Apr 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-792



હે રાજા,સર્વવ્યાપી એ પરમ-તત્વ જ "એક" સાર-રૂપ છે.એ પરમતત્વ ચૈતન્યમાત્ર,આનંદરૂપ અને બીજું કંઈ પણ ના હોવાથી,"એક" સંખ્યા પણ તેમાં ઘટતી નથી.માટે તે અક્ષય-આત્મ-તત્વ જ પૂર્ણ રીતે ચારે તરફ ભરપૂર થઈને સર્વત્ર શોભી રહ્યું છે.બીજી કોઈ પણ કલ્પના તેમાં (પરમતત્વ માટે) છે જ નહિ.
સદા-કાળ એ આત્મતત્વ જ સર્વરૂપ હોવાથી,કેમ જાણે સર્વને આકારે થઇ રહ્યું હોય તેમ ભાસે છે.

Apr 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-791

કુંભમુનિ કહે છે કે-હે રાજા,અજ્ઞાનરૂપ નિંદ્રામાંથી તમે હવે જાગ્યા છો,અને પરમ પુરુષાર્થ-રૂપ બ્રહ્મમાં જ શાંત થયા છો.હવે તમને "દૃશ્ય પદાર્થો ના દેખાય કે તે આભાસમાત્ર દેખાય" એ બંનેનું કશું પ્રયોજન નથી.
એક વખતમાં જ તમને આત્માનો અનુભવ થાયથી,દ્વૈતની ભ્રાંતિ મટી ગઈ છે.(કે જે અનિષ્ટ કરનાર હતી) દૃશ્ય પદાર્થો વિનાના થઈને હવે,તમે જીવનમુક્ત થયા છો.

Apr 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-790

જો તે બ્રહ્મ,તર્કમાં પણ ના આવી શકે તેવું,પૂરી રીતે જાણી ના શકાય તેવું,
નિર્વિકાર,શાંત અને સુખ-રૂપ છે,તો પછી,તેનામાં  શી રીતે? કયા કાળમાં? અને શાથી? કર્તા-પણું તથા ભોક્તાપણું ઘટી શકે?
આ જગત-આદિ કોઈનું બનાવેલું નથી,તેથી તે છે જ નહિ,અને તમે પણ (બ્રહ્મની જેમ) કર્તા-ભોક્તા નથી,માટે,આ સર્વ (દેખાતું જગત અને સર્વ) જન્મ-આદિ વિકાર વગરનું,સુખ-રૂપ,શાંત પરબ્રહ્મ-સ્વરૂપ જ છે.

Apr 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-789

કુંભમુનિ કહે છે કે-જેમ બહુ ઠંડી પડવાથી જળ,બરફ બની પથ્થર જેવું થાય છે,તેમ આ જગત-રૂપી-ભ્રમ મિથ્યા છતાં,સૃષ્ટિ-કર્તા-હિરણ્યગર્ભનું,
સત્ય-સંકલ્પ-પણું હોવાથી તેમના સંકલ્પ માત્રથી જ દૃઢ થઇ જઈને,
તમારા કહેવા પ્રમાણેની ઉપરની ક્રિયાઓ કરે છે.જન્મ-મરણ આદિ દુઃખ પણ ઉત્પન્ન કરે છે માટે,જ્ઞાન ઉત્પન્ન થવાના ક્રમ વડે,અજ્ઞાન શિથિલ  થઇ જવાથી,
આ દેખાતો સંસાર પણ શિથિલ થઇ જઈ અજ્ઞાન સાથે જ નાશ પામી જાય છે.એમ જ્ઞાનવાન પુરુષો સમજે છે.

Apr 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-788

શિખીધ્વજ કહે છે કે-હાથ-પગ આદિ અવયવો-વાળા અને નિત્ય અનુભવમાં આવતા આ શરીરનું કારણ -તેના પિતા શા માટે નથી?

