અધ્યાય-૧૯-પાંડવસેનાની વ્યૂહરચના
II धृतराष्ट्र उवाच II अक्षौहिण्यो दशैका च व्यूढा द्रष्टा युधिष्ठिरः I कथमल्पेन सैन्येन प्रत्यव्युहत पांडवः II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડુપુત્ર યુધિષ્ઠિરે,અમારી અગિયાર અક્ષૌહિણી સેનાની વ્યૂહરચના જોઈને તેની સામે પોતાના અલ્પસૈન્યની કેવી વ્યૂહરચના કરી હતી? માનુષી,દૈવી,ગંધર્વ અને આસુરી વ્યૂહરચના જાણનારા ભીષ્મ સામે યુધિષ્ઠિરે કેવો વ્યૂહ રચ્યો હતો?
સંજયે કહ્યું-દુર્યોધનની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને,યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે તાત,બૃહસ્પતિનાં વચનોથી વિદ્વાનો કહે છે કે-થોડા યોદ્ધાઓ હોય તો તેમને ભેગા કરીને લઢાવવા અને ઘણા હોય તો વિસ્તારીને લઢાવવા.ઘણાની સાથે થોડાને લઢવાના પ્રસંગથી સૂચીમુખ વ્યૂહ રચવો.તે પ્રમાણે શત્રુઓના કરતાં આપણું સૈન્ય થોડું છે માટે તું બૃહસ્પતિના વચન પર લક્ષ્ય દઈને આપણા સૈન્યની વ્યૂહરચના કર'





