અધ્યાય-૧૭-સૈન્ય વર્ણન (ચાલુ)
II संजय उवाच II यथा स भगवान्व्यासः कृष्णद्वैपायनोब्रवीत I तथैव सहिता: सर्वे समाजग्मुर्महिक्षित: II १ II
સંજયે કહ્યું-ભગવાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસે જે પ્રમાણે કહ્યું હતું,તે પ્રમાણે સર્વ રાજાઓ એકઠા મળીને ત્યાં રણભૂમિ પર આવ્યા,તે દિવસે ચંદ્ર સહિત સાત ગ્રહો બળતા હોય તેવા લાલ જણાતા હતા તથા આકાશમાં એકબીજા પર ગતિ કરતા હતા.
ઉદય સમયે સૂર્ય બે ભાગ થઇ ગયેલા હોય તેવો જણાતો હતો અને પુષ્કળ જ્વાળાઓ કાઢતો ઉદય પામ્યો હતો.શિયાળો અને કાગડાઓ.માંસ અને રુધિર મળવાની લાલસાથી,દિશાઓમાં શબ્દો કરતા હતા.યુદ્ધ શરુ થયું ત્યારેથી હંમેશાં પિતામહ ભીષ્મ અને દ્રોણ,પ્રાતઃકાળમાં ઉઠીને 'પાંડુપુત્રોનો જય થાઓ'એમ એકાગ્ર મનથી કહી,પછી તે બંને શત્રુઓને દમનારા,તમારી સાથે કરેલા ઠરાવ મુજબ,તમારા માટે યુદ્ધ કરતા હતા.