કુંભમુનિ કહે છે કે-જે પદાર્થ (દેહ-આદિ) ની સત્તા જ નથી,તેનું કારણ તેના પિતા પણ ક્યાંથી હોઈ શકે? જે પિતાને તમે કારણ ગણો છો-તે પિતાનું પણ કોઈ કારણ નથી,એટલે તે પણ મિથ્યા છે અને મિથ્યા પદાર્થમાંથી જે થાય તે સત્ય કેમ હોઈ શકે? સર્વ પદાર્થો અને કાર્યોનું -જે કારણ છે તે બીજ કહેવાય છે.અને તે બીજ વિના અંકુર પેદા થતો નથી,માટે જે કાર્યનું અહી કાંઇ પણ કારણ દેખાતું ના હોય-તે પદાર્થ,બીજ ના હોવાને લીધે,પોતે છે જ નહિ,એટલે તે જે દેખાય છે તે ભ્રમ (ભ્રાંતિ) છે.

Apr 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-787

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,જ્ઞેય (પરમાત્મા)ને આધારે સ્ફૂરેલાં,આ દ્રશ્ય-દર્શન (જગત) નું કારણ શોધવા જતાં,દેહ-આદિ-સર્વ પદાર્થોની પોતાની સત્તા જ તેના કારણ-રૂપ જણાય છે,
કેમ કે-જો એ દેહ-આદિ પદાર્થો (હકીકતમાં નજરે દેખાય તેવાં) હોય, તો જ તેનું જાણવું બની શકે(કે જણાઈ શકે) તથા જ્ઞેય-જ્ઞાન કે દર્શન-દૃશ્ય-આદિ વિભાગ પડી શકે.

Apr 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-786

જેમ સર્વનું અધિષ્ઠાન આકાશ (પરમાત્મા) હોવાથી,
કોઈ મોટું વૃક્ષ આકાશમાં (કલ્પનાથી) રહ્યું હોય,
તેમ આ ચૌદ લોક-વગેરેની સ્થિતિના આધાર-રૂપ અને
સર્વ વિષયો (શબ્દ-વગેરે)ના કારણ-રૂપ-બ્રહ્માંડ-વગેરે જડ-વર્ગ પણ
એ પરમાત્મામાં જ આરોપિત દ્રષ્ટિથી રહેલો છે,એટલે તે સર્વની સત્તા પરમાત્માની સત્તાથી જુદી પાડી શકાતી નથી.આ રીતે હું અહંકાર-રૂપી-મેલને દૂર કરવાનો ઉપાય જાણું છું,છતાં,અંદર જે સાક્ષી-ચૈતન્ય છે તેને હું ઓળખી શકતો નથી,તેથી મારા મનને બહુ દુઃખ થાય છે.

Apr 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-785

પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી જોવામાં આવે તો-"જીવ" (અહીં આત્મા) આકાશના જેવો અસંગ અને શૂન્ય-રૂપ છે,તથા પાષાણની જેમ "ના કાપી શકાય તેવો" (અચ્છેદ્ય) અને "બાળી ના શકાય તેવો" (અદાહ્ય) છે.
માત્ર તે "સાક્ષી-રૂપ" હોવાથી જે જે ચિત્તના ધર્મનો સંબંધ (જેમ કે શરીર-વગેરે) માં તે આત્મા દેખાય છે-તે-ભ્રાંતિ વડે મિથ્યા (ખોટો જ) "કલ્પાયેલો" છે.

Apr 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-784



કુંભમુનિ કહે છે કે-હે શિખીધ્વજ રાજા,વાસના જ ચિત્તનું સ્વરૂપ છે-એમ તમે સમજો.તે ચિત્તનો ત્યાગ અતિ સહેલો છે,અને નિમેષ (આંખના પલકારા) ના કરતાં પણ ઓછા સમયમાં સુખેથી સાધી શકાય તેવો છે.
જેમ,કોઈ પામર પ્રાણીને,સામ્રાજ્ય મેળવવું અતિ-મુશ્કેલ લાગે,અને જેમ તૃણનું મેરુ-પણું થવું મહામુશ્કેલ લાગે,
તેમ,મનનો ત્યાગ પણ મૂર્ખ માણસને,મહા-કષ્ટ વડે સાધી શકાય તેવો મુશ્કેલ લાગે છે.

