અધ્યાય-૨-વ્યાસદર્શન અને દુશ્વિહ્ન કથન
II वैशंपायन उवाच II ततः पूर्वापरे सैन्ये समीक्ष्य भगवानृपि: I सर्ववेदविदां श्रेष्ठो व्यासः सत्यवतीसुतः II १ II
વૈશંપાયને કહ્યું-પછી,પૂર્વ અને પશ્ચિમમાં ગોઠવાયેલાં તે બંને પક્ષોનાં સૈન્યોને જોઈને,સર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ,ભારતોના પિતામહ,સત્યવતીના પુત્ર ને ભૂત,ભવિષ્ય વર્તમાનને જાણનારા વ્યાસ ઋષિ,તે વખતે પુત્રોના અન્યાયનો વિચાર કરતા,શોક ને દુઃખી થયેલા,વિચિત્રવીર્યના પુત્ર ધૃતરાષ્ટ્રને મળ્યા ને રહસ્યયુક્ત વચનો કહેવા લાગ્યા કે-હે રાજા,તારા પુત્રોનો તથા બીજા રાજાઓનો કાળ બદલાયો છે.તેઓ સંગ્રામમાં સામસામે આવીને,પરસ્પરનો નાશ કરશે જ.તેઓ મૃત્યુના ઝપાટામાં આવી પડ્યા છે,ને અવશ્ય નાશ પામશે.માટે કાળનું વિપરીતપણું જાણીને તું મનમાં શોક કરીશ નહિ.તું યુદ્ધ જોવા ઈચ્છતો હોય તો હું તને ચક્ષુ આપું,કે જેથી તું આ યુદ્ધને પ્રત્યક્ષ જોઈ શકીશ.(6)





