,તો તે (દેહ) આત્મા કઈ રીતે હોઈ શકે? (૩૧)


“હું” (આત્મા) એ બધી વસ્તુઓ ના જોનાર (દ્રષ્ટા) રૂપે સિદ્ધ છું, જયારે,
--દેહ તો જોવા યોગ્ય વસ્તુ (દૃશ્ય) તરીકે રહ્યો છે,અને “આ મારો દેહ” એમ કહેવાય (બતાવાય) છે,
--તેથી આ (દ્રશ્ય) એવો દેહ, તે આત્મા કઈ રીતે હોઈ શકે?  (૩૨)


“હું” (આત્મા) એ વિકાર વગરનો છું,જયારે,
--દેહ તો વિકાર વાળો અને પ્રત્યક્ષ જણાય છે,તો તે દેહ “આત્મા” કઈ રીતે હોઈ શકે? (૩૩)


હે,મૂર્ખ (અજ્ઞાની), “યસ્માન પરં” એ પ્રસિદ્ધ વેદમંત્રે આત્મા ના સ્વ-રૂપ નો બરાબર નિર્ણય કર્યો છે,
--તો પછી “દેહ” એ આત્મા કઈ રીતે હોઈ શકે? (૩૪)

(તૈતિરીય ઉપનિષદ માં આવતો “યસ્માન પરં” નો અર્થ એ છે કે-જે આત્મા ની પહેલાં કાંઇ નહોતું અને
જે (આત્મા) ની પછી પણ કાંઇ નથી (નિત્ય),જેનાથી નાનું કે મોટું કાંઇ નથી,અને જે એક વૃક્ષ ની જેમ અચળ રહે છે,અને તેમ છતાં સર્વ ઠેકાણે રહેલો છે.)


“પુરુષ-સૂક્ત” માં પણ વેદે કહ્યું છે કે-“પુરુષ એવેદમ્ સર્વં” – આ બધું પુરુષ (આત્મા) જ છે,
--તો પછી, આ દેહ એ આત્મા કેમ હોઈ શકે?  (૩૫)

“બૃહદારણ્યક ઉપનિષદ” માં પણ કહ્યું છે,કે –“અસંગઃ પુરુષઃ” –આત્મા ને કોઈ વસ્તુ નો સંગ નથી,જયારે
--દેહ તો અનેક જાતના મળથી ભરેલો છે તો તે દેહ આત્મા કેમ હોઈ શકે? (૩૬)

વળી એ જ ઉપનિષદ માં કહ્યું છે કે-“સ્વયં જ્યોતિરિહ્ પુરુષઃ” –આત્મા “સ્વયં-પ્રકાશ” છે.જયારે,
--આ દેહ તો જડ છે ને આત્મા ના જ્ઞાનથી જ તેને જાણી શકાય છે,(એને પોતાની મેળે જ્ઞાન થતું નથી)
--તો એવો એ દેહ તે આત્મા કેમ હોઈ શકે? (૩૭)


વેદ ના ‘કર્મકાંડ” વિભાગ માં પણ કહ્યું છે કે-આત્મા એ દેહ થી જુદો છે,નિત્ય છે અને
--સ્થૂળ શરીર (દેહ) પડ્યા પછી કર્મો નું ફળ ભોગવે છે. (૩૮)


સૂક્ષ્મ શરીર (મન,બુદ્ધિ,પ્રાણ-વગેરે) એ અનેક સાથે સંબંધવાળું,ચંચળ,દૃશ્ય,વિકાર વાળું,અવ્યાપક,અને
--અમુક માપ માં જ રહેનારું અને મિથ્યા છે -તો તે  શરીર આત્મા કેમ હોઈ શકે?(૩૯)


આમ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર –એ બંને થી જુદો,તે સર્વ પર કાબુ રાખનાર, સૌ નો આત્મા,
--સર્વ-રૂપ, તેમ છતાં સર્વ થી જુદો,નિર્વિકાર અને અવિનાશી જે પુરુષ (આત્મા) છે તે જ “હું” છું (૪૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-3

આત્મા નિત્ય અને સત્-સ્વ-રૂપ છે અને શરીર અનિત્ય અને અસત્ (મિથ્યા) છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૨૧)


જે પ્રકાશ થી પદાર્થો નું જે જ્ઞાન થાય છે તે જ આત્મા નો પ્રકાશ છે,
--પણ એ (આત્માનો) પ્રકાશ એ અગ્નિ (વગેરે) થી જે પ્રકાશ થાય છે તેના જેવો પ્રકાશ નથી,
--કારણકે એ “આત્મા નો પ્રકાશ” હોવાં છતાં રાત્રે અંધારું હોય છે. (૨૨)


