Mar 22, 2026

ભાગવત રહસ્ય-૧૦૦-Bhgavat Rahasya-100

નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.
કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1082

 

અધ્યાય-૮૩-શ્રીકૃષ્ણને પ્રાર્થના 


 II संजय उवाच II ततो युधिष्ठिरो राजा प्रतिनंद्य जनार्दनम् I उवाच परमप्रीतः कौन्तेयो देवकीसुतं II १ II

સંજય બોલ્યો-તે પછી પરમ પ્રસન્ન થયેલા કુંતાપુત્ર રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પ્રસન્ન કરીને કહ્યું કે-'હે મધુસુદન આપે 

રાત્રિ  સુખેથી વિતાવી છે ને?' શ્રીકૃષ્ણે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપી સામેથી પોતે પણ તેવો જ પ્રશ્ન કર્યો.તેવામાં દ્વારપાળે 

આવીને કહ્યું કે -'સર્વ પ્રધાનમંડળ તથા રાજવર્ગ આપને મળવા આવ્યા છે' પછી,યુધિષ્ઠિરની આજ્ઞા થતા દ્વારપાળે,

વિરાટ,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,ચેદિરાજ,ધૃષ્ટકેતુ,દ્રુપદ,શિખંડી,નકુલ,સહદેવ,ચેકિતાન,કેકયકુમારો,યુયુત્સુ,ઉત્તમૌજા,

યુધામન્યુ,સુબાહુ ને દ્રૌપદીના પુત્રો એ સૌને અંદર પ્રવેશ કરાવ્યા.તે સૌ આવી આસને બેઠા.


તે સમયે,યુધિષ્ઠિરે શ્રીમધુસુદનને સંબોધીને કહ્યું-'હે શ્રીકૃષ્ણ,દેવો જેમ ઇન્દ્રનો આશ્રય કરીને યુદ્ધમાં વિજયની આશા રાખે છે,તેમ અમે તમારો આશ્રય કરીને યુદ્ધમાં વિજય મેળવવાની અનેચિરકાળ ટકે તેવા સુખોની આશા રાખીએ છીએ.અમારા બધાના સુખનો તથા જીવનનો મૂળ આધાર તમારા પર જ રહેલો છે માટે હે માધવ,તમે અમારા પર ઈ કોઈ કૃપા કરો કે મારુ મન સદા તમારામાં જ સ્થિર રહે અને આજે અર્જુને લીધેલી પ્રતિજ્ઞા સત્ય થાય.જેમ તમે આપત્તિઓમાં યાદવોનું રક્ષણ કરો છો તેમ અમારું આ સંકટમાંથી રક્ષણ કરો.આ સમયે પાંડવો.કૌરવોરૂપી અગાધ સમુદ્રમાં ડૂબી રહ્યાં છે તો તમે વહાણરૂપ થઈને અમને આ સમુદ્રમાંથી તારો.હું તમને નમસ્કાર કરું છું.'


ત્યારે શ્રીકૃષ્ણે,યુધિષ્ઠિરને કહ્યું કે-'દેવો સહિત આ સર્વ લોકોમાં અર્જુન જેવો કોઈ ધનુર્ધર નથી.મહાબળવાન ને શ્રેષ્ઠ ગતિવાળો અર્જુન શત્રુઓનો સંહાર કરશે છતાં હું એવું કરીશ કે જેથી તે દુર્યોધનનાં સૈન્યોને બાળી નાખશે.આજે પાપકર્મ કરનારા તથા અભિમન્યુનો ઘાત કરાવનારા તે ક્ષુદ્ર જયદ્રથને અર્જુન પોતાનાં બાણો વડે એવા માર્ગમાં ફેંકી દેશે કે જ્યાં ગયા પછી તેનું પુનઃદર્શન થવું અશક્ય થશે.અર્જુન આજે એ સિંધુરાજનો વધ કરીને જ તમારી પાસે પાછો આવશે,માટે તમે શોક કરો નહિ.હું તમને આશીર્વાદ આપું છું કે તમે સમૃદ્ધિથી પૂજાતા થશે (28)

