Jun 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-831

જેમ સમુદ્ર જળ-રૂપ છે છતાં મોજાં અને તરંગોની કલ્પનાને યોગ્ય રૂપ ધારણ કરી રહ્યાથી સમુદ્રના આકારે શરીરને ધારણ કરે છે,તેમ એ દ્રશ્ય-પદાર્થ-જાળ (જગત) પણ પરમ-અર્થ-દ્રષ્ટિથી તો બ્રહ્મ-રૂપ જ છે,
પણ પારમાર્થિક દ્રષ્ટિ નહિ થવાને લીધે,તે જગત જુદેજુદે આકારે દેખાય છે.
મનુષ્ય ભલે હજારો કર્મો કરતો હોય,પણ ચિદાભાસ (જીવ)ની સાથે જોડાયેલું મન,જો કોઈ સંકલ્પો ના કરતું હોય,તો નિર્વિકાર સાક્ષી-ચૈતન્યમાં તે કોઈ પણ અપૂર્વ (નવો) વિકાર ઉત્પન્ન કરી શકતું નથી.

Jun 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-830

ભેદ-બુદ્ધિ-રૂપ "વિકલ્પ" નહિ હોવાને લીધે,તે પુરુષ,પોતાની ભેદ-બુદ્ધિને દૂર કરી નાખનાર (નિર્વિકલ્પ) કહેવાય છે.જે પુરુષે તરંગને જળથી જુદી સત્તા-વાળો જાણ્યો,તેને તેમાં એક તરંગ-બુદ્ધિ જ રહે છે,જળ-બુદ્ધિ થતી નથી.
પરંતુ જેણે એ તરંગ જળની સત્તા વડે જ સત્તા-વાળો હોવાથી "તરંગ જળથી જુદો નથી" એમ જાણ્યું,તેને તરંગમાં જળ-બુદ્ધિ જ થાય છે-એથી (કોઈ વિકલ્પ ના કરવાથી) તે પુરુષને "નિર્વિકલ્પ" કહેવામાં આવે છે.

Jun 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-829

જેમ,તે મિથ્યા-પુરુષ,કુંભ (ઘટ-કે ઘડો)આદિ નામ-રૂપની ઉપાધિમાં (માયામાં) અજ્ઞાનથી "આ મારું છે" એવી શંકા વડે,આકાશની રક્ષા કરતો હતો,અને પછી તે કુંભ-આદિ ઉપાધિ (માયા) દુર થતાં,તેમાં રહેલા આકાશ-આદિનો શોક કરી અજ્ઞાનને (માયાને) લીધે દુઃખી થયો હતો,તે રીતે તમે કલેશને પ્રાપ્ત થાઓ નહિ.જે આત્મા આકાશથી પણ અધિક વિસ્તાર-વાળો,શુદ્ધ,સૂક્ષ્મ,શિવ-રૂપ,પરમ-મંગલ છે તેને કોણ લઇ શકે? કે તેની રક્ષા કોણ કરી શકે? (કોઈ જ નહિ)

Jun 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-828

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જેમ આકાશ કંઈ પણ નથી,પરંતુ તે એકલી ખાલી જગા છે.(તે દેખાતું નથી)
તેમ,માયા પણ કંઈ નથી પરંતુ તેમાં જે "અહંકાર" થાય છે તે જ પેલો માયા-રૂપી-યંત્રે બનાવેલો મિથ્યા-પુરુષ સમજવો.માયા-રૂપી-આકાશની અંદર,આ સર્વ જગત રહેલું છે,તે જગતને આરંભ-અંત વિનાનું,જુઠ્ઠું અને ખાલી કલ્પેલું જાણો.એ "માયાકાશ"ની અંદર અધિષ્ઠાન-રૂપે બ્રહ્મ જ રહેલું હોય છે.

Jun 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-827

એ મિથ્યા-પુરુષ જયારે મોટો થયો,ત્યારે તેણે "હું આકાશનો છું-આકાશ-રૂપ છું અને આકાશ મારું છે,તેથી એ આકાશની હું (કોઈ ઉપાધિ-વગેરે- વડે બાંધી લઇ) રક્ષા કરું"  એવો એણે પાકો નિશ્ચય કર્યો.એમ વિચાર કરી,એ મિથ્યા-પુરુષે આકાશની રક્ષા કરવા માટે એક ઘર બનાવ્યું,અને તેની અંદરના ભાગમાં "મેં આકાશની રક્ષા કરી છે અને આટલું આકાશ મારું છે" એવું તેણે અભિમાન બાંધી લીધું.