જેમ,ઘડા ને જોનાર એમ કહે છે કે-“આ ઘડો મારો છે” (પરંતુ તે એમ કહેતો નથી કે “આ ઘડો હું જ છું”)
--તેમ,શરીર ને પણ “આ મારું શરીર છે” એમ જાણ્યા છતાં –આશ્ચર્ય ની વાત એ છે કે-
--અજ્ઞાની મનુષ્ય “આ દેહ છે તે જ હું છું” એમ માની બેસે છે. (૨૩)


“હું –બ્રહ્મ-જ છું,બધામાં સમાન આત્મા-રૂપે રહેલો છું,શાંત છું,તથા સત્-ચિત્-આનંદ,એ મારું લક્ષણ છે”
--“આ દેહ કે જે મિથ્યા છે-તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૪)


“હું વિકાર વિનાનો,આકાર વિનાનો,દોષ વિનાનો અને અવિનાશી છું”
--આ દેહ કે જે “મિથ્યા સ્વ-રૂપ વાળો છે –તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૫)


“હું નિરામય (રોગ વિનાનો),નિરાભાસ (આભાસ વિનાનો).નિર્વિકલ્પ (કલ્પના વિનાનો) તથા
--દરેક ઠેકાણે વ્યાપ્ત છું.આ મિથ્યા શરીર છે તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૬)


“હું નિર્ગુણ (સત્વ,રજસ,તમસ-એ ત્રણ ગુણ વગરનો),નિષ્ક્રિય (ક્રિયા વગરનો),નિત્ય (નાશ વગરનો),
--નિત્ય-મુક્ત (બંધન વગરનો) અને (સત્,ચિત્ આનંદ વાળો) મારો સ્વ-ભાવ ક્યારેય નાશ પામતો    નથી.
--આવો હું “આત્મા” છું,પણ જે મિથ્યા સ્વ-રૂપ વાળો (નાશ પામતો) દેહ છે તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૭)


“હું નિર્મળ (શુદ્ધ) છું,નિશ્ચળ (આકાશ ની જેમ અચળ) છું,અંત વિનાનો અને પવિત્ર છું.
--હું અજર (ઘડપણ વિનાનો) અને અમર (મરણ વગરનો) છું.અને
--આ ખોટા રૂપ વાળો જે દેહ છે તે હું નથી.
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૮)


હે અજ્ઞાની,આત્મા તો મંગલરૂપ છે અને તેનું નામ “પુરુષ” છે (પુર=શરીર અને તેમાં જે રહે છે તે પુરુષ)
--દરેકે તેની હયાતી માની છે અને તે પોતાના દેહમાં જ રહેલો છે, તેમ છતાં,
--તેને તુ “શૂન્ય”(અસ્તિત્વ વગરનો)  અને શરીરમાં નથી તેમ કેમ માને છે? (૨૯)


હે,મૂર્ખ (અજ્ઞાની),પોતાના આત્મા ને તુ વેદનાં વચનો થી તથા યુક્તિ થી સાંભળ,(અને જો),
--એ “પુરુષ” છે,દેહ વગરનો છે,દેહમાં જ હયાત અને “સ્વ-રૂપ” વાળો છે.
-- તેમ છતાં,તારા જેવા એને (કેમ??) ઘણી જ મુશ્કેલી થી જોઈ શકે છે.?!!! (૩૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-2

જેમ “પ્રકાશ”  વિના કોઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ દેખાતી નથી,
--તેમ “વિચાર” વિના બીજા કોઈ પણ સાધનો થી “જ્ઞાન” ઉત્પન્ન થતું નથી.
   (એટલે કે માત્ર વિચાર થી જ જ્ઞાન મળે છે) (૧૧)


“હું કોણ છું ?” “આ કેવી રીતે ઉપજ્યું?” “આનો કરનાર કોણ?” અને “આમાં મૂળ કારણ કયું?”
--આવો વિચાર થવો જોઈએ (૧૨)


“જે આ દેહ છે તે હું નથી” (દેહ તો પંચમહાભૂત-પૃથ્વી,પાણી,તેજ,વાયુ,આકાશ- નો સમુદાય જ છે)
--“ઇન્દ્રિયો પણ હું નથી” “હું તો એ થી જુદો જ છું”
--આવો વિચાર થવો જોઈએ. (૧૩)


“આ બધું અજ્ઞાન થી ઉપજ્યું છે,અને જ્ઞાન થી તે નાશ પામે છે,”
--“અનેક જાતના સંકલ્પો તે જ આ બધું કરનાર છે.”
--આવો વિચાર થવો જોઈએ. (૧૪)


“જેમ માટી નાં પાત્રો-ઘડા-વગેરે નું મૂળ કારણ માટી છે”
--તેમ “અજ્ઞાન” અને “સંકલ્પ” –એ બંને નું જે મૂળ કારણ છે
--તે જ “એક” સૂક્ષ્મ” “સત્” અને “અવિકારી તત્વ” છે.
--આવો વિચાર થવો જોઈએ. (૧૫)


