Showing posts with label Sat-Sloki-Gujarati. Show all posts
Showing posts with label Sat-Sloki-Gujarati. Show all posts

Oct 1, 2013

Sat-Sloki-Gujarati-15

શત-શ્લોકી-15-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ,કેવળ વરસાદનું પાણી,જુદી જુદી સર્વ ઔષધિઓ ની અંદર,જુદા જુદા અમાપ રસો,ગંધો,વગેરે-
પરિણામ-રૂપે (વિપાક-રૂપે) આપે છે,
તેમ,એક જ આત્મા (પરમાત્મા) અનેક પ્રાણીઓ-અનેક પદાર્થો,અને તેઓના જુદા  જુદા સ્વભાવ-રૂપે-
પરિણામે પ્રગટે છે.
વળી તે આત્મા ને લીધે જ પૃથ્વી વિશ્વ (જગત) ને ધારણ કરી રહી છે.
તે આત્મા ને લીધે જ, વરસાદ સારી રીતે વરસે છે,અગ્નિ રાંધવાની તથા બાળવાની ક્રિયા કરે છે,
પરમાત્મા ક્યાં નથી? પરમાત્મા એ સર્વ માં-સર્વ જગ્યાએ- વિરાજેલા છે.(૫૯)

સર્વ પ્રાણીઓમાં અને પદાર્થો માં એક જ આત્મા (પરમાત્મા) નાં દર્શન કરવાં,અને
સર્વ ને (પ્રાણીઓ અને પદાર્થો ને) પરમાત્મા માં જ ઓતપ્રોત રહેલા જોવા.
કારણકે,જેમ,પાણી નાં દરેક મોજાં લગભગ પાણી ને  જ અનુસરી ને રહે છે.
મોજાં કોઈ જુદી વસ્તુ નથી, અને એ બધું પાણી જ છે,
તેમ,આ બધું જગત કેવળ આત્મા જ છે,એમ સર્વ સમયે જોવું.
ઉપનિષદો માં પણ એ જ માનવામાં આવ્યું છે કે-બ્રહ્મ,એક અને અદ્વિતીય છે,તેના કોઈ અનેક જાતના ભેદ જ નથી. છતાં જે મનુષ્ય આ બ્રહ્મ માં જગત-રૂપ ભેદ ને જુએ છે(એટલે કે બ્રહ્મ ને જગત થી જુદું માને છે)
તે આ સંસાર માં મૃત્યુ પછી મૃત્યુ પામ્યા કરે છે (એટલેકે તેનો કદી મોક્ષ થતો નથી)  (૬૦)

જેમ,આ આકાશ ઘડાની પહેલાં અને પાછળ (ઘડાની અંદર અને બહાર) એક સર્વ કાળે હોય છે,
આવું (આ સત્ય) જ્ઞાન છે છતાં,ઘણા અજ્ઞાનીઓ ને એવું માને છે કે-
આકાશ ઘડાની ઉત્પત્તિ વખતે ઉત્પન્ન થાય છે,ઘડો નાશ પામે ત્યારે (આકાશ) નાશ પામે છે,
ઘડા ને એક ઠેકાણે થી બીજી જગ્યાએ લઇ જવાય,ત્યારે આકાશ તેની સાથે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે,અને ઘડો જેવો,નાનો-મોટો,વાંકો-ચૂંકો,ઊંડો-છીછરો હોય,તો આકાશ તેના જેવું થાય છે.

તેમ,આ આત્મા ચારે બાજુ વ્યાપક છે અને દેહાદિ (દેહ-વગેરે) ના પહેલાં અને પાછળ (અંદર અને બહાર)
રહેલો જ છે, આવું સત્ય જ્ઞાન હોય છે છતાં ઘણા અજ્ઞાનીઓ એવું માને છે કે-
આત્મા,દેહાદિ ની ઉત્પત્તિ ની સાથે ઉત્પન્ન થાય છે,અને તે દેહનો નાશ થતાં,તે (આત્મા) નાશ પામે છે,
દેહ એક ઠેકાણે થી બીજે ઠેકાણે જાય ત્યારે આત્મા પણ એક ઠેકાણે થી બીજે ઠેકાણે જાય છે,
અને દેહ –વગેરે જેવા નાના-મોટા,લાંબા-ટૂંકા,વાંકા-ચૂંકા –હોય તેવો જ આત્મા હોય છે.(૬૧)

જેમ ગોળ નો પિંડો જેવડો હોય છે,તેટલી અને તેવડી (આખી) મીઠાશ જ છે, અથવા,
કપૂર નો ગાંગડો જેવડો હોય છે,તેટલી અને તેવડી જ તેમા સુગંધ ભરેલી હોય છે,
તેમ,વૃક્ષો,પર્વતો,શહેરો,બાગ-બગીચા,દેવ-મંદિરો થી સુંદર દેખાતું આ જગત ,
જેટલું અને જેવડું દેખાય છે,તેટલું અને તેવડું કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે.
આમ,(આવું) આત્મ-તત્વ નું જ્ઞાન થયા પછી,બધું જ -કેવળ આત્મા-રૂપે જ બાકી રહે છે.(૬૨)

