Mar 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-772



બ્રહ્મા કહે છે કે-જ્ઞાન એ જ મોક્ષ થવાનું કારણ છે અને જ્ઞાન વડે જ દુઃખનો સંપૂર્ણ નાશ થાય તેવો અનુભવ છે.કર્મો તો સ્વર્ગ-આદિ ભોગોની પ્રાપ્તિના વિનોદ માટે મનુષ્યને શુભ પ્રવૃત્તિ કરાવી,અને નરકમાં લઇ જનાર અનર્થોમાં ના જવા દઈને,શુભ કલ્યાણમાં જ તેનું આયુષ્ય પસાર થાય તેને માટે છે.
હે પુત્ર,જેઓ જ્ઞાન-દ્રષ્ટિને પહોંચી શકતા નથી, તેઓને માટે કર્મ-એ આનંદનું મુખ્ય સાધન છે,કેમ કે,બીજું કોઈ સારું વસ્ત્ર (જેમ કે પીતાંબર) ના મળે ત્યાં સુધી કંબલનો (ધાબળાનો) કોઈ ત્યાગ ના કરે !!

Mar 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-771

(૮૭) શિખીધ્વજનું ગુરુ-શરણ
શિખીધ્વજ રાજા કહે છે કે-હે દેવ-પુત્ર,આ સંસારમાં મારાં સંચિત થયેલાં પ્રાચીન પુણ્યો વડે જ ખેંચાઈને આપનું પધારવું થયું છે-એમ હું સમજુ છું.આપની સાથે મારો સમાગમ થયો,તેથી આજે ધર્મ વડે ધન્ય ગણાતા પુરુષોમાં અગ્રેસર તરીકે ગણાવા યોગ્ય થયો છું.આપનો સમાગમ મારા ચિત્તને જેવું શીતળ કરે છે,તેવી શીતળતા,મને રાજ્યલાભ-વગેરે પદાર્થો પણ આપી શકતા નથી,કેમકે સત-સમાગમમાં,વાસનાઓનો નાશ થઈને,અનંત બ્રહ્મ-નો અલીકિક આનંદ-રસ પ્રાપ્ત થાય છે,જયારે રાજ્યલાભ તો કલ્પનાથી જ થોડું તુચ્છ સુખ આપે છે.

Mar 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-770

(૮૬) કુંભની ઉત્પત્તિ
ચૂડાલા કહે છે કે-ઉપર જણાવ્યા પ્રમાણે શબલ બ્રહ્મ (ઈશ્વર) ના સ્વભાવને લીધે જ -આવડું મોટું જગત ઉત્પન્ન થયું છે અને વાસના વડે ધર્મ તથા ધર્મને આધીન થઇ એ (જગત) સ્થિતિને પામેલ છે.જ્ઞાન વડે વાસનાનો ક્ષય થઇ જવાથી ધર્મ-અધર્મ સાથેનો સંબંધ દૂર થાય છે-ને મનુષ્ય ફરીવાર જન્મ લેતો નથી,એવું અમારા અનુભવમાં આવે છે.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આપનાં વચનોની સુંદર શૈલી સાંભળી,આજ અમૃતપાન કર્યું હોય તેમ હું અંદર શીતળ થઇ ગયો છું.હવે આપની ઉત્પત્તિ શી રીતે થઇ? તે વિષે કહો.

Mar 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-769

આત્મ-જ્ઞાન-સ્વ-રૂપનો બોધ થવાથી,"સુખ-દુઃખ આદિ જેવું કશું છે જ નહિ"
એવો નિશ્ચય (જ્ઞાન) થવાને લીધે,જીવને શાંતિ (મોક્ષ) મળે છે.
"જે વિષય સંબંધી બહારનાં સુખો અનુભવમાં આવે છે-તે ખરું જોતાં મિથ્યા હોવાથી છે જ નહિ અને (તે સુખો) જે રૂપે પ્રતિત થાય છે,તે રૂપ પણ અવાસ્તવિક હોવાથી વાસ્તવમાં છે જ નહિ"
એવું અંદર જ્ઞાન થવાથી,જીવ બાહ્ય વિષયો તરફ ખેંચાતો નથી,અને કેવળ શાંત થાય છે.

