અધ્યાય-૪૮-શ્વેતકુમારનો વધ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं श्वेते महेष्वासे प्राप्ते शल्य रथं प्रति I कुरवः पांडवेयाश्व किमकुर्वत संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,એ પ્રમાણે જયારે મોટા ધનુષ્યને ધારણ કરનાર એવો શ્વેતકુમાર
શલ્યના રથની સામે આવી પહોંચ્યો,ત્યારે કૌરવો,પાંડવો અને ભીષ્મે શું કર્યું?તે મને કહે.
સંજયે કહ્યું-ત્યાર પછી,હજારો ક્ષત્રિયો અને હજારો મહારથી યોદ્ધાઓ શૂરવીર એવા સેનાપતિ શ્વેતકુમારને આગળ કરીને દુર્યોધનને પોતાનું બળ દેખાડવા લાગ્યા.વળી,તે શ્વેતકુમારનું રક્ષણ કરવા શિખંડીને આગળ કરીને,પાંડવોની સેનાનો નાશ કરતા ભીષ્મની સામે યોદ્ધાઓએ ધસારો કર્યો.તુમુલ યુદ્ધ ચાલ્યું.ભીષ્મે ઘણું અદભુત કર્મ કર્યું ને રથોને બાણો વડે ઢાંકી દીધા.અને સૂર્યને પણ બાણો વડે ઢાંકી દીધો.તેમણે સેંકડો બાણો છોડીને ક્ષત્રિયોનો સંહાર કરવા માંડ્યો.