જેમ,વાજિંત્ર (જેમ કે નગારા) માંથી નાદ ઉત્પતિ નો જે અનુભવ થાય છે,તે વાજિંત્ર ઉપર કરવામાં  
આવેલ દાંડી ના પ્રહાર થી જ જણાય છે,પણ વાજિંત્ર,તેના પર કરેલો દાંડી નો પ્રહાર અને તેનામાંથી નીકળતો નાદ (અવાજ)-એ ત્રણે નો અનુભવ જુદો જુદો થતો નથી,
પરંતુ ત્રણે એક સાથે જ અનુભવાય છે,
તેમ,માયા,બ્રહ્મ(ઉપાદાન કારણ) ,અને આ જગત –એ ત્રણે નો અનુભવ જાણે એક સાથે થતો હોય તેમ લાગે છે. અને માયા તથા જગત, તે બ્રહ્મ ની સાથે જ રહેલાં હોય તેમ જણાય છે.
પણ ખરી  રીતે,(એમ ના સમજતાં) જો એ બ્રહ્મ ને પ્રત્યેક માં (માયા અને જગતમાં) વ્યાપ્ત જાણવામાં આવે,અને એ બ્રહ્મ સિવાય બીજું કશું નથી,એમ જો અનુભવાય,તો,
તે જગત ને માયા એવી કોઈ વસ્તુ જણાય જ નહિ.(રહે જ નહિ) (૬૩)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-14

શત-શ્લોકી-14-(આદિ) શંકરાચાર્ય રચિત

 જેમ કોઈ કારીગર (કઠપુતળી વાળો) એક જ લાકડી પર તાર થી બાંધેલી જુદી જુદી પૂતળીઓ ના જુદા જુદા હાવ-ભાવ,વ્યવહાર  એક સાથે કરી બતાવે છે,વળી બીજો કારીગર તેની સાથે જુદા જુદા અવાજો અને સંગીત થી પ્રસંગ ને જીવિત કરી બતાવે છે,
તેમ,સર્વ સ્થળે ઓતપ્રોત (પરોવાઈ ને) રહેલા,અને જુદી જુદી અને નવી નવી શક્તિઓ દ્વારા,જગત ના જે વ્યવહારો માં જેટલી જરૂર હોય તે પ્રમાણે
“કારણ” તરીકે અનુસરતા “સૂત્રાત્મા” નામના “પર-બ્રહ્મ” ને લીધે જ -
“ભૂર(લોક)-ભુવઃ(લોક)-સ્વઃ(લોક)  અને મહર્લોક” સુધી નું સર્વ જગત વ્યવહાર કરી રહ્યું છે. (૫૫)

જે પ્રાણ,દિશા,આકાશ -વગેરે નાશ પામતા નથી,તેથી તે સત્ય કહેવાય છે,પણ,
ખરી રીતે તો એ બધાં “સત્ય-દ્રવ્યો” તેમના અધિષ્ઠાન “બ્રહ્મ” માં જ લય પામે છે,
તેથી (આ કારણથી) તે “બ્રહ્મ” સત્ય નું પણ સત્ય કહેવાય છે.
તે (બ્રહ્મ) ના જેવી કે તેનાથી અધિક બીજી કોઈ વસ્તુ છે જ નહિ.
“સત્” એટલે કે પૃથ્વી,જળ અને તેજ -જેવા મૂર્ત દ્રવ્યો (દેખી શકાય તેવા દ્રવ્યો) અને
“ત્યત” એટલે કે વાયુ ને આકાશ-જેવા અમૂર્ત દ્રવ્યો (દેખી ના શકાય તેવા દ્રવ્યો)-જોકે
વ્યવહારમાં સત્ય કહેવાય છે,પણ તે બધાં બ્રહ્મ માં જ લીન થાય છે.(તે બ્રહ્મ માં આરોપણ કરાયેલા છે)
માટે બ્રહ્મ જ સત્ય નું પણ સત્ય છે.(૫૬)

જેમ છીપ માં રૂપું,દોરીમાં સાપ અને સુર્યના કિરણો થી બનતું ઝાંઝવાનું જળ-વગેરે જેવા
અસત્ય પદાર્થો, વ્યવહારમાં ભ્રાંતિથી (ભ્રમથી) સત્ય જણાય છે,
આવા તે બધા કેવળ વ્યવહાર માં જ સત્ય ગણાતાં (રૂપું,દોરી,મૃગજળ) એ
છીપ ,દોરી,કિરણો વગેરે ના આશ્રય થી જ જણાય છે.
અને જ્યાં સુધી છીપ-વગેરે નું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી જ જણાય છે.આવો લોક પ્રસિદ્ધ નિયમ છે.

તે જ પ્રમાણે,બધું મિથ્યા જગત, એ સત્ય ના સત્ય (અને મૂળ-અધિષ્ઠાન રૂપ) બ્રહ્મ ના આશ્રય થી જ
પ્રગટ્યું છે,અને જયારે બ્રહ્મનું જ્ઞાન થાય છે,ત્યારે તે (જગત) મિથ્યા જણાય છે.
આથી,તે બ્રહ્મ ને જ્ઞાનીઓ સત્ય કહે છે. (૫૭)

જે (બ્રહ્મ)માં આકાશ નો અવકાશ (પોલાણ) માત્ર એક અંશ-રૂપ જણાય છે,
પૂર્ણ કાળ (સમય) પણ આંખના માત્ર- એક પલકારા જેટલો જ જણાય છે,
દિશાઓ નો છેડો,પણ જેને (બ્રહ્મને) વિષે (જેનાથી) જણાય છે,
સૌથી પહેલા નો વિરાટ પુરુષ પણ જે (બ્રહ્મમાં) જાણે આજકાલ પ્રગટ્યા હોય તેવા (અર્વાચીન) લાગે છે,
અને સૂત્રાત્મા હિરણ્ય-ગર્ભ પણ જે (બ્રહ્મ) ને વિષે (જે –બ્રહ્મ-નાથી) જ પ્રગટ્યા છે,
માટે, તે બ્રહ્મ જ -મહાન થી મહાન છે.અને,
જેમ,સમુદ્ર જોકે સંપૂર્ણ ગણાય છે,પણ ખરી રીતે તો પ્રલયકાળે સર્વ એકઠું થયેલું સર્વ સમુદ્રો નું પાણી જ
વ્યવહાર માં પૂર્ણ ગણાય છે,તેમ ખરી રીતે બ્રહ્મ જ સર્વ પૂર્ણ થી પૂર્ણ છે. (૫૮)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-13