અધ્યાય-83-સમાપ્ત 


અધ્યાય-૮૪-અર્જુનની યુદ્ધ માટે તૈયારી 

 II संजय उवाच II तथा तु वदतां तेषां प्रादुरासिध्धनंजयः I दिदक्षुर्भरतश्रेष्ठं राजानं ससुह्रुद्गणम् II १ II

સંજય બોલ્યો-તેઓ બધા આ પ્રમાણે વાતચીત કરી રહ્યા હતા,એટલામાં અર્જુન,યુધિષ્ઠિરનાં દર્શન કરવા ત્યાં આવી 

પહોંચ્યો.ને આવીને તેણે વંદન કર્યા,ત્યારે યુધિષ્ઠિર તેને ઉભા થઈને ભેટી પડ્યા અને ઉત્તમ આશિષો આપીને 

કહેવા લાગ્યા કે-'હે અર્જુન,આજે તારા મુખની કાંતિ નિહાળીને તથા શ્રીકૃષ્ણની પ્રસન્નતા જોઈને જણાય છે કે 

આજના યુદ્ધમાં તારો અવશ્ય વિજય થશે.'


અર્જુન બોલ્યો-'હે રાજા તમારું કલ્યાણ હો.આજે રાત્રિમાં આવેલા એક સ્વપ્નમાં શ્રીકેશવના પ્રસાદથી મેં એક ઉત્તમ આશ્ચર્ય જોયું છે' એમ કહી તેણે 'શ્રીમહેશ્વર સાથે સમાગમ' આદિ વૃતાંત કહી સંભળાવ્યું.ત્યારે બધા એકસાથે બોલી ઉઠયા કે-'આ બહુ સારું થયું'તે પછી,યુધિષ્ઠિરે સર્વ સુહૃદોને યુદ્ધ માટે સજ્જ થવાની આજ્ઞા આપી એટલે તુરત જ બધા તૈયાર થઈને હર્ષભેર યુદ્ધ કરવા નીકળી પડ્યા.સાત્યકિ અને શ્રીકૃષ્ણ એક જ રથમાં બેસીને અર્જુનના તંબુ પર ગયા ને ત્યાં જઈને શ્રીકૃષ્ણે એક સારથિની જેમ અર્જુનના વાનરધ્વજ વાળા રથને તૈયાર કર્યો.


અર્જુને મુકુટ,કવચ,ધનુષ્ય ને બાણ ધારણ કરીને ત્યાં આવી રથની પ્રદિક્ષણા કરી,રથ પર ચડ્યો.ત્યારે બ્રાહ્મણો,વિજયસૂચક આશીર્વાદો આપીને તેની  સ્તુતિ કરતા હતા.જેવો અર્જુન રથ પર ચડ્યો કે તરત જ શ્રીકૃષ્ણ અને સાત્યકિ તે રથમાં ચડ્યા.

શ્રીકૃષ્ણ અને સાત્યકિ સાથે પોતાના ઉત્તમ રથમાં બેઠેલો તે અર્જુન બુધ અને શુક્ર સાથે અંધકારનાશન ચંદ્રની જેમ શોભતો હતો.રથે જયદ્રથનો વધ કરવા પ્રયાણ કર્યું ત્યારે પવિત્ર ગંધને લાવતો વાયુ વાવા લાગ્યો ને અર્જુનનો વિજય સુચવનારાં અનેક પ્રકારનાં શુભ શકુનો પ્રગટ થઇ રહ્યાં હતાં.તે  શકુનો જોઈને અર્જુને સાત્યકિને કહ્યું કે-'આજે યુદ્ધમાં મારો અવશ્ય વિજય થશે એમ મને દેખાય છે,કારણ કે પ્રથમથી જ શુભ ચિહ્નો આપણા જોવામાં આવે છે.જેમ,જયદ્રથ વધ એ આજે મારું મહાન કાર્ય છે તેમ ધર્મરાજનું રક્ષણ કરવું એ તમારું મહાન કાર્ય છે માટે તમે તેમનું રક્ષણ કરજો.યુદ્ધમાં તમે શ્રીકૃષ્ણ સમાન છો ને તમારો પરાજય કરે તેવો કોઈ હું જોતો નથી.તમને આ કાર્ય સોંપ્યા પછી જ તદ્દન નિશ્ચિન્ત થઈને હું સિંધુરાજનો વધ કરવા શક્તિમાન થઈશ.તમારે મારી ચિંતા કરવી નહિ,કારણકે જ્યાં શ્રીકૃષ્ણ રહેલા છે ત્યાં કોઈ જાતનું સંકટ નથી.માટે તમારે યુધિષ્ઠિરનું રક્ષણ કરવા જ તત્પર રહેવું'અર્જુને આમ કહ્યું ત્યારે 'બહુ સારું' કહીને સાત્યકિ જે સ્થળે યુધિષ્ઠિર હતા ત્યાં ચાલ્યો ગયો.(35)

અધ્યાય-84-સમાપ્ત 

પ્રતિજ્ઞા પર્વ સમાપ્ત

Mar 21, 2026

ભાગવત રહસ્ય-૯૯-Bhgavat Rahasya-99

અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.તે ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ? એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્નીએ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1081

 

અધ્યાય-૮૧-અર્જુનને પુનઃ પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ 


 II संजय उवाच II ततः प्रार्थः प्रसन्नात्मा प्रांजलिर्वुषभध्वजम् I ददर्शोत्फ़ुलनयनः समस्तं तेजसा निधिम् II १ II

સંજય બોલ્યો-તે પછી,પ્રસન્ન ચિત્તવાળો અર્જુન હાથ જોડીને પ્રફુલ્લિત નેત્રે સમગ્ર તેજના ભંડાર એવા વૃષભધ્વજ શંકરનાં દર્શન કરવા લાગ્યો.નિત્ય નિયમ પ્રમાણે તેણે જે બલિ રાત્રિએ,વાસુદેવને અર્પણ કર્યો હતો તે બલિ તેણે ત્યાં મહાદેવની પાસે રહેલો જોયો.પછી,અર્જુને મનથી શ્રીકૃષ્ણ અને શ્રીશંકરનું પૂજન કર્યું અને 'હું દિવ્ય અસ્ત્રની ઈચ્છા રાખું છું' એમ શંકરને કહ્યું.

શ્રીશંકર બોલ્યા-તમે જે ઈચ્છાથી અહીં આવ્યા છો તે હું તમને આપું છું.અહીં પાસે એક દિવ્ય સરોવર છે તેમે મેં મારાં દિવ્ય ધનુષ્યબાણ મૂક્યાં  છે કે જેનાથી મેં અસુરોનો સંહાર કર્યો હતો,તમે ત્યાંથી તે લઇ આવો.

Mar 20, 2026

ભાગવત રહસ્ય-૯૮-Bhgavat Rahasya-98

મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું.
કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1080

 

અધ્યાય-૮૦-અર્જુન સ્વપ્ન


 II संजय उवाच II कुंतीपुत्रस्तु तं मन्त्रं स्मरन्नेव धनंजयः I प्रतिज्ञामात्मनो रक्षन् मुमोहाचित्यविक्रमः II १ II

સંજય બોલ્યો-અચિંત્ય પરાક્રમવાળો તથા પોતાની પ્રતિજ્ઞાનું રક્ષણ કરનારો અર્જુન 'જયદ્રથનો વધ કેવી રીતે કરવો?' એ વિચારનું સ્મરણ કરતાં કરતાં જ મોહમાં પડી ગયો ને નિંદ્રાવશ થયો.ત્યારે તેને એક સ્વપ્ન દેખાયું કે જેમાં ગરુડધ્વજ શ્રીકૃષ્ણને પોતાની પાસે આવેલા જોયા.અર્જુને તેમને આસન આપ્યું ને સામો ઉભો રહ્યો ત્યારે અર્જુનનો નિશ્ચય જાણી લઈને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'હે અર્જુન,તું મનમાં ખેદ ના કર,કારણકે કાળ દુર્જય છે ને તે કાળ જ સર્વ ભૂતોને અવશ્ય ભાવિ કર્તવ્યમાં પ્રવર્તાવે છે.તું કહે કે તને શોક શા માટે થાય છે? તારે શોક કરવો જોઈએ નહિ કારણકે શોક કાર્યનો નાશ કરે છે.

Mar 19, 2026

ભાગવત રહસ્ય-૯૭-Bhgavat Rahasya-97

વિદુરજી –મૈત્રેયજીને કહે છે-કે-આપ કર્દમ અને દેવહુતિના વંશની કથા કહો. 
કપિલ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે.
મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમને ત્યાં પ્રગટ થયા છે.કર્દંમ=ઇન્દ્રિયોનું દમન કરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.
ઇન્દ્રિયોના નિગ્રહથી શરીરમાં સત્વ-ગુણની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1079

 

અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણ ને દારુક 


 II संजय उवाच II ततोर्जुनस्य भवनं प्रविश्याप्रतिमं विभुः I स्पृष्टांभः पुण्डरीकाक्षः स्थंडिले शुभलक्षणे II १ II

સંજય બોલ્યો-તે પછી,કમળ સરખાં નેત્રવાળા વિશ્વવ્યાપક શ્રીકૃષ્ણ,અર્જુનના ભવનમાં દાખલ થયા ને ત્યાં જઈ તેમણે જળસ્પર્શ કર્યો અને દર્ભોની સુંદર શૈયા બિછાવી તેની આસપાસ મંડળાકારે સર્વ ઉત્તમ આયુધો મૂકી દીધાં.ને સેવકો પાસે મહાદેવને અર્પણ કરવાનો રાત્રી સંબંધી બલિ તૈયાર કરાવ્યો.અર્જુને સ્નાન કરીને પ્રસન્ન મનથી ચંદન ને પુષ્પની માળાઓ હાથમાં લઈને શ્રીકૃષ્ણનું પૂજન કર્યું અને મહાદેવને બલિ અર્પણ કર્યો.ગોવિંદે તેને કહ્યું કે-હે પાર્થ,હવે તું સુઈ જા,તારું કલ્યાણ થાઓ'

Mar 18, 2026

ભાગવત રહસ્ય-૯૬-Bhgavat Rahasya-96

ત્રીજા સ્કંધના પ્રકરણોના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.
પૂર્વમીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસામાં કપિલ નારાયણ ના ચરિત્રનું વર્ણન છે.વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.
જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.વાદળાં જેમ સૂર્યને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1078

 

અધ્યાય-૭૮-સુભદ્રાનો વિલાપ 


 II संजय उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य केशवस्य महात्मनः I सुभद्र पुत्रशोकार्ता विललाप सुदुःखिता II १ II

સંજય બોલ્યો-અતિ દુઃખી થયેલી તથા પુત્રના શોકમાં વિહવળ બનેલી સુભદ્રા,કેશવનું વચન સાંભળીને વિલાપ કરવા લાગી.

'હા પુત્ર,મારા મંદ ભાગ્યે તારા પિતા સરખો પરાક્રમી છતાં તું રણમાં જઈને કેવી રીતે મરણ પામ્યો?હવે મને તારું કમળ સરખું શ્યામ મોં ક્યાંથી દેખાશે?ખરેખર રણમાંથી પાછી પાની નહિ કરનાર શૂરવીરને આજે રણમાં પડેલો બધા જુએ છે.પૂર્વે શયન વખતે સુંદર ચાદરોથી જે શરીરને ઓઢાડવામાં આવતું હતું તે સુખને જ તું યોગ્ય છે છતાં આજે તું બાણોથી વીંધાઇને કેમ રણભૂમિ પર સૂતો છે?