અધ્યાય-૪૪-યુદ્ધ પ્રારંભ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनकेषु मामकेष्वितरेन च I के पूर्व प्राहरस्तत्र कुरवः पाण्डवां किम् ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-આ પ્રમાણે મારા અને શત્રુઓના સૈન્યની વ્યૂહરચના થઇ રહ્યા પછી,કૌરવ-પાંડવમાંથી કોણે પ્રથમ પ્રહાર કર્યો?
સંજયે કહ્યું-હે રાજન,તે વખતે પ્રથમ જ પોતાના ભાઈઓ સહીત દુઃશાસન,ભીષ્મને આગળ કરીને સેનાની સાથે આવ્યો.
તે જ પ્રમાણે સર્વે પાંડવો પણ ભીમને અગ્રેસર કરીને ત્યાં આવ્યા.ને પછી બંને સૈન્યનોએ એકબીજા તરફ ધસારો ચાલુ કર્યો.
ને બંને સૈન્ય વચ્ચે ઘોર રણસંગ્રામ શરૂ થયો ને પરસ્પર પ્રહારનો આરંભ થયો.તે વખતે બંને સેનાઓમાં વાયુથી ખળભળી ઉઠેલા સમુદ્રની ગર્જના જેવો તુમુલ કોલાહલ થયો.ભીમસેનની સાંઢ(આખલા)ની જેવી ગર્જનાઓએ,સિંહનાદોને,હાથીઓની ચીસોને ને હજારો ઘોડાઓના હણહણાટને પણ મંદ પાડી દીધા.