શત-શ્લોકી-13-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ, સૂર્ય એક જ છે પણ જુદા જુદા જળમાં પ્રતિબિંબ રૂપ થવાને કારણે અનેક સૂર્ય-પણા ને પામે છે,
અને તે જળ-રૂપ ઉપાધિ જેવી સ્થિતિ કે ગતિમાં હોય તેની સમાનતા ને પણ પામેલો જણાય છે.
તેમ,પરમાત્મા નાના-મોટાં અનેક પ્રાણીઓ-રૂપ ઉપાધિ માં (જીવ રૂપે),પ્રતિબિંબીત થઇ,
અનેક રૂપે ભાસે છે,વળી (અને)
તે ઉપાધિ ની સ્થિતિ પ્રમાણે,ગતિ પ્રમાણે –તેની સમાનતા ને પામેલા જણાય છે,અને
અનેક સ્વ-ભાવો થી યુક્ત થયેલા જણાય છે.

પરંતુ,ખરી રીતે,જેમ,સૂર્ય ,જળ ના કોઈ પણ ધર્મ થી યુક્ત થયા વિના,પોતાના મૂળ-રૂપે સ્પષ્ટ-પણે
પ્રકાશે છે,તેમ પરમાત્મા પણ,તે તે ઉપાધિઓ ના કોઈ પણ સ્વભાવ કે ધર્મ થી યુક્ત થયા વિના,
શુદ્ધ સ્વ-રૂપે,અને સ્પષ્ટ પ્રકાશે છે,  (૫૨)

જેમ,ચંદ્ર ની અંદર પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી રાત્રિ નું ગાઢું અંધારું નાશ પામે છે,અથવા,
જેમ,દિવસે કાંસા ના વાસણમાં પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી જ ઘરનું અંધારું નાશ પામે છે,
તેમ, બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી અને ઇન્દ્રિયો દ્વારા ફેલાતી,પરમાત્મા ની કાંતિ (તેજ) વડે,
ચારે બાજુ નામ-રૂપ વાળા પદાર્થો નિરંતર પ્રકાશે છે.(૫૩)

જેમ, એક જ આકાશ,ત્રણ પ્રકારનું જણાય છે,(૧) જળ યુક્ત આકાશ (૨)જળ માં પ્રતિબિંબિત આકાશ.
(૩) જળ ની અંદર અને બહાર રહેલું આકાશ.
તેમ,એક જ “આત્મ-તત્વ” (અવિદ્યા-અજ્ઞાન-માયા થી) ત્રણ પ્રકારનું દેખાય છે.
(૧) પૂર્ણાત્મા (પરમ તત્વ) (૨) અનાત્મા (જડ પદાર્થો) (૩) ચિદાભાસ (ચિત્ત નો અભાસ)

આમાંનું પહેલું સ્વ-રૂપ તે જ પરમતત્વ છે. બીજું બુદ્ધિ થી યુક્ત (જડ પદાર્થો) છે અને
ત્રીજું,તે બુદ્ધિ માં માત્ર આભાસ રૂપે જણાય છે.

આમાં પૂર્ણ સ્વરૂપ અને બુદ્ધિ થી યુક્ત,-એ બંને ની એકતા નું જયારે જ્ઞાન થાય છે,
ત્યારે અવિદ્યા (અજ્ઞાન) પોતાનાં કાર્યો (ચિદાભાસ) વગેરે ની સાથે જ નાશ પામે છે.(૫૪)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-12

શત-શ્લોકી-12-(આદિ) શંકરાચાર્ય રચિત

જાતજાતના રંગોવાળા તાંતણાઓમાં વણાઈ ને બનેલું રંગ-બેરંગી “વસ્ત્ર” એ તાંતણામાં જ ઓતપ્રોત છે.
જો એ વસ્ત્ર વિષે વિચાર કરવામાં આવે તો-વસ્ત્ર કોઈ વસ્તુ નથી પણ તાંતણા જ વસ્ત્ર-રૂપે થયેલા છે.

તેમ,પર્વતો,વૃક્ષો,શહેરો,ગામો,મનુષ્યો,પશુઓ-વગેરે રૂપ-વાળું આ જગત,”વિરાટ સ્વ-રૂપ” માં ઓતપ્રોત છે.
તે વિરાટ આકાશમાં ઓતપ્રોત છે,અને તે આકાશ “બ્રહ્મ” માં ઓતપ્રોત છે.
(આમ ખૂબ જ સૂક્ષ્મતા થી વિચાર કરવામાં આવે તો,સર્વના મૂળ કારણ-રૂપ એક “બ્રહ્મ” જ બાકી
રહે છે,બીજું કાંઇ જ નહિ.)  (૪૯)

“એક જ પરમાત્મા પ્રત્યેક રૂપ માં અનેક રૂપો વાળા થયા છે” આમ શ્રુતિ ના કહેવા પ્રમાણે,
એક જ “બ્રહ્મ” પ્રત્યેક (જુદા જુદા) રૂપ માં પ્રતિબિંબિત થવાને લીધે,અનેક જીવ રૂપ ને પામેલ છે.