Apr 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-783

જેમ,રાજ્ય-વન-મૃગચર્મ-ઝુંપડી-વગેરે સર્વ વસ્તુઓનો ત્યાગ કર્યાથી,
કેવળ તમે પોતે જ (તમારો દેહ જ) એક માત્ર બાકી રહ્યા છો,
એવું તમે (ખોટી રીતે) માનતા હતા,
તેમ,આ સર્વ અંદરના (ચિત્તના) અને બહારના પદાર્થોનો ત્યાગ કર્યાથી,
એક માત્ર જ્ઞાન-રૂપ શુદ્ધ પરમાત્મા જ બાકી રહે છે.જેમ સર્વ વસ્તુઓને બાળી મૂકી બાકી રહેલા તમે તમારા પોતાના સ્વ-રૂપથી જુદા નથી,તેમ,સર્વનો ત્યાગ કરતાં અવશેષ રહેલા પરમાત્મા પોતે પણ કોઈ મોક્ષથી જુદા કહી શકાતા નથી.

Apr 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-782

સર્વ પ્રાણીઓના પ્રસિદ્ધ ઉપભોગોનો,
જરા-મરણ-આદિ દેહધર્મોનો,તથા મહાત્માઓમાં રહેનાર
શમ-દમ-આદિ શુભ ગુણોનો પણ (તેવી ગાઢ વાસનાવાળું) ચિત્ત જ આશ્રય છે.
શાંતિને નહિ પામેલું,એ ચિત્ત જ-
અંદર મનન કરવાથી "મન"રૂપે અને પ્રાણોને ચલાવવાની ચેષ્ટાથી
"જીવ"રૂપે થઇ,બહાર અનેક દેહ-આદિ આકારો વડે (તે જ ચિત્ત) "જગત"રૂપે સ્ફુરે છે.
એ ચિત્ત જ,પોતાના સંકલ્પ-વિકલ્પ-આદિ વ્યાપારમાંથી વિરામ પામવાને લીધે,
"બુદ્ધિ-મહત્તત્વ-અહંકાર-પ્રાણ-જીવ" વગેરે (તેમની ક્રિયાઓને અનુરૂપ) થી કહેવામાં આવે છે.

Apr 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-781

કુંભમુનિ કહે છે કે-હે રાજા,જેમ કોપેલો સાંઢ,પોતાના અપરાધ વિનાના વાછરડાને જ મારે,તેમ તમે અજ્ઞાનથી આ નિરપરાધી દેહનો ભૃગુપાત કરવાને (મરવાને માટે) શા માટે તૈયાર થયા છો? એ તુચ્છ દેહ તો જડ અને ક્રિયા વગરનો છે,અને (તેમ છતાં પણ) તપ કરવામાં ઉપયોગી પણ થયેલો છે.એણે,તમારો કોઈ જાતનો અપરાધ કર્યો નથી,માટે તે શરીરનો નકામો ત્યાગ કરો નહિ.જેમ,(પાણીમાં રહેલા) જડ લાકડાને (પાણીનો) તરંગ હલાવે છે,તેમ એ જડ દેહને બીજો જ કોઈ પ્રવૃત્તિ કરાવે છે.એ બીજો જ કોઈ પ્રેરણા કરીને દેહને હેરાન કરે છે,માટે વારંવાર બળાત્કારથી એ દેહ જ દંડને પાત્ર થાય છે.

