Jan 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-734

બ્રહ્મપણાને પામેલા અને સરખી જ સ્થિતિથી રહેલા,એ ગુરુ અને શિષ્ય બ્રહ્મનિષ્ઠપણાને લીધે
દેહના ધારણને એક જાતના વિનોદ-રૂપ જ ગણવા લાગ્યા.
"આ દેહને શા માટે રાખવો?આ દેહને છોડી દેવાથી આપણને શો લાભ થાય તેમ છે?" એવા વિચારો કર્યા પછી,
"શાસ્ત્રીય અને લૌકિક આચારને અનુસરીને આ દેહ જેમ વર્તે છે-તેમ ભલે વર્તે" એ પ્રમાણે નિશ્ચય કરીને રહેતા,
અને એક વનમાંથી બીજા વનમાં જતાં એ બંને જણ પરમાનંદ પામ્યા કે જે વિષયાનંદ તથા દુઃખોથી રહિત છે.
ધનને,વૈભવને અને પ્રસન્ન થયેલા બ્રહ્મા-આદિએ આપેલી આઠ સિધ્ધિઓને પણ તે જુના ખડ સમાન ગણતા હતા.

Jan 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-733

ત્રિતલ કહે છે કે-પુરુષ-પ્રયત્નથી ભોગોના સમૂહની વાસનાને છોડી દઈ,જે પુરુષ પોતાના શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે-તેનો અહંકાર નષ્ટ થાય છે.હું રાજા છું તો મારાથી ભિક્ષા શી રીતે માગી શકાય? ઇત્યાદિ પ્રકારની લજ્જા-વગેરે સઘળું બંધનકારી પાંજરું છે.એ જ્યાં સુધી સર્વના ત્યાગ-રૂપી સાધનથી ભાંગ્યું નથી,ત્યાં સુધી અહંકાર નષ્ટ થાય નહિ.

Jan 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-732

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ પ્રમાણે વિચાર કરતાં એક દિવસ મનમાં ઉદ્વેગ પામેલા અને સંસારથી અત્યંત ભય પામેલા ભગીરથ રાજાએ,એકાંતમાં ત્રિતલ નામના ગુરુને નીચે પ્રમાણે પૂછ્યું.
ભગીરથ કહે છે કે-હે મહારાજ,"અંદર સાર વિનાની અને લાંબા કાળથી ભમતા જીવોને રાગ-દ્વેષાદિના ફળ-રૂપ થતી" આ સંસાર-રૂપી ઝાડીઓમાં અમે બહુ જ ખેદ પામ્યા છીએ.સંસાર આપનારાં જરા,મરણ તથા મોહ-આદિરૂપ સઘળાં દુઃખોનો અંત કેવી રીતે આવે?

Jan 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-731

એ રાજા મહાત્મા લોકોને પણ તેમના સંસાર વ્યવહારને ચલાવવા માટે નિરંતર ધન આપ્યા કરતો અને (સાથે સાથે) પોતાના રાજકીય હક્કથી મળેલા ધનને પણ સ્વીકારવાનું છોડતો નહોતો.
તે ભગીરથ રાજા દુષ્ટો પર આક્રમણ કરીને તેમના દેશ વગેરે-જીતી લઈને,તેમને પોતાના પગ તળે રાખીને તેમનાં દુરાચરણ દુર કરીને તેમને ગુણવાન બનાવતો હતો.

Jan 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-730

હે વેતાળ,આ સઘળું બ્રહ્માંડ,એ જ્ઞાન-માત્ર પરમાત્માની અંદર મજ્જા-રૂપ છે-એમ સમજ.સઘળા જગતો જ્ઞાન-માત્ર બ્રહ્મમાં કલ્પનાથી જ બેઠેલાં છે,બ્રહ્મ-પદ કે જે શાંત છે,સ્વાભાવિક રીતે સુકુમાર અને મર્યાદા વગરનું છે-તેમાં તારા જેવાઓની તો ચાંચ પણ ખૂંચે તેમ નથી,એટલા માટે તું મારા વચનને અનુસરીને તેનો અનુભવ કર,અને અભિમાનને ત્યજીને બેસી રહે.

Jan 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-729

(૭૨) બાકીના પાંચ પ્રશ્નોના ઉત્તર
રાજા કહે છે કે-હે વેતાળ,જેમ પુષ્પમાં સુગંધ સ્ફુરે છે,તેમ પરમાત્મા-રૂપી-મોટા પવનમાં કાળની,આકાશની,સમષ્ટિ પ્રાણની,અને જીવની સત્તા-આદિ સુક્ષ્મ અને ચંચલ,રજો સ્ફૂર્યા કરે છે.કાળ,આકાશ,પ્રાણ,જીવ આદિ મોટાં આકાશો-પોતાની સત્તા વગરનાં છે પણ  પરમાત્માની સત્તાથી સત્તા-વાળાં છે.