Jun 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-826

હે રામચંદ્રજી,જે રીતે કચ મમતા વિનાનો,અહંકાર-રહિત,શાંત-બુદ્ધિ અને કામ-રૂપી જેની ગ્રંથિઓ કપાઈ ગઈ છે,એવો થઇ રહ્યો,તેવી રીતે તમે પણ વિકાર વિનાના થઈને રહો.અહંકારને તમે મિથ્યા જ સમજો,તેનો આશ્રય ના કરો અને તેનો ત્યાગ પણ ના કરો.સસલાના શિંગડાની જેમ,જે પદાર્થ હોય જ નહિ,તેને લેવો-કે ત્યજી દેવો, એ બંને ક્રિયાઓ થઇ શકે જ નહિ.અહંકારનો અસંભવ સિદ્ધ થાય ત્યાર પછી તમને મરણ અને જન્મનો ભય ક્યાંથી રહે? કેમ કે આકાશ-રૂપી ખેતરમાં જે વવાયું-તેનાં ફળ કોણે લીધાં છે? (કોઈએ નહિ)

Jun 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-825

બૃહસ્પતિ કહે છે કે-જેવી રીતે ફુલને તોડવું કે આંખને બંધ કરવી એ સહેલું અને ત્વરિત છે,તેવી રીતે,અહંકારનો ત્યાગ પણ સહેલો છે.(તું કહે છે તેવો દુષ્કર નથી) આ વાત જે રીતે સિદ્ધ થાય છે તે હું તને કહું છું.તે સાંભળ.
જે વસ્તુ (જેમ કે જગત-અહંકાર-વગેરે) માત્ર અજ્ઞાનથી સિદ્ધ હોય,તે જ્ઞાન થવાથી નાશ પામી જાય છે.સાચી લાગતી (જણાતી) વસ્તુ (અહંકાર) નો જો વિચાર કરવામાં આવે તો તે-મિથ્યા (ભ્રમ) જ સાબિત થાય છે.અને તેમ તે (અહંકાર) મિથ્યા હોવા છતાં,બાળકે કલ્પી લીધેલા વેતાળની જેમ જાણે સત્ય હોય તેમ (અજ્ઞાનથી) દેખાઈ  રહ્યો છે.

Jun 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-824

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણેનાં પિતાનાં પરમ પવિત્ર વચન સાંભળી,કચ સર્વસ્વનો ત્યાગ કરીને એકાંત વનમાં ચાલ્યો ગયો.બૃહસ્પતિને તેના જવાથી કશો શોક થયો નહિ,કારણકે,મહાન પુરુષો સંયોગ-વિયોગના સંબંધમાં મેરુના જેવું દૃઢ અને મોટું મન રાખનારા તથા હર્ષ-શોકથી રહિત હોય છે.પછી,આઠ વર્ષ વીતી ગયા બાદ પોતાના પિતા બૃહસ્પતિની પાસે આવ્યો અને તેમનું પૂજન કરીને,પોતાની મનોહર વાણી વડે તેમને પૂછ્યું કે "હે પ્રિય પિતાજી,આજે મને સર્વત્યાગ કર્યે આઠ વર્ષ થયાં,પણ સ્તુતિ-પાત્ર શાંતિને હું મેળવી શક્યો નથી"

Jun 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-823

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ શિખીધ્વજ રાજા દશ હજાર વર્ષ સુધી ભૂતળમાં રાજ્ય કરી,ચૂડાલાની સાથે જ વિદેહમુક્તિના સુખને પ્રાપ્ત થયો.એ રીતે દેહ-આદિમાં જે દોષ-દ્રષ્ટિ છે, તેને લીધે સ્નેહ-રહિત (આસક્તિ-રહિત) એ મહા-બુદ્ધિશાળી રાજા તેલ (સ્નેહ કે આસક્તિ) વગરના દીવાની પેઠે,દેહનો ત્યાગ કરી પુનર્જન્મ નહિ થવા માટે નિર્વાણને પામી ગયો.
એમ,દશ હજાર વર્ષ સુધી સમ-દ્રષ્ટિ-પણાથી (અનાસક્તિથી) ચૂડાલા સહિત
પોતાના રાજ્યમાં રમણ કરીને તે નિર્વાણ-પદને પ્રાપ્ત થયો.(વિદેહમુક્ત થયો)