જેમ, સ્થિર પાણીમાં જોનારો એક જ મનુષ્ય પ્રતિબિંબ રૂપે બીજો થાય છે(બીજો મનુષ્યદેખાય છે), અથવા,
જો અનેક જળ-પાત્રોમાં જોનારો મનુષ્ય અનેક રૂપ વાળો દેખાય છે,(અનેક મનુષ્યો દેખાય છે)
તેમ,એક જ દ્રષ્ટા (બ્રહ્મ=પરમાત્મા) અનેક બુદ્ધિ-રૂપ ઉપાધિ માં પ્રતિબિંબિત થઇ,
અનેક જીવ-પણા ને પામે છે.
આ જ સિદ્ધાંત ને શ્રુતિ કહે છે-કે-એક જ પરમાત્મા માયા ને લીધે,જીવ-રૂપે અનેક સ્વરૂપ વાળા થાય છે.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે-(ઉપર મુજબ) વ્યાપક “બ્રહ્મ”-“ જીવ-પણા” ને પામે છે. (૫૦)

આ રીતે જીવ (જીવાત્મા) ના મૂળ-સ્વ-રૂપ ને બુદ્ધિ થી સમજતા પુરુષો,
“પરમ બળવાન પરમાત્મા,માયા થી યુક્ત થવાને લીધે,જન્મ-મરણ રૂપ સંસાર માં પડતા જીવ ને”
“જીવ-રૂપે”  ના જોતાં-
“બુદ્ધિ રૂપી સમુદ્ર ની અંદર પ્રતિબિંબિત થયેલા પરમાત્મા-રૂપી સૂર્યના કિરણ સ્થાન ને જ જુએ છે”

જેમ,દર્પણ મેલું હોય કે સ્વચ્છ હોય,તો  તેમાં પ્રતિબિંબિત થયેલું મુખ મેલું કે સ્વચ્છ દેખાય,પણ
ખરી રીતે તો મુખ તો જેવું છે તેવું ને તેવું જ રહે છે,
તેમ,બુદ્ધિ-રૂપ ઉપાધિ (દર્પણ=માયા) જેટલી અને જેવી (મેલી કે સ્વચ્છ=સત્વ-રજસ-તમો ગુણવાળી) હોય,
તે જ પ્રમાણે તેમાં “સત્ય-સ્વરૂપ-બ્રહ્મ” –જીવ-રૂપે પ્રતિબિંબિત થાય છે.
ખરી રીતે તો બ્રહ્મ સદાને માટે “તેના પોતાના સ્વ-રૂપ” માં જ રહે છે.
તેના મૂળભૂત શુદ્ધ સ્વરૂપ માં કોઈ પણ જાત નો ફેરફાર થતો નથી. (૫૧)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-11

શત-શ્લોકી-11-(આદિ) શંકરાચાર્ય રચિત

જે આ જીવ છે તે, તે બ્રહ્મ ની સત્વાકાર(સાત્વિક) વૃત્તિમાં પ્રતિબિંબ રૂપે (આત્મા-જીવ-રૂપે) પ્રગટે છે,અને
આ પ્રગટ જીવ (જીવાત્મા),દેહ અને દેહના ધર્મો (બાળપણ,યુવાની.વૃદ્ધપણું) ના આવરણ થી યુક્ત હોય છે.
પણ તે (આત્મા=પરમાત્મા=બ્રહ્મને) આ દેહ અને દેહના ધર્મો ની અસર થતી નથી જ.
તે (આત્મા) દેહ (પ્રાણ) રૂપે પ્રગટ થયેલો હોવાં છતાં શુદ્ધ બ્રહ્મ-રૂપે હોઈ,તેને બ્રહ્મ-રૂપે પામી શકાય છે.
(બ્રહ્મ-રૂપ કરી શકાય છે)

સત્ય સંકલ્પો કરનાર અને નિપુણ બુદ્ધિ વાળા પુરુષો અભ્યાસથી,તેને (આત્મા ને) દિવ્ય-બ્રહ્મ-રૂપ કરે છે,
અને શુદ્ધ મન ની સાથે ઉચ્ચ ભૂમિકાઓમાં લઇ જાય છે.(૪૫)

અને તે વેળા તે જીવન-મુક્ત પુરુષ કામનાઓથી રહિત થયો હોય છે,અને તેની અભિલાષાઓ (ઇચ્છાઓ)
અસ્ત પામી હોય છે, છતાં,પરમસુખ ની પ્રાપ્તિ માટે કેવળ આત્મ-સ્વ-રૂપ થવાની જ ઈચ્છા તો હોય છે જ.
અને છેવટે તે પરમ-સુખ પ્રાપ્ત થયા પછી,પૂર્ણ નિષ્કામ થઇ,જ્ઞાન ની છેલ્લી દશામાં (ભૂમિકામાં)
સ્થિત રહે છે, અને તે પછી દેહના અંત સમયે ઇન્દ્રિયો સહિત તેના પ્રાણો શરીર માંથી બહાર નીકળતા નથી,
(બીજા અજ્ઞાનીઓ ની જેમ પુનર્જન્મ લેવા માટે).પણ તે પ્રાણો અનુક્રમે પોતપોતાના કારણો માં લય પામે છે. તે વેળા પાણીમાં જેમ મીઠું એકરૂપ થઇ ઓગળી જાય છે,તેમ બ્રહ્મ માં લય પામી પાછળથી (પછી થી)
તે એક અખંડ આત્મા (પરમાત્મા) રૂપે જ રહે છે. (૪૬)

