અધ્યાય-૬૭-વિશ્વોપાખ્યાન (ચાલુ)
॥ दुर्योधन उवाच ॥ वासुदेवो महद्भूतं सर्वलोकेन कथ्यते I तस्यागमं प्रतिष्ठां च ज्ञातमिच्छे पितामह ॥१॥
દુર્યોધને કહ્યું-હે ભીષ્મ પિતામહ,વાસુદેવ શ્રીકૃષ્ણ,સર્વલોકમાં મહાન પુરુષ કહેવાય છે
તો હું તેમની ઉત્પત્તિ સ્થિતિને જાણવા ઈચ્છું છું.
ભીષ્મે કહ્યું-એ વાસુદેવ મહાઅદભુત પુરુષ છે.એ સર્વ દેવના પણ દેવ છે.એ પુંડરીકાક્ષ સિવાય બીજું આ જગતમાં કંઈ જ દેખાતું નથી.માર્કંડેય ઋષિ એ ગોવિંદના સંબંધમાં મહા અદભુત વર્ણન કરે છે-'સર્વ ભૂતોના આધારરૂપ મહાત્મા પુરુષોત્તમ,સર્વ ભૂતોનો આધાર છે.જળ,વાયુ અને તેજને એમણે ઉત્પન્ન કાર્ય છે તથા સર્વ લોકના ઈશ્વર એવા એ પ્રભુએ પૃથ્વીને પણ ઉત્પન્ન કરી છે.એ પુરુષોત્તમે પૂર્વે પોતાના યોગબળ વડે જળની અંદર શયન કર્યું હતું.તેમણે મુખથી અગ્નિને ઉત્પન્ન કર્યો છે,શ્વાસોશ્વાસમાંથી વાયુને ઉત્પન્ન કર્યો છે ને મનથી સરસ્વતી ને વેદોને ઉત્પન્ન કર્યા છે.