Apr 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-780



તે રાજાએ,પોતાનો સર્વ સામાન (મૃગચર્મ-પાત્ર-વગેરે) એક જગ્યાએ એકઠો કર્યો,અને સૂકાં લાકડાંથી દેવતા સળગાવ્યો,અને સર્વ સામાન તે અગ્નિમાં નાખી પોતાના આસન પર જઈને બેઠો.
પોતાની રુદ્રાક્ષ-માળાને પણ અગ્નિમાં પધરાવી દીધી.અને મનથી વિચારવા લાગ્યો કે-
"જે કંઈ ત્યાગ કરવાને યોગ્ય હોય તેણે તરત જ ત્યજી દેવું યોગ્ય છે,કેમકે જો તે (પાત્ર-આસન-વગેરે) હશે તો વળી બીજા પણ તેણે અનુકુળ પદાર્થો ભેગા થશે કારણકે એક ઉપાધિ હોય તો બીજી ઉપાધિ વધી જવાની,
એવી આ લોકની રીતિ છે-માટે બધું અગ્નિ એક જ વખતે બાળી નાખે તો મને સંતોષ થશે.હું નિષ્ક્રિય-પણું પામવા માટે આ સઘળો કર્મ કરવાનો સામાન ત્યજી દઉં છું."

Apr 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-779

પણ ત્યારે તે અજ્ઞાન (મહાવત)ની શિથિલ અવસ્થામાં તમે "ચિત્ત-ત્યાગ-રૂપી-મહાખડગ" વડે,તેને મારી નાખ્યું નહિ,એટલે તેણે ફરીવાર ઉભા થઈને,પોતાના પરાભવને સંભાળીને,અતિ ઊંડી એવી  "તપ-કરવાના-પ્રપંચ-રૂપી-ખાઈ"માં તમને નાખી દીધા.
હાથીના શત્રુ મહાવતે (અજ્ઞાને) ચારે તરફ ખાઈનું કુંડાળું કરી દીધું એમ જે કહેવામાં આવ્યું છે,તે અજ્ઞાને "તપનાં અસંખ્ય દુઃખો વડે ચોતરફ તમને વીંટી લીધા" તેવો કહેવાનો આશય છે.

Apr 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-778

હે શિખીધ્વજ રાજા,હવે "મને સ્ફટિકનો કકડો નહિ પણ ચિંતામણિ મળ્યો છે" એમ તમે પૂરી રીતે સમજ્યા હશો.
ઉપર પ્રમાણે,ચિંતામણિ મેળવવાના પ્રયત્નના જેવું વૃતાંત મેં તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવ્યું.તેમાંથી જે સારી રીતે સમજવાનું છે-તે તમે પોતાની મેળે બરાબર સમજી લઇ,જે તમને નિર્દોષ જણાય, તેને જ પોતાના ચિત્ત-રૂપી-ખજાનામાં દૃઢ રીતે ધારણ કરો.

Mar 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-777

તે અહંકારને લીધે-
"આ પરમ આનંદ આપનાર તથા મોટો ઉદય કરનાર સર્વ-ત્યાગ (કે જે મેં કરેલો છે તે) નથી,પરંતુ એ પરમ આનંદને આપનાર સર્વ-ત્યાગ કોઈ બીજા જ પ્રકારનો છે,કે જે ઘણા કષ્ટથી મળતો હોવાથી લાંબે કાળે સિદ્ધ થાય એવો છે."
એવું તમારા મનમાં આવ્યું.એટલે જેમ,વાયુના ઝપાટાથી વનમાં વૃક્ષોનું હલનચલન થવા માંડે છે,તેમ,તમારા ચિત્તમાં (ઉપર કહ્યા મુજબ) ચિંતા થવાથી,રાજ્ય-વગેરેનો ત્યાગ ઉડીને ક્યાંય જતો રહ્યો છે.