જેમ,સમુદ્ર નું પાણી જયારે ગાંગડા-રૂપે થયું હોય છે ત્યારે તે “સૈન્ધવ” (મીઠું) તેવું નામ પામે છે.
પણ તેને સમુદ્રના પાણીમાં પાછું નાંખી દીધું હોય તો તે
તેમાં ઓગળી જઈ  ને તેના નામ-રૂપ નો ત્યાગ કર છે,  
તેમ,જ્ઞાની પુરુષ દેહનો (નામ-રૂપ નો) ત્યાગ કર્યા પછી,પરમાત્મા માં લય પામે છે,
એક-સ્વ-રૂપ થઇ જાય છે,
એ વેળા,ચિત્ત (મન)- ચંદ્ર-માં,વાણી-અગ્નિમાં,ચક્ષુ-સૂર્યમાં,લોહી અને વીર્ય- જળમાં,અને
શ્રોત્ર (ઇન્દ્રિય)-દિશાઓમાં લય પામે છે. (૪૭)

જેમ,દૂધમાં ઘી ની મીઠાશ જણાય છે,પણ તે ઘી જયારે દૂધથી અલગ થાય છે,ત્યારેજ તે શુદ્ધ ઘી-રૂપે જણાય છે, (દૂધમાં રહેલું ઘી દેખી શકાતું નથી,માત્ર મીઠાશ રૂપે અનુભવી શકાય છે)
તેમ,સર્વ પ્રાણીઓમાં રહેલું બ્રહ્મ (આત્મા-રૂપે),તે પ્રાણીઓના હલન-ચલન-વગેરે વ્યવહારોથી
જણાયેલું હોઈ દેખી કે અનુભવી શકાતું નથી,
પણ, જયારે સુષુપ્તિ માં (ઊંઘમાં) જેમ થાકેલાને વિશ્રાંતિ (આનંદ)મળે છે,તેના મૂળ કારણ-રૂપે,
(એટલે કે સુષુપ્તિમાં ઇન્દ્રિયો ના વિષયો શાંત થવાથી શુદ્ધ આત્મા પ્રગટ થવાથી આનંદ મળે છે-તેમ)
તે પ્રાણીઓ માં જુદા જુદા બ્રહ્મ (જુદા જુદા આત્મ) સ્વ-રૂપે જણાય છે.

આ શુદ્ધ આત્મા ને (અભ્યાસથી) પામી ને જ્ઞાની પુરુષ,બીજા સર્વ લાભ ને તણખલાં જેવા માને છે.
અને તેવી સ્થિતિ માં ,સંસાર-રૂપ ભય કદી ઉપજતો જ નથી,
આવો,આત્મા કે જે ગાઢ-આનંદ-સ્વ-રૂપ હોઈ,તેવો તે,સર્વ ના હૃદયમાં આત્મા-રૂપે પ્રકાશે છે,
તે,જ બ્રહ્મ (આત્મા=પરમાત્મા) ને તું અમર જાણ,એ સિવાય બીજા ને તું નાશવંત માન. (૪૮)


PREVIOUS PAGE                      INDEX  PAGE                 NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-10

શત-શ્લોકી-10-(આદિ) શંકરાચાર્ય રચિત

નામ અને રૂપ વાળી,જે કંઈ વસ્તુ પૃથ્વી પર પ્રગટ થયેલી ભાસે છે, તે,જે (ઈશ્વર) ને લીધે પ્રકાશે છે,તે-
-અને જેના (પરમાત્માના) લીધે આ જગત અનેક પ્રકારના વ્યવહારો કરી રહ્યું છે-તે-
પરમાત્મા (ઈશ્વર) વડે આ સર્વ જગત ઢાંકી શકાય છે.(એટલે કે બધું પરમાત્મા જ છે)

આ “સત્ય જ્ઞાન” (સર્વ પરમાત્મા મય છે) થી જગત અદૃશ્ય થઇ શકે છે.
જેમ,દોરડીમાં ભ્રાંતિ થી દેખાતો સર્પ,દોરી ના સાચા જ્ઞાનથી દૂર કરી શકાય છે,
તેમ,મિથ્યા જગત નો ત્યાગ કરી,ધન-વગેરે જેવા મિથ્યા પદાર્થ ની લાલચ ના રાખી,નિવૃત્તિમય બની,
આ જગત જેના આધારે છે તે બ્રહ્મ ને મેળવી,તે બ્રહ્મ-સુખ ભોગવ. (૪૧)

સંસાર માંથી છૂટવા ઇચ્છનારે બે પ્રકાર ની મુક્તિ મેળવવી જોઈએ.
પહેલી –જીવન મુક્તિ અને વિદેહ (આત્યંતિકી) મુક્તિ.
આ બંને મુક્તિ-(૧) સદગુરૂ ના સંગ માં રહી અભ્યાસથી અથવા (૨) જ્ઞાન-યોગ થી પ્રાપ્ત થાય છે.
આમાં અભ્યાસ સ્થાનો ના ભેદને લીધે બે પ્રકાર નો છે.(૧) શારીરિક અભ્યાસ (૨) માનસિક અભ્યાસ

આસનો-વગેરે નો અભ્યાસ તે શારીરિક અભ્યાસ અને સંસાર પર થી મન ની ઉપરતિ (અટકી-હટી-જવું)
તે માનસિક અભ્યાસ છે. જ્ઞાનયોગ તો આગળ કહેવાયો જ છે. (૪૨)
ઊંડા નાંખેલા ખીલાઓ ની પેઠે,હૃદય માં ઘર કરી ને બેઠેલી વિષય-વાસનાઓ ને મૂળમાંથી ઉખેડી નાંખી,
જેણે દેહાભિમાન નો નાશ કર્યો હોય,અને આત્મામાં જ જેણે લક્ષ્ય કર્યું હોય,
તેવા,જીવન-મુક્ત પુરુષ ની મન ની ચપળતાઓ નો નાશ થાય છે,(ચપળતાનો ત્યાગ થાય છે) અને