Mar 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-768

ચૂડાલા કહે છે કે-શરીર-મન-વગેરેથી પોતાને અનુકુળ સુખ મેળવી,કોઈની ય મર્યાદામાં નહિ આવેલા આત્મ-તત્વના સ્વ-રૂપને ભૂલી જઈ ને,મનુષ્ય દુઃખી થાય છે,અને જીવની સાથે વિષયનો જે સંબંધ થાય છે,કે જેથી મનુષ્ય સુખી થાય છે,પણ,એ સુખ ક્ષણિક હોય છે.
જીવને "ગતિ કરવા" ને ઈશ્વરી નિયમથી,દેહમાં જુદે જુદે ઠેકાણે જુદીજુદી નાડીઓ રહેલી છે.
જયારે વિષયો તરફ જીવ ખેંચાય છે,ત્યારે તે (જીવ) પ્રાણવાયુથી પુરાઈ ગયેલી નાડીઓમાં આવી,જે તે ઇન્દ્રિય દ્વારા તે જે તે વિષયોનો અનુભવ કરે છે.
જેમ, મૂળમાં સીંચેલું પાણી તેના વહેવાને માર્ગે,ઝાડની અથવા આસપાસની લતાઓમાં પહોંચી જાય છે,તેમ, કુંડલિનીમાં ગયેલો જીવ પણ નાડી દ્વારા,સર્વ દેહમાં પ્રવેશ કરી શકે છે અને તે જીવને વિષયોનો સંબંધ થવાથી,તે (વિષયો)માં "એકાગ્ર થયેલી વૃત્તિની ધારા" વડે તે (વિષયો) ને અનુભવે છે.

Mar 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-767

ચૂડાલા કહે છે કે-હે રાજર્ષિ,આ ત્રણે લોકમાં પ્રાણીઓની જેટલી જાત છે-તે સર્વનો અને દેવ-આદિનો પણ જે દેહ છે-તે દ્વંદ્વ-ધર્મ-વાળો છે.
જ્ઞાનવાન હોય કે અજ્ઞાની હોય,પરંતુ જ્યાં સુધી મનુષ્ય (પ્રાણી કે દેવ) જીવતું રહે છે-
ત્યાં સુધી સૌનું શરીર સુખ-દુઃખ-મય જ હોય છે.
જેમ દીવાથી પ્રકાશ વધે કે જેમ,ચંદ્રના ઉદયથી મહાસાગર વધે,
તેમ, કોઈ પદાર્થમાં તૃપ્તિ થવાને લીધે સુખ-જ વધે છે,અને,
જેમ,વાદળાં-રૂપી પડદો ચંદ્રને આડે આવી જવાથી રાત્રિમાં અંધારું વધે,
તેમ કોઈ ભૂખ-આદિ પદાર્થોથી દુઃખ જ વધે છે.

Mar 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-766

આમ,વિચારીને તે ચૂડાલાએ બ્રાહ્મણ-પુત્રનું રૂપ ધારણ કર્યું અને મંદ હાસ્ય વડે મુખ સુશોભિત રાખી પતિ પાસે પહોંચી.તે બ્રાહ્મણ-પુત્રને જોઈ શિખીધ્વજ રાજા "આ કોઈ દેવ-પુત્ર આવ્યા છે" એવી બુદ્ધિથી ઉભો થયો.
"હે દેવપુત્ર,આપને નમસ્કાર છે,આપ આ આસન પર બેસો" એમ કહી તેણે આસન બતાવ્યું.અને તેના હાથમાં ફૂલની અંજલિ આપી."હે રાજર્ષિ.તમને નમસ્કાર છે" એમ કહી,રાજાના આપેલા પુષ્પો ગ્રહણ કરી અને બ્રાહ્મણ-પુત્ર તે આસન પર બેઠો.

Mar 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-765

"શિખીધ્વજ રાજાને ઘણાં વર્ષો સુધી વીતી જવાને લીધે વૃદ્ધાવસ્થા આવી,
તેની વાસનાઓનો પરિપાક થઇ જશે" એમ ધારી ચૂડાલાએ તેની વાટ જોઈ.છેવટે,
"પોતાનાથી જે કંઈ કાર્ય થવાનું દૈવના તરફથી ભાવિ તરીકે નિર્માણ થઇ ગયેલું છે તેનો વખત આવી ગયાથી,પતિની પાસે જવાનો આ મારો સમય આવી ગયો છે"
એમ વિચારીને તે ચૂડાલા રાણીએ,રાજાની પાસે જવાનો નિશ્ચય કર્યો,
આકાશ-માર્ગે ઉતરી વાયુ-વેગે તેણે ગમન કરવા માંડ્યું.અને તેણે મનમાં વિચારવા માંડ્યું કે-