Jun 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-822

ચૂડાલા કહે છે કે-હે રાજા,આપણે ભોગના આદિ-મધ્ય-અંત કાળમાં સ્થૂળ દ્રષ્ટિથી રાજા જ છીએ.માટે  શેષ રહેલા એક મોહને મૂકી દઈ,પાછાં તે રાજા જ થઈએ.તમે પોતાના નગરના રાજા થાઓ,અને સિંહાસન પર વિરાજો.
હું તમારી મુખ્ય પટરાણી થઈને રહીશ.રાજાને પતિ તરીકે પામી આનંદ પામેલાં નગરવાસીઓથી આપણી નગરી ઘણે લાંબે કાળે,શોભાથી ચિત્ત હરનારી બનશે.

શિખીધ્વજ કહે છે કે-હે પ્રિયે,જો એમ તને મારી સાથે ભોગ ભોગવવાની ઈચ્છા જ હોય તો આપણને સ્વર્ગમાં સિદ્ધ લોકોના ભોગની લક્ષ્મી અધીન જ છે-તો પછી આપને સ્વર્ગમાં જ શા માટે ના રહીએ?

Jun 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-821

હું સદાકાળ સમાન (એક જ સ્થિતિમાં રહેનારો) છું,હું જે છું તે જ છું,બીજું કહેવાને હું શક્તિમાન નથી.તું જ મારો ગુરુ છે,માટે હું તને નમન કરું છું.તારી મહેરબાનીથી હું આ સંસાર-સાગરને તરીને પાર ઉતર્યો છું.
સો વાર અગ્નિમાં ધમેલા સુવર્ણની પેઠે,હવે હું ફરીવાર મેલ-વાળો થઈશ નહિ.
હું શાંત,સ્વસ્થ,કોમળ,પોતાના સ્વરૂપની નિષ્ઠામાં જ અત્યંત ઉદ્યોગી,
વૈરાગ્યવાન,વાસના-રહિત બુદ્ધિવાળો,સર્વને પાર કરી ગયેલો અને આકાશની પેઠે સર્વમાં રહેલો છું.

Jun 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-820

શિખીધ્વજ ચૂડાલાને કહે છે કે-જેવી રીતે કુળવાન સ્ત્રીઓ,પતિને મોહમાંથી પાર ઉતારે છે,તેવી રીતે,શ્રવણ કરેલો શાસ્ત્રોનો અર્થ કે ગુરુ-મંત્ર -વગેરે પણ પાર ઉતારી શકતાં નથી.એક કુલીન પત્ની જ પતિને સખા,ભાઈ,સંબંધી,નોકર,ગુરુ,મિત્ર,ધન,સુખ,શાસ્ત્ર-વગેરે સર્વ-રૂપ છે.
સદાકાળ સર્વ યત્ન વડે કુલીન કાંતાઓ પૂજવા લાયક છે.તેઓમાં આ લોક અને પરલોકનું સર્વ સુખ સારી રીતે રહેલું છે.તું જે આ સંસાર-સાગરના પારને  પામી ગયેલી છે અને નિષ્કામ છે,તેના આ ઉપકારનો બદલો હું શી રીતે વાળી શકીશ? આ લોકમાં હું તને કુલીન કાંતા ગણું છું અને જગતમાં સર્વ પ્રસિદ્ધ પામેલી સર્વ કુલીન સ્ત્રીઓને,તેં હમણાં આ તારા ઉત્તમ કૃત્યથી જીતી લીધેલી છે.કુળવાન સ્ત્રીઓની સુજનતા-આદિ ગુણોની ચર્ચામાં તું પ્રથમ પંક્તિમાં ગણાઈશ.

