અધ્યાય-૫-સુદર્શન દ્વીપનું વર્ણન
II धृतराष्ट्र उवाच II नदीनां पर्वतानां च नामधेवानि संजय I तथा जनपदानां च ये चान्ये भूमिमाश्रिताः II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તું નદીઓનાં,પર્વતોનાં,દેશોનાં,અને પૃથ્વી પર રહેલા પ્રદેશોનાં નામો મને કહે.
આખી પૃથ્વીનું સર્વ તરફનું પ્રમાણ અને અરણ્યો વગેરે સંપૂર્ણતાથી મને કહે.
સંજયે કહ્યું-હે મહારાજ,એકંદર રીતે પૃથ્વી વગેરે પંચમહાભૂતો જ પિંડ ને બ્રહ્માંડરૂપ બનેલાં છે,માટે જ્ઞાનીઓ આ જગતમાં રહેલી ચૈતન્યથી ફેલાયેલી સર્વ વસ્તુઓને સમાન (એક)કહે છે.પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ મહાભુતો છે.
તેમાં મુખ્ય એવી પૃથ્વીના શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ ગુણો કહ્યા છે.જળમાં ગંધ સિવાયના ચાર ગુણો છે.
શબ્દ,સ્પર્શ અને રૂપ-આ ત્રણ ગુણો તેજના છે.વાયુના શબ્દ અને સ્પર્શ એ બે ગુણો છે.અને આકાશનો એક શબ્દ જ ગુણ છે.