પુણ્ય નો સમૂહ જેણે આચર્યો છે તે (એટલે કે જેણે બહુ પુણ્ય કર્યા છે તે)
આત્મ સુખ ગ્રહણ કરતો,
કાળી,ધોળી અને લાલ નાડીઓ વડે બનેલા રંગબેરંગી –ઉચ્ચ ઉર્ધ્વસ્થાન –બ્રહ્મરંઘ્ર સુધી,
(સુષુમ્ણા નાડી દ્વારા) ગતિ કરે છે,કે જે સ્થાને અમૃત નો ધોધ વહી રહ્યો છે.  (૪૩)

એ જીવન-મુક્ત પુરુષ કે જેને જગત ને આત્મા-રૂપે જ જોયું હોય છે,તે આ જગતમાં શોક-મોહ વગેરે થી,
રહિત થયો હોય છે,અને સર્વજ્ઞ થઇ સર્વ સિદ્ધિ ઓનું સ્થાન બ્રહ્મ(હિરણ્યગર્ભ) ને પ્રાપ્ત થાય છે.

પછી સ્થૂળ-સૂક્ષ્મ-વગેરે શરીર ને પણ વિસરી જઈ સર્વ સંકલ્પો થી રહિત થયેલો પુરુષ,
પુણ્ય-પાપ થી રહિત થઇ તુરીય-પદ (પર-બ્રહ્મ) ને પામે છે.(કેવળ સાક્ષી-રૂપે રહે છે)  (૪૪)


PREVIOUS PAGE                INDEX  PAGE           NEXT PAGE    

Sat-Sloki-Gujarati-09

શત-શ્લોકી-09-(આદિ) શંકરાચાર્ય રચિત

જીવો દરરોજ સુષુપ્તિમાં (ઊંઘમાં) કે સ્વપ્ન ના સમયે આત્મા નો આનંદ અનુભવે છે,છતાં,
ઇન્દ્રિયો ના સમુદાય વિના કેવળ માયા સાથે ક્રીડા કરતા એ આત્મા ને કોઈ જાણતું  નથી,
વળી જીવો, પોતાની,જાગ્રત અવસ્થામાં પદાર્થો ના સમૂહોને,જીવો ના પ્રકાશક અને સંચાલકને-એ બધાને
જુએ છે,આમ છતાં તે આત્મા (પરમાત્મા) ને કોઈ જાણતું નથી તે આશ્ચર્ય છે.(૩૭)

સ્વપ્ન માં કાનથી સાંભળેલો મંત્ર નો ઉપદેશ ઘણી વખત જાગ્રત સમયે સત્ય થાય છે,અને
સ્વપ્ન માં જ થયેલી કોઈ દૈવી-કૃપાથી કોઈ વાર સવારમાં ઇચ્છિત ફળ સત્ય-સ્વ-રૂપે પ્રાપ્ત થાય છે,
આમ અસત્ય થી (સ્વપ્નથી) પણ સત્ય ની ઘણી વખત પ્રાપ્તિ થાય છે,
તેમ,(તો પછી) વેદ-ગુરૂ વગેરે ના ઉપદેશથી સત્ય-પરબ્રહ્મ ની પ્રાપ્તિ કેમ ના થાય? થાય જ.

આમ,જેને લીધે આ સર્વ સ્થાવર-જંગમ,નાના-મોટા દૃશ્ય પદાર્થો પ્રકાશે છે,તે બ્રહ્મ સ્વયંપ્રકાશ જ છે
એમાં કોઈ શંકા નથી. (૩૮)

સુષુપ્તિ (નિંદ્રા) ના સમયે,અગ્નિ-સૂર્ય વગેરે “ઇન્દ્રિયો ના દેવો” પોતાની ઉત્પત્તિ નું કારણ-
“પ્રાણ” માં પ્રવેશી ને તેમાં લય થાય છે.
“ઇન્દ્રિયો અને તેના વિષયો” પણ આ જ રીતે “પ્રાણ-વાયુ” માં લય થાય છે,
આમ સર્વ નો લય કહેવામાં આવ્યો છે,
પણ પ્રાણ (પ્રાણવાયુ) નો પોતાનો લય કહ્યો નથી.

પછી જાગૃતિ ના સમયે,તે ઇન્દ્રિયો-વગેરે થી દ્રશ્ય પદાર્થો દેખાય છે,(અહેસાસ થાય છે) તે તો,
છીપ માં ભ્રાંતિ થી દેખાતા ચાંદી ના -જેવો ભ્રમ જ છે.
આમ જેને અનુભવ પૂર્વક જાણ્યું છે,તેને જ વેદાંત માં “પ્રાણાયામવ્રત” માન્યું છે.
આ સિવાય બીજું કોઈ આત્મા ની પ્રાપ્તિ માટે નું વ્રત નથી.  (૩૯)

જેમ, ભીનાં (લીલાં) લાકડાંને અગ્નિ એકદમ સ્પર્શ કરતો નથી,પણ તાપ થી સૂકાયેલાં લાકડાંને
અગ્નિ જલ્દી સ્પર્શ કરે છે અને તેમને બાળી નાખે છે,
તેમ,આ ચિત્ત (મન) જો વિષય વાસનાઓથી ભીનું હોય તો જ્ઞાન-રૂપી અગ્નિ તેને સ્પર્શ કરતો નથી,
પરંતુ વૈરાગ્ય દ્વારા જો તે સુકાઈ ગયું હોય (વિષય-વાસના વગરનું થયું હોય) તો,
જ્ઞાન-રૂપી અગ્નિ તેને તરત જ સ્પર્શે છે અને તરત (વિષય-વાસનાઓ ને) બાળી નાખે છે.