Jun 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-819

ચૂડાલા કહે છે કે-હે પ્રિય પતિ,જેમ આપ કહો છો તેમ જ છે.હું ચૂડાલા જ છું.
એમાં કંઈ સંશય નથી.આજે ઘણે દિવસે,મારા સ્વાભાવિક ચૂડાલાના દેહ વડે,
મારું આપને મળવું થયું છે.આ વનની અંદર આપને બોધ કરવા માટે જ,કુંભ-આદિ દેહોનું નિર્માણ કરીને,આ બધી જાતનો પ્રપંચ મેં જ રચ્યો હતો.જ્યારથી આપ મોહ વડે રાજ્યનો ત્યાગ કરી,વનમાં પધાર્યા,ત્યારથી માંડીને હું જ આપને બોધ આપવા માટે પ્રયત્ન કરતી હતી.આ કુંભમુનિના શરીરથી મેં જ આપને બોધ આપ્યો છે.

Jun 1, 2017

Shiv-Sutro-As It Is-With Gujarati Translation-શિવ-સૂત્રો-ગુજરાતી ભાષાંતર સાથે



SHIV-SUTRO (With Gujarati Translation)
શિવ-સૂત્રો (ગુજરાતી ભાષાંતર સાથે)
સંકલન-અનિલ પ્રવીણભાઈ શુક્લ www.sivohm.com


ટોટલ 47 સૂત્રો છે કે જે શિવજીના મુખથી પાર્વતીને કહેલાં છે એમ માનવામાં આવે છે.

(1) चैतन्यमात्मा
ચૈતન્ય એ જ આત્મા છે

(2) ज्ञानं बन्धः
જ્ઞાન (પણ) બંધ (બંધન) છે.

(3) योनिवर्गः कला शरीरं
યોનિવર્ગ (જુદીજુદી યોનિઓમાં) અને કળાથી (જુદીજુદી વાસના અનુસાર) શરીરનું નિર્માણ થાય છે.

(4) उद्यमो भैरवः
ઉદ્યમ (અંદરની શક્તિ ખીલવવાનો પ્રયત્ન) એ જ ભૈરવ (મૂળ અસ્તિત્વનું કારણ) છે.

(5) शक्तिचक्रसंधाने विश्वसंहारः
શક્તિચક્રનું જયારે અનુસંધાન થાય છે ત્યારે (માયાના કારણે ઉભા થયેલ)વિશ્વનો સંહાર થાય છે.

(6) जाग्रतस्वप्नसुषुप्तभेदे  तुर्याभोग संवित
જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણે અવસ્થાઓને (જુદીજુદી રીતે) જાણવાથી તુર્યાવસ્થાનું પણ જ્ઞાન થઇ જાય છે.

(7) ज्ञानं जाग्रत
(બહારની વસ્તુઓનું સતત) જ્ઞાનનું હોવા-પણું જ જાગ્રત અવસ્થા છે.

(8) स्वप्नो विकल्पाः
વિકલ્પ (વિષયાભિલાષા-એટલે કે-વિષયો ભોગવવાની અભિલાષા) જ સ્વપ્ન-અવસ્થા છે.

(9) अविवेको मायासौशुप्तम्
અવિવેક (સ્વબોધનો અભાવ) એ માયામય સુષુપ્તિ-અવસ્થા છે.

(10) त्रितयभोक्ता विरेशः
ત્રણેયનો (ત્રણે અવસ્થાઓનો) જે ભોક્તા નથી (જે ત્રણેથી પર છે)  તે,વિરેશ (વીરોમાં ઈશ) કહેવાય છે

(11) विस्मयो योगभूमिकाः
વિસ્મય (તત્વને જાણવાની જિજ્ઞાસા) યોગની ભૂમિકા (પાયો) છે.

(12) स्वपदंशक्ति
સ્વપદ (સ્વયં) માં સ્થિતિ (પોતાનામાં સ્થિર થવું) તે જ શક્તિ છે.

(13)  वितर्क आत्मज्ञानं
વિતર્ક (વિવેક) એ જ આત્મજ્ઞાનનું સાધન છે

(14) लोकानन्दः समधिसुखम्
આ લોકનો (અસ્તિત્વનો) આનંદ -તે સમાધિ-સુખ છે.

(15) चित्तं मन्त्रः
ચિત્ત જ મંત્ર છે (૨૧ મા સૂત્ર મુજબ અહી આત્મા એ ચિત્ત છે-એટલે આત્મા એ મંત્ર છે-એમ કહી શકાય?)