Mar 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-776

થોડાક જ દિવસોમાં એ હાથી વનમાં ફરતાં ફરતાં એ ખાઈમાં જઈને પડ્યો.અને હજુ પણ એ ખાઈમાં દુઃખ વડે પોતાના દહાડા કાઢે છે.જો એ હાથીએ પોતાની પાસે પડેલા મહાવતને તે વખતે જ મારી નાખ્યો હોત તો,પોતાને ફરીવાર ખાઈમાં પડી જઈને,જે દુઃખ સહેવું પડ્યું,તે દુઃખ સહેવું પડત નહિ.
જે પુરુષ અજ્ઞાનના લીધે,વર્તમાન કાળના પુરુષ-પ્રયત્નના ક્રમ વડે ભવિષ્યકાળને સુધારતો નથી,એટલે કે,ભવિષ્યમાં પોતાને,પાછું દુઃખ આવી ના પડે,એવો વિચાર આગળથી જ નથી રાખતો,તે આ હાથીની જેમ દુઃખી થાય છે. "હું સાંકળોરૂપી બેડીમાંથી છતો થયો છું" એમ સમજી હાથી પ્રસન્ન થઈને દુર જતો રહ્યો હતો,
પણ,પાછો તે જ મહાવતના બંધનમાં સપડાઈ ગયો,કેમ કે,અજ્ઞાન સર્વત્ર બંધન-કારક જ છે.

Mar 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-775

ત્યારે. કોઈ સિદ્ધ પુરુષોએ,તેની પરીક્ષા કરવાની ઇચ્છાથી,કાચનો એક ગોળો(કાચ-મણિ),તેની આગળ નાખ્યો.જેમ,અજ્ઞાની પુરુષ,ભ્રાંતિ વડે માટીને પણ સોનું સમજે છે,તેમ એ મૂઢ-પુરુષ,કાચના ગોળાને,"આ ચિંતામણિ છે" એમ ભ્રમથી સમજી લઈને,તેણે ગ્રહણ કર્યો.
"હવે આ ચિંતામણિથી જે જોઇશે તે મળી શકશે,માટે આ બધા ધનની શી જરૂર છે?" એમ સમજીને પોતાની પાસે જે ધન-ધાન્ય-સમૃદ્ધિ હતી -તે તેણે છોડી દીધી.અને "હવે અહીંથી દુર જઈને,આ ચિંતામણિથી સમૃદ્ધિ મેળવીને સુખથી રહીશ" એમ વિચારી તે ચિંતામણિને લઇ,નિર્જન વનમાં ચાલ્યો ગયો.

Mar 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-774

જે બરાબર મન રાખીને કાર્ય કરે છે,તેને બધું સિદ્ધ થાય છે.બુદ્ધિનો આશ્રય કરી,મનમાં કોઈ જાતનો ખેદ લાવ્યા વિના જો પ્રવૃત્તિ અને ઉદ્યોગ કરવામાં આવે તો,અકિંચન (ભિખારી) પુરુષ પણ શક્તિમાન બની જાય છે.

પણ,જેમ,કોઈ અતિ-દરિદ્ર પામર પ્રાણી,અનાયાસે પોતાને રાજ્ય પ્રાપ્ત થાય તો તેને (ઘડીભર) સાચું ના માને,તેમ તે (શ્રીમાન) પુરુષને પણ સર્વ મહા-મણિઓમાં ઉત્તમ ચિંતામણિ પોતાને મળી ગયા છતાં,પોતાની પાસે ચિંતામણિ આવ્યો છે તેવું,તે (મૂર્ખ શ્રીમાન પુરુષ) માની શકતો નહોતો.

Mar 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-773



શિખીધ્વજ રાજા કહે છે કે-હે દેવપુત્ર,આજે આપે મને સાચો બોધ આપ્યો.હું માત્ર અજ્ઞાનને લીધે જ સજ્જનોના સંગ તરફ લક્ષ્ય ના આપતા,આ વનમાં આવીને રહ્યો છું.મારાં સર્વ પાપો ક્ષીણ થઇ ગયા હોય એમ હું માનું છું.
કેમ કે -આજ આપ સામેથી  પધારીને જ મને બોધ આપ્યો છે,માટે આપ જ મારા ગુરુ,પિતા અને મિત્ર છો.હું આપનો શિષ્ય થઈને આપના ચરણમાં નમસ્કાર કરું છું.મારા પર આપ કૃપા કરો.અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરો.અનેક પ્રકારનાં જુદાં જુદાં જે જ્ઞાન છે-તેમાં કયું જ્ઞાન સર્વથી શ્રેષ્ઠ છે ? તે વિષે કહો.