Mar 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-456

હે,ચિત્ત,હું પોતે અનુભવ-રૂપ છું,એટલા માટે મારા સાક્ષી-સ્વ-રૂપ થી -
હું તને,જ્ઞેય-પદાર્થ-રૂપ અને અહંતા-રૂપ-આદિ દુઃખોના કારણ-રૂપ જાણું છું.
માટે હવે હું -આવા-વિવેકથી ઉત્પન્ન થયેલા,બોધ-રૂપી શસ્ત્રનું ગ્રહણ કરીને તને મારી નાખું છું.

જે ગતિ-રૂપ અંશ છે તે પ્રાણોનો છે,જે બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) અંશ છે તે મહા-ચૈતન્ય નો છે,તો-જે જરા અને મરણ-રૂપ અંશો છે તે શરીર ના છે,તો તેઓમાં "હું" એમ માની બેસનાર કોણ હશે?
જે માંસ છે,જે રુધિર છે,જે અસ્થિ છે,જે બોધ છે,કે જે ગતિ છે-તે કોઈ પણ અહં-પદ નો અર્થ નથી,તો-અહં-પદ ના અર્થ-રૂપ તે કોણ હશે?
આ જ્ઞાનેન્દ્રિયો (નાક-કાન-વગેરે)છે તેમાં "હું" ને માની બેસનાર તે કોણ છે?

Mar 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-455

હે,ચિત્ત,આ સારા પદાર્થો મેળવવા કે ખરાબ પદાર્થો,ત્યજી દેવા-વગેરે વિચિત્ર કલ્પનાઓ તને દુઃખ દેનારી જ છે.તેં શબ્દ-સ્પર્શ-આદિ નીચ વૃત્તિઓથી અંધ થઈને આટલા કાળ સુધી,ભુવનોમાં અત્યંત ભ્રમણ કરીને શું મેળવ્યું? હે,મૂર્ખ ચિત્ત,સઘળી વૃત્તિઓના ઉપશમ-રૂપ સમાધિ કે જેમાંથી,વિદેહ-કૈવલ્ય-રૂપી-સુખ મળવાનો તથા,જીવન-મુક્તિ-રૂપ આરામ મળવાનો સંભવ છે,માટે તેમાં તું શા માટે દૃઢ ઉદ્યોગ કરતુ નથી?

હે,મૂર્ખ ચિત્ત,મૃગ (કાનની ઇન્દ્રિય),ભ્રમર (નાકની ઇન્દ્રિય) પતંગિયું (આંખની ઇન્દ્રિય) હાથી (ચામડી ની ઇન્દ્રિય) મત્સ્ય (જીભ ની ઇન્દ્રિય) વગેરે તો પોતાની એક એક ઇન્દ્રિયના વિષયોના લાલચ-રૂપી અનર્થથી માર્યા જાય છે,તો પછી,તું કે જે,આવા સઘળા વિષયોની લાલચો-રૂપી-સર્વ અનર્થો થી વ્યાપ્ત છે-તો તને કેમ સુખ મળે?જેમ,કોશેટાનો કીડો,પોતાની લાળ ને પોતાના,બંધનને માટે જ બનાવે છે-તેમ,તેં વાસનાઓની જાળને પોતાના બંધન માટે જ ફેલાવેલી છે.

Mar 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-454

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે વનમાં ચિંતા ને પરવશ થયેલો ઉદ્દાલક બ્રાહ્મણ,તે ગુફામાં બેસીને,વારંવાર ધ્યાનનો,અભ્યાસ કરવા લાગ્યો,
પણ,અભ્યાસ કરવા છતાં પણ,તેનું વાંદરા જેવું ચંચલ મન,વિષયોમાં ખેંચાવાને લીધે,તેને પ્રીતિ આપનારી સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઇ નહિ.
અને (વળી) કોઈ સમયે,બહારના વિષયોના સ્પર્શોનો ત્યાગ થયા પછી સમાધિમાં પ્રવેશ કરવાના સમયમાં,તે મુનિનો તે,ચિત્ત-રૂપી વાંદરો,રજોગુણથી ક્ષોભ પામીને,અરુચિ-આળસ-વગેરે ઉદ્વેગોને પ્રાપ્ત થવા લાગ્યો.