“હું પણ એક જ સૂક્ષ્મ,જ્ઞાતા (જાણનાર),સાક્ષી (બધું પ્રત્યક્ષ જોનાર),સત્ અને અવિકારી છું.”
--“તેથી તે જ તત્વ (બ્રહ્મ) હું છું,એમાં શંકા નથી”
--આવો વિચાર થવો જોઈએ. (૧૬)


આત્મા –એ અવયવ વિનાનો અને “એક” જ છે,અને દેહ તો “અનેક” અવયવ (અંગ) વાળો છે,
--આમ છતાં તે બંને ને (આત્મા અને દેહ ને) અજ્ઞાની ઓ જો -એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ?  (૧૭)


આત્મા એ શરીર ને કાબુમાં રાખનારો અને શરીરની અંદર રહે છે,
--જયારે દેહ –એ આત્મા ને કાબુમાં રાખનાર નથી અને બહાર છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૧૮)



આત્મા જ્ઞાન-મય અને પવિત્ર છે,જયારે દેહ માંસ-મય અને અપવિત્ર છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૧૯)


આત્મા પ્રકાશ આપનાર અને સ્વચ્છ છે,અને શરીર તમોગુણ થી બનેલું કહેવાય છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૨૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-૧

પરમ આનંદ આપનાર,ઉપદેશ આપનાર,જગત ને નિયમમાં રાખનાર, દરેક ઠેકાણે રહેલા
--અને સર્વ લોકો ના “હિત” નું “કારણ” –શ્રી હરિ ને હું વંદન કરું છું.  (૧)


આ “અપરોક્ષાનુભૂતિ” નું કથન “મોક્ષ” મેળવવા માટે કહેવામાં આવે છે,
--કે જેનું સજ્જનોએ વારંવાર પ્રયત્ન કરી ને  વિચાર કરવો. (૨)


--પોતાના વર્ણ (બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર) અને
--પોતાના આશ્રમ (બ્રહ્મચર્ય,ગૃહસ્થ.વાનપ્રસ્થ,સંન્યાસ) ના
--“ધર્મરૂપ તપ” થી ભગવાન પ્રસન્ન થાય છે. અને
--તેથી ચાર સાધનો (વૈરાગ્ય,વિવેક,શમ,મુમુક્ષુ) મનુષ્ય ને પ્રાપ્ત થાય છે.  (૩)


બ્રહ્મા (જગત ની ઉત્પત્તિ) થી માંડી ને સ્થાવર (નાનાં તણખલાં) સુધી, એ સર્વે માં જે “વિષયો” રહેલા છે,
--તેમના પર (તે વિષયો પર)
-- જેમ-કાગડાની વિષ્ઠા જોયાં પછી તેના પર અણગમો ઉપજે છે-તેમ-
--તેવો જ –જે-અણગમો ઉપજે તે જ  “શુદ્ધ વૈરાગ્ય” છે. (૪)


આત્મા (પરમાત્મા) નું સ્વ-રૂપ જ નિત્ય છે,એ સિવાય નું આ બધું જે દેખાય છે તે અનિત્ય છે,
--વસ્તુ નો આવો જે નિશ્ચય તે જ “વિવેક” છે.   (૫)


(૧) શમ (૨) દમ (૩) ઉપરતિ (૪) તિતિક્ષા (૫) શ્રદ્ધા અને (૬) સમાધાન એ-છ સંપત્તિ છે.
--વાસનાનો ત્યાગ તે શમ છે.  દશે ઇન્દ્રિયો ને વશ રાખવી તે દમ છે.  (૬)


--વિષયો થી દૂર રહેવું તે ઉપરતિ,અને સર્વ દુઃખ સહન કરવાં તે તિતિક્ષા છે. (૭)


--વેદ અને ગુરુનાં વચન માનવાં-તે શ્રદ્ધા છે,
--અને બ્રહ્મ-રૂપ લક્ષ્ય માં ચિત્ત ને એકાગ્ર કરવું તે સમાધાન છે.(૮)


“આ સંસાર-રૂપ બંધન માંથી મારો છૂટકારોક્યારે અને કેવી રીતે થાય?”
--આવી દૃઢ બુદ્ધિ ઉપજે એ –“મુમુક્ષુ-પણું” કહેવાય.  (૯)


ઉપર કહેલાં ચારે સાધનો વાળા અને પોતાનું કલ્યાણ ઇચ્છનારા પુરુષે
--જ્ઞાન મેળવવા (નીચે પ્રમાણે) વિચાર કરવો. (૧૦)


         INDEX PAGE           NEXT PAGE