Mar 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-764

શિખીધ્વજ કહે છે કે-હે રાણી,મેં ધારી રાખેલા વિચારમાં વિઘ્ન નાખવું બંધ કર.કેમકે,હું અહીંથી દુર એકાંતમાં વનમાં ગયેલો જ છું એમ સમજજે.સ્ત્રીઓ ગમે તેટલી મજબુત મનની કે કઠિન અંગવાળી હોય તો પણ વનમાં રહેવાને અશક્ત છે,માટે તારે રાજ્યમાં રહી રાજ્યનું રક્ષણ કરવું,
કારણકે પતિ ક્યાંય બહાર જાય-ત્યારે કુટુંબનો ભાર ઉઠાવવો તે-જ સ્ત્રીનો ધર્મ છે.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,રાણીને એમ કહી રાજા સ્નાન કરી,સઘળું તે દિવસનું કામકાજ કર્યું,
અને રાત્રિના સમયે તે ઉઠયો "હું રાત્રિચર્યા માટે જાઉં છું,તમે સર્વ અહી જ રહો" એ પ્રમાણે -પોતાના સેવકોને કહી,રાજ્યમાંથી બહાર નીકળ્યો.નિસ્પૃહ થઇ ગયેલા એ રાજાએ "હે રાજ્યલક્ષ્મી તને હવે નમસ્કાર છે"
એમ કહી,પોતે એકલાએ જ અતિ ભયાનક એવા મોટા જંગલમાં પ્રવેશ કર્યો.

Mar 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-763

(૮૪) શિખીધ્વજનો વૈરાગ્ય અને વનગમન
વસિષ્ઠ કહે છે કે-હે રામ,ત્યાર પછી જેમ, સંતાન નાશ પામવાથી પુરુષ શોકથી અંધ બની જાય,તેમ શિખીધ્વજ રાજા,તત્વજ્ઞાન-રૂપ શાંતિ વિના ખુબ દુઃખી થતો હતો.ચિત્તમાં દુઃખ-રૂપ અગ્નિ સળગવા લાગતાં,અને પોતે પ્રાપ્ત કરેલી સંપત્તિ,આગના ભડકા જેવી લાગતાં,તેનું મન કંઈ પણ આનંદ પામતું નહોતું.
તેનું મન કોઈ એકાંત પ્રદેશમાં જઈને રહેવાની ઈચ્છા કરતું હતું.

Mar 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-762

વસિષ્ઠ કહે છે કે-આ વિષે એક દૃષ્ટાંત કહું છું.વિન્ધ્યાટવીના જંગલમાં,એક ધનવાન છતાં કંજૂસ,
કિરાટ (ગામડામાં ફેરી કરનાર વાણિયો) રહેતો હતો.એક દિવસ એ ફેરી કરવા જતો હતો ત્યારે,
ઘાસથી ઘેરાયેલા જંગલમાં તેની એક કોડી (એક પૈસો) પડી ગયો.
તે એક કોડી પાછી મળે,તો તેમાંથી સમય થતાં,વેપાર વડે,ચાર કોડી થાય,તેમાંથી આઠ પેદા થાય અને પછી ક્રમે કરીને તેમાંથી હજાર-બે-હજાર કોડી થઈ શકે-
તેવો વિચાર તેના મનમાં હોવાથી,તેણે ઘણા દિવસો સુધી,આળસ ત્યાગીને - યત્ન કરીને,તે કોડી શોધવામાં તત્પર રહ્યો,આસપાસના બીજા હજારો મનુષ્યોની મશ્કરી પર પણ તેનું લક્ષ્ય ખેંચાતું નહોતું.

Mar 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-761

(૮૩) કિરાટની કથા
વસિષ્ઠ કહે છે કે-શિખીધ્વજ રાજાની રાણી ચૂડાલાએ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાણાયામ-આદિ યોગનો દૃઢ અભ્યાસ કરીને અણિમાદિ-સિદ્ધિઓનું ઐશ્વર્ય મેળવ્યું.મોહની નિવૃત્તિ થઇ જવાને લીધે,અને તાપોનો નાશ થઇ જવાથી,ગંગાના જેવી નિર્મળ અને શીતળ એ ચૂડાલાએ,આકાશ-માર્ગ વડે ગમન કરવા માંડ્યું.જે રાણી પોતાના પતિના ચિત્તમાંથી (અને પતિથી) એક ક્ષણમાત્ર દુર થતી નહોતી,તે જ રાણી,હવે યોગ-સામર્થ્યથી,લક્ષ્મીની જેમ રાજ્યોમાં અને જગતમાં ફરતી હતી.