તો,કોઈ સમયે તે મુનિનું ચિત્ત,હ્ર્દયાકાશમાં ઉગેલા સૂર્ય જેવા તેજને જોઇને -વળી પાછું,વિષયોમાં દોડી જવા લાગતું,અને,કોઈ સમયે તેનું ચિત્ત અજ્ઞાન-રૂપી અંધકારનો સહેજ ત્યાગ કરીને,વળી પાછું તરત જ (ચિત્તમાં) વિષયોની વાસના,જાગ્રત થવાને લીધે,વિષયોમાં લંપટ થઇને ત્રાસ પામેલા,પક્ષીની જેમ છટકી જવા લાગતું.

Mar 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-453



(૫૧) શાંત-પદમાં શાંતિ ઇચ્છનાર ઋષિ ઉદ્દાલક
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, ચિત્તની વૃત્તિઓ કે જેઓ પરલોકના વિષયો સુધી પણ પહોંચી શકે તેવી લાંબીલાંબી છે,વળી,આ ચિત્તની તે વૃત્તિઓ વાસનામય હોવાને લીધે-સુક્ષ્મ છે,તેથી -જો સમાધિમાં જરાક પ્રમાદ થઈ જાય તો-સમાધિના સુખને કાપી નાખે  તેવી અત્યંત તીક્ષ્ણ છે-માટે તે ચિત્તની વૃત્તિઓમાં પ્રમાદથી વિશ્વાસ રાખશો નહિ. હે,નીતિના વિષયમાં પ્રવીણ રામ,ઉત્તમ કુળમાં તમને આ શરીર મળ્યું છે -વળી, આત્મા-ના પરિચય વાળી બુદ્ધિ તમને પ્રાપ્ત થઇ છે,તેને વિવેક થી પોષણ આપી અને તેનું રક્ષણ કરજો.

Mar 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-452

સંસાર-સંબંધી અનેક દુઃખદાયી કડાકૂટ કર્યા કરતો,આત્મજ્ઞાન વિનાનો પુરુષ,ભલે,ધરતી પર ધામધૂમથી ફરતો હોય,તો પણ તે શબ જ ફરે છે તેમ સમજવું.જીવતો તો કેવળ આત્મવેત્તા પુરુષ ને જ સમજવો.
કારણકે-ચિત્તની ચંચળતા વધી જતાં,આત્મવેત્તા-પણું દૂર જતું રહે છે.
એટલે જ-પ્રાપ્ત થયેલા ભોગોના તિરસ્કારથી -અને- નહિ પ્રાપ્ત થયેલા વિષયો (ભોગો) ની તૃષ્ણાના ત્યાગથી,સમજુ પુરુષે,ધીરેધીરે મનને સુકાઈ ગયેલા પાંદડાંની જેવું દુર્બળ કરી નાખવું.

Mar 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-451

દેહ પડતાં સુધી (મૃત્યુ સુધી) એકનિષ્ઠા રાખીને,વર્તમાન સ્થિતિમાં તથા ભવિષ્ય સ્થિતિમાં પણ પોતાના "અખંડ-જ્ઞાન-સ્વ-રૂપ"ના અનુસંધાનમાં જ તત્પર રહો.
બાળપણમાં,યૌવનમાં,વૃદ્ધાવસ્થામાં,સુખ-દુઃખમાં,અને જાગ્રત,સ્વપ્ન સુષુપ્તિ જેવા સમયમાં,પણ,સ્વ-રૂપ ના અનુસંધાનમાં જ તત્પર રહો.
બાહ્ય-વિષયો-રૂપી મેલનો ત્યાગ કરી,મન નો અત્યંત નાશ કરી નાખી,અને આશાઓ-રૂપી-પાશને અત્યંત કાપી નાખીને---સ્વ-રૂપના અનુસંધાનમાં જ તત્પર રહો.
આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે-એવી ભેદ-દૃષ્ટિ દૂર કરીને સાર-ભૂત સ્વ-રૂપના અનુસંધાનમાં જ તત્પર રહો.