Jan 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-728

જેમાં એવી એવી હજારો "શાખા"ઓ છે-એવું અને નજરે પડે નહિ એવું અને-
અનંત શાખાઓના સમુદાય-વાળું,એક મોટું "વૃક્ષ" (ગંધ તન્માત્રા) છે.
જે અનંત વૃક્ષોના સમુદાય જેમાં આવેલા છે-તેવું અત્યંત મોટું "વન" (રસ-તન્માત્રા) છે.
જેમાં અનંત વનો છે-એવો સર્વત્ર ભૂરા આકારનો એક મોટો "પર્વત" (રૂપ-તન્માત્રા) છે.
જેમાં અનંત પર્વતો છે એવો અને મોટી મોટી કોતરો વાળો વિશાલ "દેશ" (સ્પર્શ-તન્માત્રા) છે.
જેમાં અનંત દેશો છે એવો અને એક નદીઓથી ભરપૂર મોટો "દ્વીપ" (શબ્દ-તન્માત્રા) છે.

Jan 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-727

રાજા કહે છે કે-હે રાક્ષસ,તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો-
તારું માથું હજાર ટુકડા થઈને ફાટી પડશે,એમાં કોઈ સંશય નથી.
વેતાળ કહે છે કે-હું તને અન્યાયથી નહિ ખાઉં.હું તને એક  વાત કહું છું તે સાંભળ.
તું રાજા છે-એટલે તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરી કરવી જ જોઈએ,તો તારાથી બને તેવી હું એક માંગણી કરું છું તે તું પૂરી કર.હું જે જે પ્રશ્નો કરું-તેના તારે યથાર્થ ઉત્તરો આપવા.

Jan 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-726

હે રામચંદ્રજી,ચિત્તના ક્ષયનું રૂપ-શૂન્યતા નથી,પણ અધિષ્ઠાન-ભૂત આત્મા જ ચિત્તના ક્ષયનું રૂપ છે,
કેમ કે અભાવને (શૂન્યતાને પામવાના પુરુષાર્થને ) પરમ પુરુષાર્થ કહેવાય જ નહિ.
જો ચિત્ત જરાવાર પણ પરમ-પદમાં આરામ લે,તો તે પરમ-પદમાં જ પરમાનંદ પામીને પરમ-પદ થયેલું જ સમજો.ચિત્તને જો નિરતિશય સ્વયંપ્રકાશ આનંદનો સ્વાદ મળ્યો,
તો પછી સંસારમાં પાછા આવવાની ઈચ્છા કરશે જ નહિ.

Jan 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-725

એક દેહથી છૂટો પડેલો,મન સહિતનો પ્રાણ,બહારના આકાશમાં જેવા દેહના વ્યવહારને જુએ છે,
તેવા જ સઘળા વ્યવહારનો (પોતાનામાં) અનુભવ કરે છે.
જેમ,વાયુનું ચલન શાંત થઇ જતાં,ગંધ શાંત (સ્થિર) થઇ જાય છે,
તેમ મનનું ચલન બંધ થતાં પ્રાણવાયુ શાંત (સ્થિર) થઇ જાય છે.
પણ,સામાન્ય પ્રાણીઓના ચિત્ત અને પ્રાણ,સર્વદા "એકબીજા વગર.ના જ રહી શકે"  તેવા છે.

Jan 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-724

પ્રાણો બીજા દેહમાં પેસતાં,તેની અંદર રહેલા આકાશની અને વાયુઓની સાથે જોડાઈને,સંસારનાં દુઃખો ભોગવે છે.
જેમ,સમુદ્રમાં ડૂબેલો પાણીથી ભરેલ ઘડો,બહારના લોકોના જોવામાં નહિ આવવા છતાં પણ નાશ પામતો નથી,
તેમ,વાસના-વાળું મન મરણ સમયે જોવામાં નહિ આવવા છતાં પણ નષ્ટ થતું નથી.
જેમ,કિરણો સૂર્ય વગરનાં હોતાં નથી,તેમ,પ્રાણ મન વગરનો હોતો નથી.મન,જ્ઞાનને પકડે -તો જ પ્રાણને છોડે છે.જ્યાં મન હોય છે-ત્યાં પ્રાણ હોય જ છે,પણ જયારે મન જ્ઞાનના પ્રભાવને લીધે વાસનાઓ વિનાનું થઈને નષ્ટ થઇ જાય છે,ત્યારે પ્રાણ ચલન વિનાનો થઇ જાય છે અને ત્યારે શાંતિ જ અવશેષ રહે છે.

