અધ્યાય-૭-ઉત્તરકુરુનું અને માલ્યવાનનું વર્ણન
II धृतराष्ट्र उवाच II मेरोरथोत्तरं पार्श्व पूर्व चाचक्ष्व संजय I निखिलेन महाबुद्धे माल्यवंतं च पर्वतम् II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે મહાબુદ્ધિમાન સંજય,તું મને મેરુપર્વતના ઉત્તરના તથા પૂર્વના પડખાનું અને માલ્યવાન પર્વતનું વર્ણન કહે.
સંજયે કહ્યું-હે રાજા,નીલ પર્વતની દક્ષિણે અને મેરુની ઉત્તરે સિદ્ધ પુરુષોએ સેવેલા ઉત્તરકુરુ નામના દેશો છે.ત્યાંનાં વૃક્ષો મધુર ફળવાળાં અને કેટલાંક વૃક્ષો ઈચ્છીત વસ્તુઓને આપનારાં છે.ક્ષીરી નામનાં વૃક્ષોમાંથી સદા અમૃત જેવા છ રસો ઝર્યા કરે છે,
વસ્ત્રો નીકળે છે અને તેનાં ફળોમાંથી આભૂષણો નીકળે છે.ત્યાંની સર્વ ભૂમિ મણિમય અને સુવર્ણની રેતીવાળી છે.
પુણ્ય ક્ષીણ થતાં,દેવલોકમાંથી ભ્રષ્ટ પામેલા સર્વ મનુષ્યો ત્યાં ઉત્પન્ન થાય છે.ર્ત્યાં સ્ત્રી-પુરુષની જોડી જ ઉત્પન્ન થાય છે ને સાથે જ વૃદ્ધિ પામે છે.તે રૂપ,ગુણ અને વેષમાં સમાન જ હોય છે.તે અગિયાર હજાર વર્ષ સુધી સાથે જ જીવે છે.અને તેઓ જયારે મરણ પામે છે ત્યારે તીક્ષ્ણ ચાંચવાળાં મોટાં ભારુંડ નામનાં પક્ષીઓ તેઓને ઉપાડીને પર્વતોની ખીણમાં નાખી દે છે.