Mar 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-450

જેમ ઘડાનું આકાશ ઘડાની અંદર જ રહે છે,અને જેમ ઘડાનો નાશ થયા પછી,ઘડાનું આકાશ રહેતું નથી,
તેમ,ચિત્ત નો નાશ થઇ જાય પછી સંસાર રહેતો નથી.
ચિત્ત-રૂપી-ઘડાની અંદર જ રહેલું,અનેક જન્મ-મરણોથી ભરેલું અને અનાદિ સંસાર-રૂપી-જે આકાશ છે,
તેનો ચિત્તના નાશથી નાશ કરી નાખીને,તમારા સ્વ-રૂપ-ભૂત-બ્રહ્મ-રૂપી આકાશ (મહાકાશ) માં પ્રવેશ કરો.

Mar 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-449


જો કે,તત્વજ્ઞાન માં આગળ વધેલા વાસના વિહીન વિદ્વાન ને "સર્વ જગત હું છું" એવો અહંકાર રહે છે,તો પણ તે અહંકારથી તેની ખરાબી થતી નથી,કારણકે,એ વિદ્વાન,"પદાર્થો ના ભિન્ન-ભિન્ન-પણા-રૂપ-અનર્થ ની ભાવના"ને સ્વીકારતો નથી.
તેથી તુંબડું જેમ પાણીમાં ડૂબી જતું નથી,તેમ તે સુખ-દુઃખો ના વિલાસોવાળા ભ્રમોના પ્રકારો માં ડૂબી જતો નથી.

જયારે,હે,ગાધિ,તું તો હજી વાસનાઓની જાળથી ઘેરાયેલા ચિત્ત-વાળાઓ જેવો છે,અને યોગ્ય સમજણ વિનાનો છે,એટલે,તું સ્વ-રૂપમાં સ્થિર થયો છે એમ કહી શકાય નહિ.વળી,તને હજુ સુધી "પૂર્ણ જ્ઞાન" થયું નથી,એટલે તું તારા મનના ભ્રમ નું નિવારણ કરી શકતો નથી.જેથી, તારા મન (ચિત્ત) માં જયારે ભ્રમનો આભાસ ઉભો થાય છે ત્યારે,તે આભાસ આગળ તારું કંઈ ચાલતું નથી.

Mar 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-448

વર્ષો-કલ્પો અને યુગો-વગેરે-રૂપ જે આ લૌકિક કાળ છે-તે તો સૂર્ય આદિ-ગ્રહોની ગતિ પરથી કલ્પાયેલો છે.
અને તે (લૌકિક કાળ) ઉપરથી પદાર્થોના પ્રતિબંધો અને ઉદય કલ્પાયેલા છે.
જેઓનાં ચિત્તોને ભ્રાંતિ થઇ હતી તેવા -ભૂતમંડળનાં અને કીરદેશનાં માણસોને,સૌને સમાન (એક પ્રકાર નો જ) પ્રતિભાસ થવાથી,તેમણે તારો ચાંડાળ-પણાનો આડંબર જોયો અને તે આડંબરનો અંત પણ જોયો હતો.
હે,ગાધિ,હવે તું વર્ણાશ્રમ સંબંધી પોતાનાં કર્મોમાં તત્પર રહીને,બુદ્ધિથી આત્માનો વિચાર કરજે,અને મનના મોહને ત્યજી દઈને અહીં જ રહેજે.