માટે શુદ્ધ વૈરાગ્ય ને ચિત્ત-શુદ્ધિ માં પ્રથમ કારણ કહેલ છે,
કારણકે તેનાથી જ જ્ઞાન-વિજ્ઞાન ની સિદ્ધિ થાય છે. (૪૦)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-08

શત-શ્લોકી-08-(આદિ) શંકરાચાર્ય રચિત

આ બધું (જગત) એ સ્વપ્નના જેવું છે.
કોઈ મનુષ્ય સ્વપ્ન નું રાજ્ય ભોગવતો હોય અને સંપૂર્ણ વૈભવો ને પામ્યો હોય,પણ પછી જાગ્રત
અવસ્થા થાય ત્યારે “અરે રે મેં બધું રાજ્ય સુખ ગુમાવ્યું” એમ માની શોક પામતો નથી,
કારણકે તે સ્વપ્ન-રાજ્ય ને જુઠ્ઠું માને છે.એ જ પ્રમાણે,સ્વપ્ન માં તે કોઈ અગમ્ય સ્ત્રી સાથે સુખ ભોગવતો
પાપ કરી રહ્યો હોય,તેમ છતાં જાગ્યા પછી તે પાપ નું પ્રાયશ્ચિત્ત કરતો નથી,
કારણકે તે માને છે કે તે સ્વપ્ન હતું અને જુઠ્ઠું હતું.
એ રીતે જાગ્રત અવસ્થામાં સમગ્ર વ્યવહાર(જગત ને) સ્વપ્ન જેવો જ મિથ્યા (જુઠ્ઠો) માની,જે મનુષ્ય,
તે જગત ને ભૂલી જાય,તો એ જાગ્રત-દશાના દોષ થી દોષ વાળો ન જ બને (હર્ષશોક ન જ પામે) (૩૩)

સ્વપનાવસ્થામાં અનુભવેલું સારું કે ખરાબ –એ જાગ્રત અવસ્થામાં જુઠ્ઠું જણાય છે,(જુઠ્ઠું માનવામાં આવે છે)
અને જાગ્રત અવસ્થામાં વ્યવહાર નો વિષય જણાતું સ્થૂળ શરીર સ્વપ્ન ના સમયે જુઠ્ઠું જણાય છે.
આમ બંને પ્રકારે (બંને અવસ્થામાં) દેખાતું જગત મિથ્યા છે એમ સિદ્ધ થાય છે.
અને તે બંને અવસ્થાઓ નો (તથા તે બંને  અવસ્થાઓ અનુભવતાં સ્થૂળ-સૂક્ષ્મ શરીરોનો)
પ્રકાશક આ આત્મા (પરમાત્મા) જ કેવળ સત્ય-સ્વ-રૂપે (બ્રહ્મ-રૂપે) સાબિત થાય છે,
છતાં મૂઢ-અજ્ઞાની, તે જગત માં (અથવા તે જગતના વ્યવહાર ના વિષય-શરીરમાં)
કાયા કારણથી આસક્ત થાય છે તે અમે સમજી શકતા નથી. (૩૪)

જયારે સ્વપ્નાવસ્થામાં કોઈ મનુષ્ય તેના સંબંધી ને મરેલો જુએ છે ત્યારે તે અત્યંત ખેદ પામે છે,
પણ તે જ મનુષ્ય જયારે જાગે છે અને પોતાના તે સંબંધી ને જીવતો જુએ છે ત્યારે તે હર્ષ પામે છે.
અને તે સંબંધી નું સ્વપ્ન અવસ્થામાં મરણ પોતાને યાદ હોય છે,છતાં તેની સાથે વાતચીત કરે છે.
વાતચીત કરતી વખતે તેને ખબર છે કે તે પોતાનો તે સંબધી (અને પોતાનું પણ) મરણ નક્કી જ છે.

આમ બંને અવસ્થા ના મિથ્યા-તત્વ નો પોતાને અનુભવ છે છતાં,
જાગ્રત સમયે જે સત્યપણું માને છે,તે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા કરતાં વધુ વખત રહે છે,
તે (જાગ્રત અવસ્થા નું સત્યપણું માનવાનું) કારણ છે (હકીકત માં તે સત્ય નથી મિથ્યા જ છે) અને
સ્વપ્ન અવસ્થા નું જે મિથ્યાપણું માને છે,તે સ્વપ્ન અવસ્થા,જાગ્રત અવસ્થા કરતાં ઓછો વખત રહે છે,
તે (સ્વપ્ન અવસ્થા નું મિથ્યા પણું માનવાનું) કારણ છે.
પણ સત્ય માં તો આ બંને અવસ્થાઓ જૂઠી (મિથ્યા) જ છે.   (૩૫)

સ્વપ્ન માં પ્રાપ્ત થયેલ સ્ત્રી-સંગ નું સુખ અત્યંત જુઠું છે,તેમ છતાં સ્ખલન (સ્વપ્ન-દોષ) નો ડાઘ
દેખાય છે,તે જ પ્રમાણે જગત નું કારણ (માયા) મિથ્યા છે,છતાં આ જગત પ્રકાશે છે,દેખાય છે,
અને સત્ય હોય તેવું જણાય પણ છે.
જેમ સ્વપ્ન માં પુરુષ સાચો છે (પુરુષ નું શરીર સાચું છે),પણ સ્વપ્ન ની સ્ત્રી જૂઠી છે (સ્ત્રી ત્યાં છે જ નહિ)
તેથી તે બંને નો સમાગમ પણ ખોટો જ છે.પણ તે સમાગમ (સ્ત્રી સંગ) ની કલ્પના માત્ર છે.
તેમ વ્યવહાર માં સત્ય જણાતા આ જગત નું મૂળમાત્ર કલ્પના જ છે. (૩૬)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-07

