અધ્યાય-૫૨-ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनीकेषु मामकेष्वितरेषुच I कथं प्रहरतां श्रेष्ठाः संप्रहारं प्रचक्रिरे ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-એ પ્રમાણે મારાં તથા શત્રુઓનાં સૈન્યો ગોઠવાઈ ગયા પછી યોદ્ધાઓ અન્યોન્યને કેવી રીતે પ્રહાર કરવા લાગ્યા?
સંજયે કહ્યું-આવી રીતે વ્યૂહરચનાવાળું સૈન્ય જોઈને દુર્યોધન બધા સૈનિકોને આજ્ઞા કરવા લાગ્યો કે-'હે સૈનિકો,મનમાં દંશ રાખીને યુદ્ધનો પ્રારંભ કરો' તેની આજ્ઞાથી સર્વ યોદ્ધાઓ,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે ધસ્યા.અને રોમાંચજનક તુમુલ યુદ્ધ શરુ થયું.હે રાજન,તમારા અને પાંડવોના રથો અને હાથીઓ પણ સેળભેળ થઇ ગયા.રથીઓએ છોડેલાં તીક્ષ્ણ બાણો એકબીજાને ઘાયલ કરવા ને મારવા લાગ્યા,અનેક લાશો પડવા લાગી.