Mar 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-447

(૪૯) ગાધિ બ્રાહ્મણ જીવનમુક્ત થયો-આખ્યાનની સમાપ્તિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,વિષ્ણુ ભગવાન પધારી ગયા પછી,પણ તે ગાધિ બ્રાહ્મણ પોતાના મોહનો ફરી વિચાર કરવા લાગ્યો અને ફરીવાર અનુક્રમથી તે ભૂતમંડળ અને કીરદેશમાં ફરવા લાગ્યો અને ફરીથી પણ તેને એ જ વૃતાંત લોકો પાસેથી સાંભળવામાં આવ્યું.એટલે તે ફરીથી મૂંઝાઈ ગયો,અને તેથી તે,ફરીવાર પર્વતની ગુફામાં રહીને વિષ્ણુનું આરાધન કરવા લાગ્યો.

Mar 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-446

વિષ્ણુ ભગવાન કહે છે કે-હે,ગાધિ.તત્વને નહિ જાણનારા,અને પોતાનામાં રહેલા વાસનાઓ-રૂપી રોગથી પકડાયેલા ચિત્તનું જ એ રૂપ (ભ્રાંતિ) છે,કે જે મોટા જગતના ભ્રમ-રૂપે તારા જોવામાં આવે છે.
આ સઘળું ચિત્તનું જ રૂપ છે,તેથી તે બહાર પણ નથી,અંદર પણ નથી,લાંબુ પણ નથી કે ટૂંકું પણ નથી. સઘળા પૃથ્વી-વગેરે પદાર્થો, ચિત્તમાં જ છે અને ચિત્તમાંથી જ પ્રગટ થાય છે.

જેમ,વાત્વિક રીતે,પાંદડાં અને ફળ આદિ પદાર્થો અંકુરમાં જ છે,અંકુરની બહાર નહિ,તેમ,વાસ્તવિક રીતે પૃથ્વી-આદિ પદાર્થો ચિત્તમાં જ છે,ચિત્ત ની બહાર કદી પણ નથી.જેમ,કુંભાર ઘડાને બનાવે છે અને ફોડી પણ નાખે છે,તેમ,ચિત્ત જ આ જગતને બનાવે છે અને નષ્ટ પણ કરી નાખે છે.

Mar 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-445

વસિષ્ઠ કહે છે-કે-હે,રામ,તે પછી,તે ગાધિ ત્યાંથી 'ભૂતમંડળ' દેશના સીમાડા પાસે ગયો.અને ત્યાં તેને,પોતે જે સ્વપ્નમાં જોયું હતું તેવું જ સર્વ જોવામાં આવ્યું.તેણે ત્યાં ચાંડાળોનું ફળિયું જોયું,અને ત્યાંથી આગળ જઈને તે ગામમાં ગયો,ત્યાં જઈને તેણે લોકોની પાસે પૂછપરછ કરવા માંડી.

ગાધિ પૂછે છે કે-આ ગામની પાસેના બહારના ભાગમાં પૂર્વે એક ચાંડાળ રહેતો હતો,તેના વિષે તમને ખબર છે? ત્યારે ગામના લોકોએ,જે રીતે ગાધિએ જે રીતે સ્વપ્ન જોયું હતું તે જ રીતનું તે "કટન્જ" ચાંડાળ નું વર્ણન કર્યું.

વસિષ્ઠ કહે છે કે-આ પ્રમાણે,વારંવાર લોકોને પૂછ્યા કરતો એ ગાધિ બ્રાહ્મણ એક મહિના સુધે એમ ને એમ ફર્યા કર્યો.પણ સર્વ ના મુખે થી ચાંડાળ વિશેનું એ જ વર્ણન સાંભળતો રહ્યો.અને એ વર્ણન ને લગતા કેટલાક પદાર્થો ને સારી રીતે ઓળખીને અત્યંત લજ્જા પામેલો અને લાજને લીધે,મનની વાત મનમાં જ છૂપાવતો તે ગાધિ અત્યંત વિસ્મય ને પ્રાપ્ત થયો,કે જે વિસ્મય કલંક ની પેઠે હૃદયમાં ડંસી રહ્યું.

Mar 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-444

(૪૭) ગાધિ અને અતિથિનો સમાગમ તથા પ્રત્યક્ષ અનુભવ
વસિષ્ઠ કહે છે કે-હે,રામ, જેમ સમુદ્રના કિનારા ની સમીપ થતી,ભરતી ની પ્રબળ ચકરી,બે ઘડી વારમાં ભ્રમણ થી શાંત થઇ જાય છે,તેમ,એ ગાધિ બ્રાહ્મણ,મહા-પીડા-કારી ચિત્તના ભ્રમણથી બે ઘડી-વારે શાંત થયો.તે ગાધિ નો ભ્રમ શાંત થતા તે ધીરે ધીરે જાગ્રત થયો.અને-"હું તળાવમાં નહાવા માટે ઉતરેલો ગાધિ છું અને આ તર્પણ-વગેરે મારે કરવાનું છે,રાજ્ય નહિ"એમ તે જોવા લાગ્યો.પોતાના ગાધિ-પણા નું સ્મરણ થતાં-"હું થાકી રહ્યો હતો,તેને લીધે ક્ષણવારમાં આ મોટો ભ્રમ મારા જોવામાં આવ્યો" એમ જાણીને તે જળમાંથી બહાર નીકળ્યો,અને તળાવના કાંઠે બેસીને ચિંતવન કરવા લાગ્યો-

Mar 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-443

તે ચાંડાળ(ગાધિ) સોળ વર્ષનો થયો ત્યારે અસંખ્ય મૃગો નો શિકાર કરીને પોતાની આજીવિકા ચલાવવા માંડ્યો,સમય આવ્યે-તેને એક ચાંડાળી ની જોડે લગ્ન કર્યું.અને તેની સાથે વનોમાં વિહાર કરવા લાગ્યો.અને સમય જતાં,તેમને - વિષમ ચરિત્રવાળા પુત્રો ઉત્પન્ન થયા.

જયારે તે ચાંડાળ (ગાધિ) ઘરડો થયો ત્યારે તે પોતાના દેશમાં પાછો આવીને ઝુંપડી બાંધીને રહ્યો.પણ એક વખત ભારે પવન વાળો વરસાદ થતાં,તે ચાંડાળનું સઘળું કુટુંબ (સ્ત્રી-પુત્ર) મરણ ને વશ થઇ ગયું.આમ,(ગાધિની) ભ્રાંતિથી થયેલા અને "કટન્જ" નામથી ઓળખાતો એ ચાંડાળ દુઃખોથી દૂબળો થઈને,તથા સુખની આશા છોડીને  રોતો રોતો જ -પોતાનો દેશ છોડીને વનમાં ભટકવા લાગ્યો.

Mar 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-442

(૪૪) ગાધિ બ્રાહ્મણનું આખ્યાન-વિષ્ણુના વરદાનથી માયાનું દર્શન
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,અપાર ભ્રાંતિઓ ને ઉત્પન્ન કરનારી આ "સંસાર" નામની માયા,
પોતાના ચિત્તને જીતવાથી જ નાશ પામે તેમ છે.બીજા કોઈ પ્રકારે નાશ પામે તેમ નથી.
આ જગત-રૂપી માયાના પ્રપંચની વિચિત્રતા સમજાવવા માટે હું એક ઈતિહાસ કહું છું તે તમે સાંભળો.

આ પૃથ્વી પર કોસલ નામનો એક દેશ છે તેમાં ગાધિ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો.
એ ગાધિ બ્રાહ્મણ પોતાના ચિત્તમાં કોઈ ઇષ્ટ કાર્ય નો નિશ્ચય કરીને,બંધુઓના સમૂહમાંથી નીકળી જઈને તપ કરવા સારું વનમાં ગયો.વિષ્ણુ નું પ્રત્યક્ષ દર્શન મળે નહિ,ત્યાં સુધી તપ કરવાનો સંકલ્પ કરીને,એ તળાવના જળમાં કંઠ સુધી ડૂબીને બેઠો.આમ તપ કરતાં કરતાં આઠ મહિના વીતી ગયા,ત્યારે વિષ્ણુ ભગવાન પધાર્યા અને તેમણે કહ્યું કે-

Mar 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-441

હે,રામ, તમે,વિચાર તથા ઉપશમથી યુક્ત રહીને પોતાન ચિત્તનું જ આરાધન કરો.
જો ચિત્ત નિર્મળ થયું હોય તો-તમે નિર્મળ દશા-વાળા છો,અને જો ચિત્ત નિર્મળ ના થયું હોય તો,તમે જંગલી પશુ જેવી દશા-વાળા છો.
જેમ,વિષ્ણુ-આદિ,દેવતાઓ ની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે તેવી,પોતાના ચિત્તની જ નમ્રતાપૂર્વક પ્રાર્થના શા માટે કરવામાં આવતી નથી? સર્વ લોકો ની અંદર રહેલો જે આત્મા છે તે જ વિષ્ણુ છે,માટે તેને છોડી દઈને જેઓ બહારના વિષ્ણુ માટે દોડે છે-તેઓ અધમ મનુષ્યો જ કહેવાય છે,

Mar 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-440

વસિષ્ઠ કહે છે કે-પ્રહલાદને પ્રહલાદ ના આત્માએ,પોતે-પોતાની મેળે જ-
પોતાની ઉત્તમ "શક્તિ"થી વિષ્ણુ ની "ભક્તિ"માં જોડ્યો હતો.
પ્રહલાદે વિષ્ણુ-રૂપ પોતાના આત્માની પ્રેરણા થી જ પોતાના મનને પોતાની મેળે,"વિચાર"માં જોડીને,પોતાનું સ્વ-રૂપ (જ્ઞાન) જાણ્યું હતું.

જેમની પાસેથી વરદાન મેળવ્યું તે વિષ્ણુ,પ્રહલાદના આત્મા થી જુદા ન હતા.
આત્મા-કોઈ સમયે,પોતાના પ્રયત્ન થી કરેલા વિચારના બળથી (શક્તિ થી) પોતાના સ્વ-રૂપ ને જાણે છે-
અને -કોઈ સમયે,ભક્તિ-રૂપ (શક્તિથી) પ્રયત્નથી વિષ્ણુ-રૂપ દેહને મેળવીને-તે દ્વારા-પોતાના સ્વરૂપને જાણે છે.વિષ્ણુ ને લાંબા કાળ સુધી આરાધવામાં આવ્યા હોય (એટલે કે-ભક્તિ કરી હોય) અને તે બહુ પ્રસન્ન થયા હોય,તો પણ "વિચાર" વિનાના પુરુષને તે "જ્ઞાન" આપી શકતા નથી.

Mar 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-439

હે,રામ,પ્રારબ્ધ-કર્મ ભોગવવાનાં બાકી હોય તો,જીવનમુક્ત પુરુષો,પોતાની અંદર રહેલી "શુદ્ધ વાસના" ને લીધે,હજાર વર્ષો ના અંતે, પણ સમાધિમાંથી જાગ્રત થાય છે.અને એટલે આ આ રીતે પ્રહલાદ,પોતાની અંદર રહેલી શુદ્ધ-સાત્વિક વાસનાને લીધે વિષ્ણુ ના શંખ-નાદથી જાગ્રત થયો હતો.જો કે-શ્રવણ-ઇન્દ્રિય (કાન) લીન થવાને લીધે,શંખના શબ્દ નું ગ્રહણ થવાનો સંભવ નહોતો,તો પણ,વિષ્ણુ ના સંકલ્પ ને લીધે,તે પ્રમાણે થયું હતું.