શત-શ્લોકી-07-(આદિ) શંકરાચાર્ય રચિત


ઉપર ની બાબતે વેદો માં એક દૃષ્ટાંત આપેલું છે.
પૂર્વે સનાતિ રાજા નો પુરોહિત-સુબંધુ નામે એક ઉત્તમ બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણો એ કરેલા કપટ-યુક્ત
મારણ ના પ્રયોગ થી મૃત્યુ પામ્યો. અને તેનું મન (સૂક્ષ્મ-શરીર) યમરાજા પાસે ગયું.
આ મન (સૂક્ષ્મ-શરીર) ને તેના ભાઈ એ વેદોક્ત-મંત્ર થી પાછું આણ્યું હતું.(ઋગ્વેદ-સૂક્ત)
માટે સિદ્ધ થાય છે કે-આત્મા (ના પ્રતિબિંબ) વાળું મન જ જાય છે ને આવે છે.પણ
આત્મા ક્યાંય આવતો કે જતો નથી. (૨૯)

આ જ ઉપર ની વસ્તુ નું બીજું એક લૌકિક દૃષ્ટાંત છે.
જેમ -પવન થી ઉત્પન્ન થયેલા પાણી નાં મોજાં સાથે પાણી પણ ચારે બાજુ દોડે છે.અને તે પાણી,
મોજાં ની અંદર,આગળ,પાછળ સર્વ જગ્યાએ રહેલું જ છે,
(તે પાણી માત્ર મોજાં –રૂપે દેખાય છે,પણ તે મોજામાં પાણી નથી),
પછી તે મોજાં અત્યંત શાંત થાય છે,ત્યારે તે પાણી પ્રથમ હતું તેવું જ દેખાય છે.
તેમ-આત્મા એક જ છે અને તે ક્રિયાઓ (હલનચલન-અવરજવર) વગરનો છે,
તો પણ દોડતા મન સાથે (તેમાં પ્રતિબિંબ-રૂપે રહીને,જાણે કે) દોડે છે. અને તે
મન ની અંદર,આગળ,પાછળ (પ્રતિબિંબ-રૂપે) અનુસરી રહ્યો જ હોય છે,
(તે આત્મા મન-રૂપે દેખાય છે પણ તે મન માં આત્મા હોતો નથી)
છતાં આંખ વગેરે ઇન્દ્રિયો તેને (તે આત્મા ને) જાણી શકતી નથી.(પણ પછી જયારે જ્ઞાન થાય છે,ત્યારે મન ની દોડ શાંત થતાં –આત્મા-પોતાને એક જ અને નિષ્ક્રિય સ્વરૂપે રહેલો દેખાય છે)  (૩૦)

તે અંતરાત્મા (જીવ) પહેલાં તો એક જ હતો,પણ પાછળથી,સ્ત્રી,પ્રજા,ધન અને ઘર જેવા વિષયો ની
શોધ માં નીકળી પડે છે.અને તે માટે શરીરમાં માત્ર પ્રાણ જ બાકી રહે –એવી મહેનત-મજૂરી કરી,
દુઃખો સહન કરી કર્મો કરે છે.
અને એવે સમયે,તે મનુષ્ય, તેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ હોય,કે બીજું કોઈ તેનાથી શ્રેષ્ઠ કર્મો કરે છે,
એવું માનવા તે તૈયાર નથી હોતો.અને ઉપર ના વિષયો માં થી એકાદ પણ જો મળવાનો બાકી રહી જાય તો તે મનુષ્ય પોતાને અપૂર્ણ ગણે છે,વળી જો મળેલા વિષયોમાંથી કોઈ નો નાશ થાય તો,અત્યંત દુઃખી થઇ ને જગત નો જાણે અંત આવી ગયો હોય,તેવો દુઃખી થઇ ને શૂન્ય સ્થિતિમાં જઈ પડે છે (૩૧)

વિશાળ સુર્યને ઢાંકી દેનાર મેઘ,પહેલાં નહોતો કે પાછળ થી પણ નથી,
છતાં વચ્ચે ના ભાગમાં (વર્ષાઋતુ માં) તે દેખાય છે, અને ખરી રીતે તો તે જોનાર ની દૃષ્ટિ ને જ તે
ઢાંકી દે છે,સૂર્ય ને નહિ. જો એમ ના હોત તો,
તે મેઘ,સૂર્ય ના પ્રકાશ વગર શાથી પ્રકાશે છે ? (શાથી દેખાય-જણાય છે?)
મેઘ નો પ્રકાશક સૂર્ય તેનાથી (તે મેઘ થી) ઢંકાતો નથી તેથી જ તે દેખાય છે.
તે જ પ્રમાણે જગત પૂર્વે નહોતું અને પાછળ થી પણ છે જ નહિ,છતાં વચ્ચે જણાઈ ને,
ઇન્દ્રજાલ ની પેઠે,જોનાર ની દૃષ્ટિ ને ઢાંકી દે છે,પરંતુ,
તે જગત પોતાના પ્રકાશક અને પરબ્રહ્મ (પરમાત્મા-આત્મા) ને ઢાંકી શકતું નથી.  (૩૨)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE