અધ્યાય-૧૫૯-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ
II जनमेजय उवाच II तथा व्युढेष्वनिकेषु कुरुक्षेत्रे द्विजर्षभ I किमकुर्वश्च कुरवः कालेनाभिप्रचोदिताः II १ II
જન્મેજયે પૂછ્યું-હે દ્વિજશ્રેષ્ઠ,કુરુક્ષેત્રમાં સેનાઓ તે પ્રમાણે વ્યૂહરચનામાં ગોઠવાઈ ગયા પછી
કાળવડે પ્રેરાયેલા કૌરવોએ શું કર્યું?
વૈશંપાયને કહ્યું-ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-'હે સંજય,તું અહીં આવ,અને કૌરવ-પાંડવની છાવણીમાં જે વૃતાંત બન્યો હોય,તેમાંથી કંઈ પણ બાકી ન રાખીને સર્વ મને કહે.હું દૈવને જ શ્રેષ્ઠ માનું છું ને પુરુષાર્થને નિરર્થક માનું છું,કારણકે હું પરિણામે વિનાશ ઉત્પન્ન કરનારા યુદ્ધના દોષોને જાણું છું,તો પણ કપટબુદ્ધિવાળા મારા પુત્રને કબ્જે રાખવામાં સમર્થ થતો નથી.મારી બુદ્ધિ મારા કાર્યના દોષોને અવશ્ય જુએ છે પણ દુર્યોધનને મળતાં જ પાછી ફરી જાય છે.આવી વસ્તુસ્થિતિ છે માટે જે થવાનું હશે તે થશે.ક્ષત્રિયોએ રણમાં દેહનો ત્યાગ કરવો,એ તેઓનો માન્ય ધર્મ જ છે'(7)