Mar 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-760

જેમ,ઝેરના (ઝેર ખાનારા) કીડા-વગેરે પણ દૃઢ ભાવનાના આગ્રહને લીધે,ઝેરનું પણ અમૃતની પેઠે ભક્ષણ કરે છે,અને અન્ન-દૂધ આદિ અમૃતને ઝેરની અભક્ષ્ય માનીને -તેને અભક્ષ્ય ગણે છે.
તેમ,આત્મ-જ્ઞાની પુરુષો,જેમાં જેવી ભાવના કરે,તેમાં દૃઢ ભાવનાને લીધે,તેમને તેવું જ દેખવામાં આવે છે.
આવી જ રીતે દૃઢ સંકલ્પથી જે જે ભાવના કરવામાં આવે તે-તત્કાલ તેવી જ રીતે સિદ્ધ થાય છે.
આનાં અનેક દૃષ્ટાંતો-આ લોકમાં વારંવાર જોવામાં પણ આવે છે.
આમ,દેહને જો સત્ય-પણાથી જોવામાં આવે તો-તે દેહ-રૂપે સત્ય દેખાય છે,
પરંતુ જો અસત્ય-ભાવથી જોવામાં આવે તો-સઘળું અધિષ્ઠાન-ચૈતન્યમય જ હોવાથી-બ્રહ્માકાશ રૂપે ભાસે છે.

Mar 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-759

માતાના ઉદરમાં (ગર્ભાશયમાં) રહેલા માંસ-પિંડ (બાળક) માં અતિ-સૂક્ષ્મ-રૂપે રહેલી "બીજ-શક્તિ" જ,જેમ,હાડકાં-હાથ-પગ-આદિ સ્થૂળ-ભાવને પ્રાપ્ત થાય છે-તેમ એ કુંડલિની શક્તિથી જ,હાડકાં-હાથ-પગ વગેરે (પાર્થિવ ભાગ) ભાવને પ્રાપ્ત થાય છે (ફરી દેહની કે બીજા કોઈ આકારની રચના થાય છે)
આમ,યોગી-પુરુષની જીવ-શક્તિ (કુંડલિની શક્તિ) પોતાની ઈચ્છા અનુસાર,મેરુ-પર્વત જેવા કોઈ મોટા આકારની કે તૃણ-જેવા કોઈ નાના આકારની (અણિમા) જેવી દૃઢભાવના કરે-તો તેવા આકારને પ્રાપ્ત થાય છે.

Mar 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-758

(૮૨) અણિમાદિ સિદ્ધિઓના ઉપાય
વસિષ્ઠ કહે છે કે-યોગીઓનો દેહ જે ક્રિયાથી અણુતા ને કે સ્થૂળતાને પ્ર્રાપ્ત થાય છે,
તે હું હવે કહું છું.
હૃદય-કમળના ચક્રની ઉર્ધ્વ (ઉપલી) પાંખડી,ઉપર (સોનાના ભમરા જેવો) પીળો "અગ્નિકણ" રહે છે.
જેમ વાયુ વડે (પવનથી) બહારનો અગ્નિ વૃદ્ધિ પામે (વધે) છે,
તેમ (તેની) "વૃદ્ધિના ઉપાયના-જ્ઞાન"થી એ અંદર રહેલો "અગ્નિકણ" પણ
વૃદ્ધિ પામી (વધી) શકે છે.

Mar 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-757

પ્રાણ-ચૈતન્ય-રૂપી-સૂર્યની જે કંઈ ગરમી છે તે અગ્નિ-રૂપ છે અને અપાનનું જે શીતળ-પણું છે-તે સોમ-રૂપ છે.
એ બંને નો જે સ્થળમાં (ચૈતન્ય-આકાશમાં) પરસ્પર મિલાપ થઇ,પ્રતિબિંબની પેઠે તુલ્ય-રૂપતા થઇ જાય છે,
તે સુક્ષ્મ-ચૈતન્યાકાશમાં તમે મનને સ્થિર કરો.
હે રામચંદ્રજી,(જગતમાં) બહાર જેમ સૂર્ય-આદિનું ગ્રહણ જોવામાં આવે છે,
તેમ, શરીરમાં પણ સોમ-સૂર્ય અને અગ્નિનાં ગ્રહણ કલ્પવામાં આવે છે.

Mar 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-756

ચૈતન્ય-રૂપ આત્માનું,અજ્ઞાન વડે, જે બાહ્ય દેહ આદિ વિષયમાં,અહમ-તત્વ-આદિથી બાંધવા-પણું,તે જ (સંસારનું કારણ હોવાથી) સંસાર કહેવાય છે અને અધ્યસ્ત સર્વ દેહાદિ વિષયો સ્વપ્નની જેમ મિથ્યા સમજાઈ જઈ સર્વના સંગથી રહિત જે "અધિષ્ઠાન ચૈતન્યનો લાભ થવો" તે "નિર્વાણ" છે.
જેમ,ભીંત અને તેમ પર પડતો સૂર્યનો પ્રકાશ એ બંને અન્યોન્ય ને મળેલાં જ જણાય છે,તેમ,ઉપર જણાવ્યા મુજબ,જીવ ચૈતન્ય અને દેહ-પરસ્પર મળીને જ સત્તા-રૂપે જોવામાં આવે છે.એવો વાણીનો વ્યવહાર હોવાથી તે બંને મળેલાં જ છે અને એ જીવ તથા દેહ,અગ્નિ-સોમ-રૂપ જ છે.

Mar 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-755

જે કાંઇ આ દૃશ્ય-પ્રપંચ જોવામાં આવે છે તે સઘળો,અગ્નિષોમીય હોવાથી અગ્નિનો નાશ થવામાં,
સોમ,સત્તા-રૂપ-પરિણામથી કારણ-રૂપ છે અને સોમના વિનાશમાં અગ્નિ,સત્તા-રૂપ પરિણામથી કારણ-રૂપ છે.
જેમ,દિવસ નાશ પામી (દિવસના) અભાવ-પરિણામથી રાત્રિ થાય છે,
તેમ અગ્નિ નાશ પામી (અગ્નિના) વિનાશ પરિણામથી સોમ-રૂપ (અંધકાર-રૂપ) થાય છે.
અંધકાર-પ્રકાશ,છાયા-તડકો,દિવસ-રાત્રિ,એમાં સર્વથી વિલક્ષણ અને સર્વમાં પરોવાયેલું,જે કાંઇ,સત્તા-રૂપ વસ્તુ (બ્રહ્મ) છે તેને પંડિતો પણ (જ્ઞાન વિના) જોઈ શકતા નથી.

Mar 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-754

માટીમાંથી જે ક્રમે ઘડો ઉત્પન્ન થાય છે તે સ્થિતિ-સત્તા-રૂપ-પરિણામની છે.
એ સતા-રૂપ-પરિણામમાં "પ્રત્યક્ષ પ્રમાણ" સિવાય બીજા કશા "પ્રમાણ"ની જરૂર રહેતી નથી.
દિવસમાંથી જે ક્રમે રાત્રિ ઉત્પન્ન થાય છે-તે સ્થિતિ વિનાશ-પરિણામની છે.
તેમાં એક વસ્તુમાં (રાત્રિમાં) રહેલો (દિવસનો) "અભાવ"  જ મુખ્ય પ્રમાણ-રૂપ છે.

Mar 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-753


શ્રીરામ પૂછે છે કે-હે મુનીશ્વર,આપે વાયુ-રૂપ-ચંદ્રથી અગ્નિની ઉત્પત્તિ કહી તે મારા સમજવામાં આવ્યું,
પરંતુ,એ સોમની ઉત્પત્તિ શી રીતે થાય છે ? તે કહો.


વસિષ્ઠ કહે છે કે-અગ્નિ અને સોમ-એ બંને અન્યોન્ય "કાર્ય-કારણ-રૂપ" છે
અને બેય એકબીજાના ખેંચાણથી પ્રગટ થાય છે.
હે રામચંદ્રજી,એ બંનેનો જન્મ બીજ અને છોડની જેમ (અને દિવસ-રાત્રિ ની જેમ) પરસ્પર એકબીજામાંથી થાય છે.
અને તેમની સ્થિતિ છાયા અને તડકાની જેમ પરસ્પર ઉલટી છે.(એક ગરમ-બીજો ઠંડો)