વિષ્ણુ ભગવાન પોતે સત્ય-સંકલ્પ છે, માટે,તે જેમ ધારે તે પ્રમાણે -પ્રાણીઓ માટે તરત જ થાય છે.(આગળ આવી ગયું તેમ) એમનો સંકલ્પ જ સર્વ જગતના કારણ-રૂપ છે.વિષ્ણુ એ જયારે "પ્રહલાદ સમાધિમાંથી જાગ્રત થાઓ" એમ જયારે સંકલ્પ કર્યો-ત્યારે પળવારમાં જ પ્રહલાદની શુદ્ધ વાસના જાગ્રત થઇ અને ઇન્દ્રિય-આદિની સગવડ થઇ ગઈ.

Mar 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-438

વિષ્ણુ કહે છે કે-આત્મા ને દેહાદિ થી ન્યારો સમજી,અહંતા-મમતા ને ત્યજી દઈને,અને લાભ-હાનિમાં સમાન દૃષ્ટિ રાખીને,તું વ્યવહાર સંબંધી કર્યો કરીશ,તો તેઓથી લેપાઇશ નહિ.
તેં સંસારની સઘળી પદ્ધતિઓ જોયેલી છે,અને પરમ-પદનો પણ અનુભવ કર્યો છે,માટે જે જાણવાનું છે તે તું જાણી ચૂક્યો છે,તો હવે તને બીજો શું ઉપદેશ કરવો?

રાગ-ભય-ક્રોધથી રહિત થયેલો તું રાજ્ય કરીશ,એટલે હવે દૈત્યોને દેવો પર દ્વેષ-રૂપી ગાંઠ રહેશે નહિ,
અને તેવી જ રીતે દેવોને દૈત્યો પર દ્વેષ-રૂપી ગાંઠ રહેશે નહિ.આજથી માંડીને દૈત્યોની અને દેવતાઓની વચ્ચે લડાઈઓ નહિ થવાને લીધે,સઘળું જગત,સ્વસ્થ થઈને રહેશે.

Mar 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-437

પ્રહલાદ કહે છે-કે-એ નિર્મળ પદમાં મારી સ્થિતિ થઇ હતી,એ પણ કહેવા માત્ર જ છે,કારણકે તેનાથી હું ભિન્ન જ નથી.હે.પ્રભુ,"હાય ! હું આ સંસારની ખટપટ થી કાયર થઇ ગયો છું,માટે સંસારનો ત્યાગ કરું છું"એવી ચિંતા,કે જે હર્ષ-શોક-ભય-આદિ વિકારોને આપનારી છે તે તો અજ્ઞાનીઓને જ થવી સંભવે.વળી -"દેહના હોવાથી જ દુઃખ છે"એવી ચિંતા-રૂપી-ઝેરી-નાગણ,પણ તેવા મૂર્ખને જ કરડે.

"આ સુખ છે,આ દુઃખ છે,આ વસ્તુ મારી પાસે છે અને આ વસ્તુ મારી પાસે નથી" એવી રીતે હિલોળા ખાતું,ચિત્ત મૂઢ મનુષ્યો ને જ દુઃખી કરે છે,પણ પંડિતો (જ્ઞાની) ને દુઃખી કરતુ નથી.જેઓએ  તત્વજ્ઞાનને દુર જ રાખેલું હોય છે,એવા મૂઢ પ્રાણીઓને જ "હું જુદો છું અને એ જુદો છે" એવી વાસના રહ્યા કરે છે."આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે"એવી રીતની મિથ્યા મનની ભ્રાંતિ,જેમ મૂરખને ઘેલો કરી દે છે,તેમ જ્ઞાની ને,તે (ભ્રાંતિ) કદી ઘેલો કરી શકે નહિ.