Apr 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-476

સુરઘુ સ્વગત કહે છે કે -સંસાર પ્રત્યેની મારી દૃઢ  આસક્તિઓ હવે ચાલી ગઈ છે.
ઉપાધિથી મુક્ત થઈને સ્થિર થયેલો છું.અને માટે જ સંસારના ભ્રમથી રહિત હોવાને લીધે,જગતમાં,જે જોવાનું હતું તે જોવાઈ ચુક્યું,અને જે પામવાનું હતું તે સંપૂર્ણ-પણે  પમાઈ ચુક્યું.જગતમાં આ જે કઈ દૃશ્ય પદાર્થો જોવામાં આવે છે,તેમાંના કોઈ પણ અબાધિત છે જ નહિ.
(૧) માયાથી,જીવ-પણા-રૂપી-ભ્રમ,(૨) એ ભ્રમથી થયેલ,લિંગ-શરીર-રૂપી-ભ્રમ,
(૩) એ  ભ્રમથી થયેલ બાહ્ય-વસ્તુઓ હોવાનો ભ્રમ (૪) અને એ ભ્રમ થી થયેલ જાગ્રત-સ્વપ્ન-રૂપી ભ્રમ,
એ વિના જગતનું સ્વરૂપ બીજું કંઈ નથી.

Apr 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-475

સુરઘુ સ્વગત કહે છે કે -આ દેહમાં,કર્મેન્દ્રિયો,જ્ઞાનેન્દ્રિયો અને તે ઇન્દ્રિયોના ભોગો-તે હું નથી અને તે મારા નથી.આ સંસાર-રૂપી દોષના મૂળ-રૂપ જે મન છે-તે પણ જડ હોવાથી-તે હું નથી અને તે મારું નથી.
બુદ્ધિ અને અહંકાર પણ મનથી જ કલ્પાયેલાં છે-વાસ્તવિક નથી,તેથી તે હું નથી અને તે મારાં નથી.આ રીતે શરીરથી માંડીને મન-બુદ્ધિ-અહંકાર સુધીનાં સ્થૂળ-સૂક્ષ્મ ભૂતો નો સમુદાય હું નથી.કે તે મારાં નથી.

Apr 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-474

હે,રાજા,વ્યવહારોને લીધે,ચંચળતા-રૂપ કલંકને પ્રાપ્ત થયેલું તમારું પોતાનું મન,જયારે,પોતે જીવનમુક્ત-રૂપે થઇને,"વિચારના બળ" થી પોતાના કલંકિત-રૂપને ત્યજી દેશે-અને-એ રીતે,તમે પોતાના "તત્વ" ને જાણીને સંતુષ્ટ થશો,ત્યારે,તમે એવી ઉત્તમ "મહત્તા"ને (બ્રહ્મ-પણાને) પ્રાપ્ત થશો કે-જે મહત્તાની ત્તાને,પર્વત,સમુદ્ર અને આકાશની મહત્તા પણ અધીન છે.અને ત્યારે -(તે પછી) તમારું મન કદી પણ સંસારી વૃત્તિઓમાં ડૂબશે નહિ.કામનાઓથી કંગાળ થયેલું ક્ષુદ્ર મન જ ક્ષુદ્ર કાર્યમાં ડૂબી જાય છે.જેમ,કીડા કાદવમાં ડૂબી જાય છે,તેમ,ચિત્ત,દ્રશ્યોને જ લાગુ પડનારી,પોતાની વાસના-રૂપી દીનતા થી મોહમાં ડૂબી જાય છે.

Apr 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-473

જે અવિદ્યા (અજ્ઞાન) છે તે જીવનું જીવન છે અને જે માયા છે તે,ઈશ્વરનું જીવન છે.કારણકે  જીવ-પણું અવિદ્યા-રૂપી ઉપાધિ થી અને ઈશ્વર-પણું માયા-રૂપી ઉપાધિથી થયું છે.
એ બંને ઉપાધિઓને દુર કરી દેતાં,ઈશ્વર અને જીવના ચૈતન્ય-સ્વરૂપમાં કંઈ ભેદ નથી.માટે જે કંઈ છે તે -શાંત અખંડિત ચૈતન્ય જ છે તેમ સમજો.

હે,રામ,"આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે" એમ જે મારે બોલવું પડે છે તે તમને સમજાવવા માટે બોલવું પડે છે.કેમકે,વાસ્તવિકપણે વિચાર કરતાં તો "જગત મુદ્દલે છે નહીં" એવો સિદ્ધાંત વિદ્વાનોએ સ્વીકાર્યો છે.

Apr 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-472

(૫૭) જે દૃશ્ય છે તે ચૈતન્ય જ છે
વસિષ્ઠ કહે છે કે-જેમ મરીમાં તીખાશ રહેલી છે-તેમ,આત્મામાં ચૈતન્ય-પણાને લીધે-જે "અનુભવ" રહ્યો છે,
તે જ (હું-પણા તથા તું-પણા - રૂપ તથા દેશ-કાળ આદિ-રૂપ) "જગત-રૂપે"  થયેલ  છે.
આત્મામાં જે અનુભવ રહ્યો છે-એટલે કે-આત્મામાં પોતાથી જ જે સત્તા-રૂપ અનુભવ રહ્યો છે,
તે જ જાણે,દૃશ્ય-રૂપ થઈને આત્મામાંથી બહાર આવેલો હોય-તેમ,હું-પણા,તું-પણા આદિ-રૂપે દેખાય છે.

Apr 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-471

જે પુરુષની દૃષ્ટિમાં હું-પણું,તું-પણું,જગતના વિભાગ,મન અને જડ-ચેતન નો ભેદ ના હોય,તે જ સાચો પુરુષ છે-બાકી બીજો પુરુષ તે પુરુષ નથી.

આકાશની જેમ નિર્લેપ રહેનારો,ઉપશમવાળો અને હર્ષ તથા રોષના વિચારોમાં લાકડા જેવો-રહેતો પુરુષ,શાસ્ત્રનો તથા શિષ્ટ લોકોના આચારનો વિરોધ ના આવે-એવી રીતે બહારના વ્યવહારની ક્રિયાઓ સારી રીતે કરતો હોય,તે પુરુષ ને જ પુરુષ સમજવો.

જે પુરુષ કોઈના ભયથી નહિ પણ,સ્વભાવથી જ સઘળાં પ્રાણીઓને પોતાના જેવાં જુએ,અને દ્રવ્યને માટીના ઢેફા જેમ જુએ-તે જ મનુષ્ય દેખતો છે તેમ સમજવું.

Apr 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-470

તત્વવેત્તા પુરુષને કોઈ લોકોની સાથે સંબંધ નહિ હોવાથી,તેને માટે,નગર પણ નહિ હોવા જેવું જ છે.
જેનું ચિત્ત અંતર્મુખ થયું હોય તેવો પુરુષ,સૂતાં,જાગતાં,અને ચાલતાં પણ-
સર્વદા નગરને અને,દેશને અરણ્ય જેવું  જ ગણે છે.
જેને અંતર્મુખ સ્થિતિ પ્રાપ્ત થઇ હોય,તે પુરુષને,જગત પ્રાણીઓથી ભરપૂર હોવા છતાં,તે સર્વ,તેને માટે નિરુપયોગી હોવાને લીધે તે સર્વ જગત તેને શૂન્ય જ લાગે છે.

પણ,અંદર તૃષ્ણાથી તપી રહેલાં સર્વ પ્રાણીઓને જગત દાવાનળની બળતરા જેવું જ લાગે છે,કેમકે-જો ચિત્ત શીતળ હોય તો જ બહારનું જગત શીતળ લાગે છે,અને જો ચિત્ત તપી રહ્યું હોય તો બહારનું જગત પણ ધગધગતું જ લાગે છે.

Apr 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-469

સમાધિમાં તત્પર રહેતાં-પણ-મનુષ્યનું ચિત્ત જો,વૃત્તિઓથી ચંચલ રહેતું હોય,તો તે મનુષ્યની તે સમાધિ,ગાંડપણથી ભરેલા નાચ (નૃત્ય) જેવી છે.
આવો ઘેલછાથી (ગાંડપણથી) ભરેલો નાચ કરવા છતાં,પણ -
જો ચિત્તની વાસનાઓ નાશ પામે તો-તે નાચ પણ,તત્વને સમજીને કરેલી સમાધિ બરાબર છે.
તત્વને સમજીને વ્યવહાર કરનારો પુરુષ,અને તત્વને સમજીને વનમાં રહેનારો પુરુષ,એ બંને પરમ-પદમાં શાંત થતા હોવાથી,સંપૂર્ણ રીતે તે બંને સરખા જ છે.

Apr 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-468

અજ્ઞાનના વિલાસ-રૂપી સઘળી કલ્પનોથી રહિત થયેલો નિર્વિકાર ને શુદ્ધ-રૂપ એ ઉદ્દાલક,બ્રહ્મના ઐશ્વર્ય સુધીનાં સઘળાં સુખોના મૂળભૂત તેવા આદ્યસુખને પ્રાપ્ત થયો,
કે જે સુખોમાં,ઈન્દ્રનું રાજ્ય અને લક્ષ્મી સંબંધી સુખ તો,જળના પૂરમાં ખડની પેઠે તણાઈ જાય છે.
ઉદ્દાલકનો જીવ બ્રહ્મભાવને પ્રાપ્ત થતાં,તેનું શરીર છ મહિના સુધી એમ ને એમ (મૃતાવસ્થામાં) બેઠું રહી,સૂર્યના કિરણો થી સુકાઈ જઈને,બહારના પવનના પ્રવેશથી ભુંભાટ કરવા લાગતાં,અને તેની નસો-રૂપી તારો,રણકાર કરવા લાગતાં,જાણે વીણાના તાર ઝણઝણી ઉઠ્યા હોય તેવું જણાવા લાગ્યું.

Apr 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-467

આ સત્તા-સામાન્ય-રૂપી ઉત્તમ-દૃષ્ટિ,કે જે,"તુરીયાતીત પદ" જેવી જ છે,
તે દેહના ભાનવાળા મુક્ત પુરુષને પણ,(પાંચમી કે છઠ્ઠી ભૂમિકામાં આરૂઢ થયેલા ને પણ) અને,
દેહના ભાન વગરના મુક્ત પુરુષને પણ (સાતમી ભૂમિકા માં આરુષ થયેલાને પણ) થાય છે.
પરંતુ એમાં વિશેષતા એટલી જ છે કે-
દેહની પ્રતીતિ-વાળા મુક્ત પુરુષને સમાધિમાં જ થાય છે અને-
દેહની પ્રતીતિ-વિનાના મુક્ત-પુરુષને તે જાગ્રત અવસ્થામાં પણ રહે છે.

Mar 31, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-466

મોટામોટા વિદ્યાધારો અને મહાત્માઓએ તેને કહ્યું કે-
હે,મહારાજ કૃપા કરી અમારાં પ્રમાણો પર દૃષ્ટિ કરો.અને આ વિમાનમાં બેસી આપ સ્વર્ગમાં પધારો.
સ્વર્ગલોક જ જગતની સઘળી ભોગ-સંપત્તિઓની પરાકાષ્ઠા-રૂપ છે.
આ ચાલતો કલ્પ પૂરો થતાં સુધી,મનભાવતા યોગ્ય ભોગોને ભોગવો.કારણકે સઘળી તપ-સંબંધી ક્રિયાઓ,સ્વર્ગનાં સુખ ભોગવવા માટે જ કરવામાં આવે છે,ધર્મ તથા અર્થ ના ફળ-રૂપ કામ જ છે,અને તે કામના સાર-રૂપ ઉત્તમ સ્ત્રીઓ (અપ્સરાઓ) સ્વર્ગમાં જ થાય છે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,અતિથીઓએ આ પ્રમાણે કહ્યું,
છતાં પણ ઉદ્દાલક તે સર્વનું યોગ્ય રીતે પૂજન કરીને કંઈ પણ સંભ્રમ રાખ્યા વગર જ ઉભો રહ્યો.
અને ધીર-બુદ્ધિ-વાળા,એ ઉદ્દાલકે એ વિભૂતિઓનું કંઈ પણ ગ્રહણ કે ત્યાગ નહિ કરતાં-
"હે, સિદ્ધ લોકો-પધારો" એટલું જ બોલીને પાછો સમાધિ ધરવામાં તત્પર થયો.
જીવનમુક્ત થયેલો,એ ઉદ્દાલક કોઈ વખતે મહિનાઓ,તો કોઈ વખતે વર્ષે પણ જાગ્રત થવા લાગ્યો.

Mar 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-465

આ રીતે,"તત્વ"ના સાક્ષાત્કાર ને પામેલો,એ ઉદ્દાલક,
સર્વ જગતના અધિષ્ઠાન-રૂપ,અને (દ્વૈત ના પ્રતિભાસથી રહિત) શુદ્ધ-મહા-ચૈતન્ય-રૂપ થઇ ગયો.
એ સ્થિતિમાં-તેને,દૃશ્યોના દર્શન થી રહિત,જાણે,અમૃતનો સમુદ્ર હોય તેવો-અને-બ્રહ્માદિ,મહાત્માઓ જેનો સ્વાદ લે છે-તેવો-નિરતિશય આનંદ (પરમાનંદ) પ્રાપ્ત થયો.
શરીર-આદિ ની આસક્તિથી રહિત થયેલો,અને એ અવર્ણનીય દશાને પ્રાપ્ત થયેલો, તથા,આનંદના સમુદ્ર-રૂપ થયેલો તે ઉદ્દાલક "સત્તા-સામાન્ય-રૂપ" થયો.
(નોંધ-સત્તા-સામાન્ય-રૂપ-આ શબ્દ નો અર્થ હવે પછી ના પ્રકરણમાં આવશે)

Mar 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-464

જેમ, પવન,પોતાની આગળ ઉડતા મચ્છરોને દૂર કરી નાખે છે,તેમ,ઉદ્દાલકે,વચમાં-વચમાં પ્રતિભાસ-રૂપે દેખાતા,વિપરીત ભાવનાઓ-રૂપી ઘણાઘણા વિકલ્પો ને દૂર કરી નાખ્યા.અને વારંવાર સામા ધસી આવતા,વિષયોના પ્રતિભાસોને,મનથી પૂરી રીતે કાપી નાખ્યા.

આમ,વિષયોનો સમૂહ કપાઈ જતાં,ઉદ્દાલકે,પોતાના હૃદયકાશમાં,વિવેક-રૂપી સૂર્યને ઢાંકી દેનારું,અને આંજણના જેવું કાળું - (૧) તમોગુણના વધારાથી,થયેલું-અંધારું જોયું.(ત્યારે)
(૨) સત્વ-ગુણ ની ભાવના કરીને સારી પેઠે,પ્રકાશિત કરેલા,મન-રૂપી-સૂર્યથી તે અંધારાને ઉડાડી મુખ્યું.(તેથી) જેમ, કમળ,રાત્રિનું અંધારું થતાં પ્રાતઃકાળના પ્રકાશને દેખે છે,
તેમ,ઉદ્દાલકે,તમોગુણ ના લીધે થયેલા અંધારા ને લીધે,અને સત્વગુણના વધારાથી થયેલો તેજનો પુંજ જોયો.

Mar 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-463

જેમ,આકાશના મધ્યમાં રહેલી વરાળો અનુક્રમથી શીતળ મેઘ-પણાને પ્રાપ્ત થાય છે,
તેમ,આકાશના મધ્યમાં રહેલા,તે પ્રાણવાયુઓ -અનુક્રમે ચંદ્રના મંડળ-પણા ને પ્રાપ્ત થયા.હર્ષથી ભરપૂર થયેલા તે ચંદ્ર-મંડળમાં,તે પ્રાણવાયુઓ અમૃતમય કિરણો ની ધારા-રૂપ થઇ ગયા.

જેમ ગંગા,આકાશમાંથી સદાશિવ ના મસ્તક પર પડી હતી,તેમ તે અમૃત-મય-ધારા,આકાશમાં રહેલી શરીરની અવશેષ-રૂપ ભસ્મ પર પડી.
એ ધારા પડવાથી,ચંદ્રના બિંબ સરખી-શોભા-વાળું,ચાર હાથ-વાળું (નારાયણ નું) શરીર પ્રગટ થયું.
નારાયણ ના શરીર-રૂપે ઉદય પામેલું,પ્રફુલ્લિત નેત્ર-કમળ-વાળું,પ્રસન્ન મુખ-કમળ-વાળું,અને
સુંદર કાંતિ-વાળું -એ ઉદ્દાલક નું શરીર શોભવા લાગ્યું.

Mar 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-462

ॐકાર -કે જે અ-કાર,ઉ-કાર,મ-કાર અને છેલ્લી અર્ધ-માત્રા-એ પ્રમાણે સાડા-ત્રણ અવયવો વાળો છે.
(ॐકાર-વિશે વધુ માહિતી માટે અહી ક્લિક કરો)
તેનો પહેલો ભાગ અ-કાર,બહુ જ ઉચ્ચ સ્વરથી  બોલતાં,અને તેનાથી,
પ્રાણોની બહાર નીકળવાની તૈયારી થવાથી,મૂલાધાર થી માંડીને હોઠ સુધી-
સઘળા શરીરમાં રણકારો વ્યાપ્ત થઇ રહેતાં,
એ પ્રાણ ના બહાર નીકળવાના "રેચક" (પ્રાણ કે શ્વાસને બહાર કાઢવાની ક્રિયા) નામના ક્રમે -
(૧) ઉદ્દાલક ના શરીર ને ખાલી કરી મુક્યું.(૨) આમ, ઉદ્દાલક નો પ્રાણ-વાયુ (પ્રાણ) 
તેના શરીરનો ત્યાગ કરીને,ચૈતન્ય-રસથી ભરપુર થયેલા બહારના આકાશમાં જઈને રહ્યો.

Mar 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-461

ઉદ્દાલક સ્વગત કહે છે કે-સઘળાં અંગો હોવા છતાં,પણ શબ કંઈ ક્રિયા કરી શકતું નથી,માટે આત્મા જુદો છે.
શરીરથી જુદો,નિત્ય અને જેનો પ્રકાશ બંધ પડતો નથી એવો આત્મા હું છું.હું વ્યાપક હોવાને લીધે,સૂર્યના મંડળમાં પણ રહ્યો છું,મને અજ્ઞાન નથી,મને દુઃખ નથી,મને કોઈ અનર્થ નથી,મને કોઈ અડચણ પણ નથી.શરીર રહે તો પણ ભલે અને પડી જાય તો પણ ભલે,હું તો પરમ ધીર થઈને રહ્યો છું.

જ્યાં "આત્માનું જ્ઞાન" છે ત્યાં મન પણ નથી,ઇન્દ્રિયો પણ નથી અને વાસનાઓ પણ નથી.જેમ,રાજાની પાસે પામર-લોકો રહે જ નહિ,તેમ આત્માના પ્રકાશ ની પાસે મન-ઇન્દ્રિયો કે વાસનાઓની સ્થિતિ સંભવે જ નહિ.હું, એવા એ "બ્રહ્મ-પદ"ને પામ્યો છું,કેવળ છું,સર્વથી શ્રેષ્ઠ છું,શાંત છું,અંશોથી રહિત છું,ક્રિયાઓથી રહિત છું,અને ઇચ્છાથી પણ રહિત છું.

Mar 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-460

ઉદ્દાલક સ્વગત કહે છે કે-આ દૃશ્યો (જગતના પદાર્થો) નું સઘળું મંડળ,મિથ્યા છે -એવો દૃઢનિશ્ચય મનમાં આરૂઢ થાય તો-ભોગો ની સર્વ વાસનાઓ ક્ષીણ થઇ જાય છે.
મન જો રાગથી રહિત થઈને,અને વિષયોના વ્યસન ને ત્યજી દઈને,
આત્મા નું અવલોકન કરે-તો પોતાની મેળે જ શાંતિના સુખ ને પ્રાપ્ત થાય.

મન,શરીરને દુઃખ દેનાર હોવાથી,શરીરનો શત્રુ છે,અને શરીર મનને દુઃખ દેનાર હોવાથી મનનું શત્રુ છે.અને આ મન અને શરીર-પોતામાંના -એક-ની વાસના નષ્ટ થવાથી,બીજું નષ્ટ થઇ જાય છે.એટલે કે,મન ની વાસના નષ્ટ થઇ જાય તો શરીર નષ્ટ થઇ જાય છે,અને શરીર ની વાસના નષ્ટ થઇ જવાથી મન નષ્ટ થઇ જાય છે.

Mar 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-459

ઉદ્દાલક સ્વગત કહે છે કે-આ અહંકાર રૂપી મોટો ભ્રમ અજ્ઞાનથી જ ઉઠેલો છે,માટે
"આ મારું છે અને આ બીજા અમુકનું છે" એમ માનીને જગત વૃથા જ ગોથાં ખાધા કરે છે.
"તત્વ" (આત્મ-તત્વ) નું અવલોકન નહિ કરવાથી જ ઉત્પન્ન થયેલો,આ અહંકાર-રૂપી ચમત્કાર -એ-"તત્વ"ના અવલોકન થી પીગળી (નાશ પામી) જાય છે.
બ્રહ્મ થી જુદી સત્તા-વાળું કંઈ પણ નથી,જે કંઈ છે તે બ્રહ્મ જ છે,અને તે બ્રહ્મ મારું તત્વ છે-માટે હું તેની જ ભાવના કરું.આ અહંકાર-રૂપી-બ્રહ્મ -કે જે મિથ્યા જ છે-
માટે તેનું (અહંકારનું) પાછું કદી સ્મરણ ના થાય તેમ તેને ભૂલી જવું જ યોગ્ય છે,એમ હું માનું છું.

Mar 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-458

ચૈતન્ય જ સર્વના આત્મા-રૂપ છે,અને સર્વના જીવન-રૂપ છે.માટે તેને કઈ વસ્તુ અપ્રાપ્તય  છે કે-જેની તે ઈચ્છા કરે?અનેક દુષ્ટ વિકલ્પોની પંક્તિઓથી ભરેલી,જીવવા-મારવાની કલ્પના મન ને જ થાય છે,
પણ આત્મા કે જે નિર્મળ છે તેને થતી નથી.
આમ,જેને દેહાદિ માં અહંભાવ થયો હોય,તેને જ જન્મ-મરણો પ્રાપ્ત થાય છે.જયારે,આત્માને તો દેહાદિમાં અહંભાવ થયો જ નથી,માટે તેને જન્મ-મરણની પ્રાપ્તિ ક્યાંથી જ હોય?

Mar 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-457

હે,ચિત્ત,વાસના વિનાનું કામ કરવામાં આવે,તો તે ઇન્દ્રિયો ના તાત્કાલિક ભોગના આભાસમાં "હું સુખી છું કે દુઃખી છું" એવું અભિમાન થાય જ નહિ,અને ભવિષ્યમાં પણ સુખ-દુઃખો નો અનુભવ થાય નહિ.

માટે,હે,મૂર્ખ ઇન્દ્રિયો,માટે અંદરથી,પોતપોતાની વાસના છોડીને,પછી સઘળાં કાર્ય કરો,કે જેથી તમને કોઈ દુઃખ જ પ્રાપ્ત થશે નહિ.
તમે જ વિષયોની  અને વિષયોના નાશથી દુઃખની આ ખોટી કલ્પના ઉત્પન્ન કરી છે.
જેમ,તરંગ આદિ પદાર્થો એ જળથી જુદા નથી,તેમ,વાસના આદિ સઘળા પદાર્થો,આત્મા થી જુદા નથી,એવો નિશ્ચય જ્ઞાની ને હોય છે,પણ અજ્ઞાની ને હોતો નથી.