Jan 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-723

સાંખ્ય-યોગી કે યોગયોગી (હઠયોગી)ઓને તપના ફળથી મળેલા તત્વ-સાક્ષાત્કારથી પામવાનું પદ એક જ છે,કે જે પદ શાંત અને અકૃત્રિમ છે.કેટલાએક મહાત્માઓ સાંખ્યથી તો કેટલાએક મહાત્માઓ યોગથી -એ ફળને પામીને જીવનમુક્ત થયેલા છે.
જે પુરુષ,સાંખ્ય અને યોગથી એક જ પ્રકારનું ફળ મળે છે-એમ જાણે તેને વિચક્ષણ સમજવો.
જે પદને સાંખ્ય-યોગીઓ પામે છે તે જ પદને યોગી (હઠયોગી)ઓ પણ પામે છે.
જે સ્થિતિમાં પ્રાણ કે મનની વૃત્તિઓનો પત્તો જ મળતો નથી અને વાસના-રૂપી જાળ નાશ પામે છે-
તે સ્થિતિને પરમપદ સમજો.

Jan 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-722

રામ કહે છે કે-જો,રુદ્ર (શંકર) સઘળી શક્તિઓથી ભરપૂર છે-તો-પોતાના માટે,સારી સ્થિતિઓની કે સારા આચરણોની કલ્પના નહિ કરતાં,માણસોની ખોપરીઓની માળાનાં ઘરેણાં શા માટે ધારણ કરે છે?
શા માટે શરીર પર ભસ્મ લગાવે છે? શા માટે નગ્ન રહે છે?
શા માટે સ્મશાનમાં રહે છે? કેમ સ્ત્રી-સંગ રાખે છે?

Jan 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-721

આવી સ્થિતિમાં ચિત્તની બ્રહ્માકાર (છેલ્લી) વૃત્તિ પણ શૂન્ય જેવી થઇ જાય છે,
તો ત્યાર પછી,પોતાની-બીજાની કે ભેદની કલ્પના જ ક્યાંથી રહે?
આ બોધ-વાળું સુષુપ્ત-મૌન,અવિદ્યાના બાધથી તુર્યાવસ્થા કહેવાય છે અને
અવિદ્યાનો બાધ કરનારી વૃત્તિઓના બાધથી-તુર્યાતીત પણ કહેવાય છે-
એમ બરાબર રીતે સમજો.
જ્ઞાનની સાત ભૂમિકાઓમાં,પાંચમી સુષુપ્ત સમાધિ,છઠ્ઠી તુર્ય સમાધિ અને સાતમી તુર્યાતીત સમાધિ છે.તેઓ જીવન્મુક્તને અનુક્રમે જાગ્રતમાં તથા સ્વપ્નમાં પણ થાય છે.

Jan 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-720

સ્વ-રૂપમાં-સ્થિતિ-રૂપ-લીલાથી રહેનારા જીવનમુક્ત-પુરુષો,વાકમૌન-વગેરે ત્રણ મૌનને,તે  (મૌનો) બંધન-રૂપ હોવાથી,ત્યજી દેવા યોગ્ય જાણીને -તેના પર અરુચિ રાખે છે.અથવા,
તે મૌનો પણ "એક જાતનો ચિદાનંદનો વિલાસ જ છે" -એમ જાણીને તેમના પર જો અરુચિ રાખે નહિ,
તો પણ તેઓ એ ત્રણે મૌનોને ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) તો સમજતા જ નથી.
આ સુષુપ્ત મૌન કે જે આમ,જીવન્મુક્તના અનુભવમાં રહેલું છે,
એટલે કે જેણે પુનર્જન્મ ન થવાનો હોય-તેને જ પ્રાપ્ત થાય એવું છે.તેનું,હવે હું વિશેષ વર્ણન કરું છું.

Jan 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-719

ચૈતન્ય-રૂપી ચન્દ્ર-બિંબમાં જે સંકલ્પ-રૂપી કલંક સ્ફૂરતું હોય એમ લાગે છે-તે કલંક નથી પણ ઘટ-ચૈતન્યનું ઘાટું સ્વરૂપ જ છે-એમ સમજો.તમે ઘાટા ચૈતન્યના ફેલાયેલા પદ\માં જ રહો ને પૂર્ણતા થી જ્ર રહો.
"સંકલ્પ-આદિ જે કંઈ છે તે તમારી (આત્માની) સત્તાથી જ છે" એવી રીતના નિર્દોષ મહા-બોધના સારનું અવલંબન કરો કે જેથી સઘળી વસ્તુઓ તમારી સાથે એકરસ થઇ જાય.