(16) प्रयत्नः साधकः
પ્રયત્ન (બ્રહ્મને પામવાનો પ્રયત્ન કરનાર) સાધક છે.

(17) गुरुः उपायः
ગુરુ (બ્રહ્મને પામવાનો માર્ગ-દર્શક હોવાથી) જ ઉપાય છે.

(18) शरीरं हविः
શરીર એ જ હવિ (હોમમાં અપાતી આહુતિ) છે.

(19) ज्ञानमन्नम्
જ્ઞાન એ જ અન્ન છે.

(20) विद्यासंहारे तदुत्थस्वप्न दर्शनम्
વિદ્યાના સંહારથી (અવિદ્યાથી) સ્વપ્ન પેદા થાય છે.

(21) आत्मा चित्तम्
આત્મા એ જ ચિત્ત છે.

(22) कलादीनां तत्वनामविवेको माया
કળા આદિ (બ્રહ્મ કે પરમાત્મા-આદિ) નો એટલે કે "તત્વ" નો અવિવેક એ માયા છે.

(23) मोहावरणात् सिद्धिः
મોહના આવરણથી યુક્ત યોગીને સિદ્ધિઓ મળે છે (પણ આત્મજ્ઞાન મળતું નથી)

(24) मोहजयादनत्ताभोगत्सहज विद्याजयः
પણ જો એ મોહ પર જય થાય (મોહ ટળી જાય) તો સહજ રીતે સાચી આત્મ-વિદ્યા પ્રાપ્ત થાય છે.

(25) जाग्रद द्वितीय करः
એવા જાગ્રત (મોહથી પર થયેલા) યોગીને તત્વનો બોધ (જ્ઞાન) થાય છે.

(26) नर्तकः आत्मा
આત્મા (પરમાત્મા કે બ્રહ્મ) નર્તક (નૃત્યકાર કે સર્જનહાર) છે.


(27) रङ्गोन्तरात्मा
અંતરાત્મા (અહી આગળ મન-બુદ્ધિ-અહંકાર-ચિત્ત-કહી શકાય) એ રંગભૂમિ (રંગમંચ) છે.

(28) धीवशात् सत्वसिद्धिः
બુદ્ધિને વશ કરવાથી સત્વની (તત્વની) સિદ્ધિ થાય છે.

(29) सिद्धः स्वतन्त्र भावः
સિદ્ધ (ઇન્દ્રિયો -પ્રાણ વાળા સ્થૂળ શરીર-વાળા) નો સ્વતંત્ર ભાવ છે.(મુક્ત-ભાવ નથી)

(30) विसर्गस्वभावव्यादबहिः स्थितेस्तत्सिस्थति
સ્વતંત્ર (વિસર્ગ) સ્વભાવને કારણે,તે સિદ્ધ પોતાનાથી બહાર જઈ શકે અને તેમ છતાં અંદર પણ રહી શકે છે.

(31) बीजावधानम्
ધ્યાન એ બીજ છે (કે જેને ધારણા-સમાધિ-વગેરેથી ખીલવીને વૃક્ષ બનાવવાનું છે)

(32) आसनस्थ् सुखं ह्रेदे निमज्जति
આસનસ્થ (સ્થિર અને સ્વ માં સ્થિત) વ્યક્તિ સહજતાથી સુખને (આનંદને) પ્રાપ્ત થાય છે.

(33) स्वमात्रा निर्माणमायादयति
આસનસ્થ થઇ ધ્યાનમાં ગયેલ (વ્યક્તિ) આત્મ-નિર્માણને પ્રાપ્ત થાય છે.

(34) विद्याविनाशे जन्म विनाशः
જયારે અવિનાશી એવી વિદ્યા (જ્ઞાન) મળે છે,ત્યારે જન્મ (મરણ)નો વિનાશ થાય છે (મુક્ત થાય છે)

(35) त्रिषु चतुर्थ तैलवदासेच्यम्
ત્રણે અવસ્થાઓ (જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ)માં ચોથી અવસ્થા (તુર્યા)નું તેલની જેમ સિંચન કરવું જોઈએ.

