ઉલૂક દૂતાગમન પર્વ
અધ્યાય-૧૬૦-દુર્યોધને ઉલૂક દૂતની સાથે સંદેશો કહાવ્યો
II संजय उवाच II हिरण्वत्यां निविष्टेषु पांडवेषु महात्मसु I न्यविशंत महाराज कौरवेया यथाविधि II १ II
સંજયે કહ્યું-મહાત્મા પાંડવોએ હિરણ્યવતી નદીના તીર પર પડાવ નાખ્યો,ત્યારે કૌરવોએ પણ વિધિ પ્રમાણે છાવણીમાં નિવાસ કર્યો.યુદ્ધની સર્વ વ્યવસ્થા કર્યા પછી,દુર્યોધને કર્ણ,દુઃશાસન ને શકુનિને બોલાવી એકાંતમાં મસલત કરીને,(શકુનિ પુત્ર)ઉલૂકને તેડાવી,તેને કહ્યું કે-'હે જુગારીના પુત્ર ઉલૂક,તું સોમકોની સાથે રહેનારા પાંડવોની પાસે જા અને ત્યાં જઈને શ્રીકૃષ્ણના સાંભળતા મારો સંદેશો પ્રથમ ભીમને કહેજે કે-'વાસુદેવની સહાયતાવાળા તેં,તારા ભાઈઓની વચ્ચે,પોતાની પ્રશંસાનાં જે મોટાં વચનો, ગર્જના કરીને ઉચ્ચાર્યા છે તે વચનો,સંજયે અમને કહ્યાં છે એટલે,હવે તે વચનોને સફળ કરવાનો સમય હવે આવી ગયો છે.તેં જે પ્રતિજ્ઞાઓ કરી છે તે હવે સત્ય કરી દેખાડ.'