Jan 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-718

ચૈતન્યની સત્તાથી સત્તા પામેલા જીવો,સ્વ-રૂપને ભૂલી જવાથી,જરા,મરણ,દુઃખો વગેરેને પ્રાપ્ત થાય છે.
જો કોઈ જીવ પુણ્યવાન હોય,તો ચિત્ત-રૂપી અંશના ચલન-માત્રથી,પાતાળ કે બ્રહ્મલોકને બનાવીને તેમાં ભોગ ભોગવ્યા કરે છે.જે પરમાત્મા ચૈતન્ય છે-તે જ પ્રાણની કલ્પનાથી ચલન-રૂપ થઈને તે દ્વારા "જીવ" એ નામને ધારણ કરીને, પોતામાં-દેહાકાર ભ્રમ-વાળું અને બહાર-જઈ-વિષયાકાર ભ્રમ-વાળું થઈને ભમ્યા કરે છે.

Jan 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-717

અહો,આ મનની ગતિ મહાભયંકર છે.
જેમ,અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે,
તેમ શુદ્ધ જ્ઞાન-રૂપ પરમાત્મામાંથી,અશુદ્ધિ-વાળી આ સઘળી સંસાર-રૂપી જાળ થયેલી છે.
સન્યાસીના મનની જેમ,પ્રત્યેક જીવના મનમાં પણ આવી જ રીતનો પ્રત્યેક જગત-રૂપ દેખાવ ઉદય પામ્યો છે.
અને તે તે દેખાવો સંબંધી બીજા જીવોના મનમાં પણ આવી જ રીતના વિચિત્ર દેખાવો ઉદય પામ્યા છે.
કારણોના પણ કારણ-રૂપ અને સર્વના અધિષ્ઠાન-રૂપ પરમાત્મા સ્ફૂર્યા કરે છે.
તેમાં એ સઘળા દેખાવો પરસ્પરની દ્રષ્ટિથી સાચા  છે,
પણ પરમાત્માનું રૂપ જાણવામાં આવે ત્યારે તે મિથ્યા થઇ જાય છે.

Jan 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-716

(૬૬) ભિક્ષુનો સંસાર
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ગઈ કાલે મેં,જ્ઞાન-રૂપી નેત્રથી અવલોકન કરતાં ઘણી વારે એ સન્યાસી મારા જોવામાં આવ્યો.જે મનનું માનેલું રાજ્ય હોય,તે મોટો પરિશ્રમ કર્યા વિના બહાર શી રીતે મળે?
જેમ કિનારાનો પવન સમુદ્રમાં જાય,તેમ બુદ્ધિ વડે (રાત્રિના બીજા ભાગમાં) હું ઉત્તર દિશામાં ગયો.ત્યારે "જિન" નામનો મોટો સમૃદ્ધિ-વાળો દેશ જોયો.એ દેશમાં "વિહાર" નામનો પ્રદેશ છે,તે પ્રદેશમાં પોતાની ઝૂંપડીની અંદર "દીર્ઘદશ" નામનો સન્યાસી-સમાધિમાં,એકવીશ રાત્રિથી  લીન થઈને બેઠો છે.

Jan 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-715

ચિદાભાસ-રૂપ-સઘળા જીવોને જન્મ-મરણ સ્થિતિ પણ એ જ પ્રમાણે-
(તે જન્મ-મરણ-સ્થિતિ) બ્રહ્મ-રૂપ-આકાશ-મય હોવા છતાં,મિથ્યા આકારને પ્રાપ્ત થઇ છે.
આત્મા પોતાથી જુદો ના હોવા છતાં,આ સંસાર-રૂપી-ખાડાને,જુદો માની લઈને તેમાં પડે છે.
સઘળા જીવોને,જન્મ-મરણ-વગેરેની સ્થિતિ વખતે,પોતપોતાના કર્મોના-ફળ-રૂપી-પ્રયત્ન,જગત-રૂપે,(સ્વપ્ન ની જેમ) પ્રતિત થયા કરે છે.સન્યાસીના જીવની જેમ સઘળા જીવો મોક્ષની પ્રાપ્તિ સુધી વ્યાકુળ રહે છે.મેં તમને આ સન્યાસીની કથાથી જીવોના સમૂહોનું વર્ણન કર્યું છે.