(36) मग्नः स्वचित्ते प्रविशेत्
તુર્યાવસ્થા પ્રાપ્ત થતાં,મગ્ન બનેલો સાધક સ્વ-ચૈતન્યમાં પ્રવેશ કરે છે.

(37) प्राणसमाचरे समदर्शनम्
ત્યારે તે સાધકને પ્રાણ-સમાચાર (સર્વત્ર એક ચૈતન્ય વ્યાપેલું છે-તે) મળે છે અને સમ-દર્શનની પ્રાપ્તિ થાય છે.

(38) शिव तुल्यो जायते
અને ત્યારે તે સાધક પોતે શિવ-તુલ્ય (શિવ-સમાન કે બ્રહ્મ સમાન) થઇ જાય છે.

(39) कथा जपः
ત્યારે તેઓ જે કંઈ બોલે છે (કથા)-તે જપ સમાન જ છે.

(40) दानमात्मज्ञानम्
પછી,પોતાને થયેલા આત્મ-જ્ઞાનનું તેઓ (બીજાઓને) દાન કરે છે.


(41) योविपस्थो ज्ञानहेतुष्च
એવો આત્મજ્ઞાની સ્વ-શક્તિઓનો સ્વામી બને છે અને જ્ઞાનનું કારણ પણ બને છે.

(42) स्वशक्ति प्रचयोस्य विष्वं
સ્વ-શક્તિનો વિલાસ (પ્રચય) એ એનું વિશ્વ છે.

(43) स्थितिलयौ
તે સ્વેચ્છાથી સ્થિતિ અને લય કરે છે.

(44) सुखासुखयोर्बहि मननम्
અને સુખ-દુઃખ એ માત્ર બાહ્ય-વૃત્તિઓ જ છે -તેમ તે જાણે છે.

(45) तद्दिमुक्तस्तु केवली
તેથી સુખ-દુઃખથી વિમુક્ત થઈને તે કૈવલ્ય-મય (કેવલી-કે બ્રહ્મમય) થઇ જાય છે

(46) तदारूढप्रमितेस्त क्षयाज्जीवसंक्षय
કૈવલ્ય અવસ્થામાં આરૂઢ થયેલ હોવાથી તેને કોઈ આકાંક્ષા ના રહેવાથી જન્મ-મરણ નો ક્ષય(મુક્ત) થાય છે.

(47) भूतकन्चुकी तदविमुक्तो भूयः परिसमःपर

પંચમહાભૂત (ભૂતકંચુકી) થી બનેલા આ શરીરથી મુક્ત થયેલો પુરુષ શિવ-રૂપ (બ્રહ્મ-રૂપ) થાય છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-818

મદનિકા (ચૂડાલા) કહે છે કે-હે રાજા,સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ હોય છે,પુરુષના કરતાં સ્ત્રીઓમાં,આઠ ગણો કામ વધુ હોય છે.એટલે કોઈ સુંદર સ્ત્રી,એકાંતમાં પુરુષ પાસે જાય,ત્યારે પતિનો ક્રોધ,શાસ્ત્રમાં જણાવેલ પર-પુરુષ-સંગ-નિષેધ,લોકોની નિંદા અને પતિવ્રતાપણું-એ સર્વ પ્રબળ કામવેગ વડે દબાઈ જવાથી,તે શું કરી શકે? વળી હું બળ-રહિત,બાળક અને મૂઢ સ્ત્રી છું,તો આપ ક્ષમાશીલ હોવાથી,મને ક્ષમા કરવાને યોગ્ય છો.

May 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-817

(૧૦૮) શિખીધ્વજના ક્રોધની પરીક્ષા અને ચૂડાલાનું પ્રાગટ્ય
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ચૂડાલા રાણીએ તે માયા (ઇન્દ્રના આવવા-રૂપ) ને શમાવી દઈ,બીજો વિચાર કર્યો કે "આ રાજાને ભોગોની ઈચ્છા વશ કરી શકતી નથી,એ ઘણી ખુશી ની વાત છે,ઇન્દ્રનો સમાગમ થવા છતાં પણ રાજા શિખીધ્વજ શાંત અને વિકારરહિત હોવાથી,નિર્વિકાર સ્થિતિ-વાળો રહ્યો અને ઉતાવળ નહિ કરતાં ખુબ ધીરજથી પોતાની હાંસી થાય તેવું પણ નહિ કરતા તેણે વ્યવહારને યોગ્ય ઇન્દ્રનો પૂજન-સત્કાર કર્યો.(એટલેકે પોતે કરેલી "અનાસક્તિ" ની પરીક્ષા માં તે સફળ થયો) પણ હવે આદરપૂર્વક ફરીવાર પણ રાગ-દ્વેષ-વાળા અને બુદ્ધિનો ક્ષોભ ઉપજાવનારા કોઈ પ્રપંચથી હું તેમની પરીક્ષા કરી જોઉં"

May 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-816

ત્યાર પછી,ધીરે ધીરે કેટલાક માસ પસાર થતાં,કુંભમુનિ-રૂપે આવેલી ચૂડાલાએ વિચાર કર્યો કે-"હવે વધુ મનોહર ભોગોના ભાર વડે,શિખીધ્વજરાજાની પરીક્ષા કરું,કે જેમાં,જો, રાજાની અનાસક્તિ દૃઢ થઇ જશે,તો તેનું ચિત્ત ફરીવાર કોઈ દિવસ પણ,કોઈ પણ ભોગો પ્રત્યે આસક્તિવાળું થશે જ નહિ."
આવો વિચાર કરીને,ચૂડાલાએ માયા વડે,એ વન-ભૂમિમાં દેવતાઓ,અપ્સરાઓ સહિત ઇન્દ્રને,ત્યાં આવેલા દેખાડ્યા.સર્વ પરિવાર સહિત ઇન્દ્રને પોતાની સામે આવેલા જોઈ,શિખીધ્વજ રાજાએ તેમની યથા-વિધિ પૂજા કરી.અન કહ્યું કે-આપે દૂરથી (સ્વર્ગમાંથી) અહીં પધારવાનો શ્રમ શા માટે લીધો? તે આપની ઈચ્છા હોય તો કહો.

May 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-815

કુંભમુનિ કહે છે કે-હે રાજા,જો એમ જ હોય તો,આજે શ્રવણ માસની પૂર્ણિમા છે,
મેં સર્વ ગણત્રી કરી છે,
અને તે ગણત્રી પ્રમાણે આજે જ લગ્ન કરી લેવું એ વધારે સારું છે.
ચાલો આપને આપણા પોતાના વિવાહ માટે,વનમાંથી ચંદન-પુષ્પ -આદિ સામાન ભેગો કરીએ.

May 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-814

થોડા સમય પછી,શિખીધ્વજ બોલ્યો કે-હે દેવપુત્ર,આપ (કે) જે મહાત્મા છો,
તે સ્ત્રી બની ગયા તે મહાકષ્ટ છે.
પણ,"પ્રારબ્ધની ગતિ" તમે જાણો છો,માટે તમે ઉદાસ ચિત્ત-વાળા ના થાઓ.
સારી-માઠી દશાઓ જ્ઞાની પુરુષોના દેહ પર પણ  આવી પડે છે,
પણ તે દશાઓ તેમના ચિત્તમાં પેસી શકતી નથી.

May 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-813

બન્યું છે એવું કે-જયારે હું અહીંથી નીકળી,આકાશમાર્ગે,દેવલોક (સ્વર્ગ) માં જઈ,
ત્યાં મારા પિતા નારદજીની સાથે બેસી,ત્યાંથી અહી ફરી પાછો આકાશમાર્ગે નીકળ્યો,
ત્યારે મારી સામે દુર્વાસા-મુનિને વેગથી આવતા મેં દીઠા.
વાદળાં-રૂપી વસ્ત્રો વડે ઢંકાયેલા (નગ્ન?) અને વીજળી-રૂપી કંકણો વડે સુશોભિત,
તે દુર્વાસા મુનિ અભિસારિકાના જેવા દેખાતા હતા.(પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત-સ્થાનમાં જાય તે સ્ત્રી ને અભિસારિકા કહે છે) પોતાનો સંધ્યા-વંદનનો સમય વીતી ના જાય,તેથી ત્વરાથી જતા તે દુર્વાસા મુનિને મેં વંદન કરીને કહ્યું કે-હે મુનિ,આપ શ્યામ વાદળાં-રૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકા (સ્ત્રી) ના જેવા લાગો છો.