May 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-828

 

અધ્યાય-૧૭૫-અંબાને શાલ્વ રાજાએ પણ સ્વીકારી નહિ


II भीष्म उवाच II ततोऽहं समनुज्ञाप्य कालीं गन्धवतीं तदा I मंत्रिणश्चर्त्विज श्चैव तथैव च पुरोहितान् II १ II

ભીષ્મે કહ્યું-તે પછી,મેં સત્યવતીની,મંત્રીઓની,ઋત્વિજોની અને પુરોહિતોની સંમતિ લઈને,તે અંબાને જવાની આજ્ઞા આપી,

ત્યારે તે અંબા શાલ્વરાજ પાસે જઈને તેને કહેવા લાગી કે-હે રાજન,હું તમારી પાસે આવી છું,મારો સ્વીકાર કરો'

તે સાંભળી શાલ્વરાજ હસતો હોય તેમ કહેવા લાગ્યો કે-'હું બીજા પુરુષને માટે હરણ કરાયેલી તને હવે ભાર્યા તરીકે 

સ્વીકારવા તૈયાર નથી.તું પાછી ભીષ્મ પાસે જા.ભીષ્મ યુદ્ધમાં રાજાઓને હરાઈને તારો હાથ પકડી તને લઇ ગયા હતા,ને તું પ્રીતિથી ગઈ હતી,માટે હવે હું પ્રથમ બીજાએ ગ્રહણ કરેલી તને ભાર્યા કરવા ઈચ્છતો નથી.(9)

May 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-827

 

અંબોપાખ્યાન પર્વ 

અધ્યાય-૧૭૩-કાશીરાજની કન્યાઓનું અપહરણ 


II दुर्योधन उवाच II किमर्थ भरतश्रेष्ठ नैव हन्याः शिखण्डिनं I उद्यतेशुमथो द्रष्टा समरेष्वाततायिनम् II १ II

દુર્યોધને પૂછ્યું-હે ભરતશ્રેષ્ઠ,તમે શસ્ત્રથી સજ્જ થયેલા શિખંડીને,સંગ્રામમાં બાણ ઉગામી સામે આવેલો જોયા છતાં શા માટે તેને મારશો નહિ?તમે તો પ્રથમ કહ્યું હતું કે સોમકો સાથે પાંચાલોને મારીશ,તો આ પાંચાલ શિખંડીને કેમ નહિ મારો?

ભીષ્મે  કહ્યું-હે દુર્યોધન,મારા પિતા શાંતનુ મરણ પામ્યા ત્યારે મેં મારી પ્રતિજ્ઞા પાળીને ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો.

જયારે ચિત્રાંગદ મરણ પામ્યો ત્યારે વિચિત્રવીર્ય નાનો હતો છતાં મેં તેનો રાજ્યાભિષેક કર્યો.પછી યોગ્ય કુળની કન્યા સાથે તેનાં લગ્ન કરવાની વાત મેં મન પર લીધી.એટલામાં મેં સાંભળ્યું કે-કાશીરાજની ત્રણ કન્યાઓ અંબા,અંબિકા ને અંબાલિકા નો સ્વયંવર થાય છે.ત્યારે હું માત્ર એક રથ લઈને કાશીરાજની નગરીમાં ગયો.

May 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-826

 

અધ્યાય-૧૭૨-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II रोचमानो महाराज पांडवाना महारथः I योत्स्यते भरव्त्संख्ये परसैन्येषु भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પાંડવોના પક્ષમાં રોચમાન રાજા મહારથી છે.ભીમસેનનો મામો પુરુજિત મહાબળવાન છે ને તેને હું અતિરથી માનું છું.ભીમસેનનો હિડિમ્બામાં ઉત્પન્ન થયેલો માયાવી ઘટોત્કચ અતિરથી છે.બીજા અનેક દેશના રાજાઓ પાંડવોને માટે એકત્રિત થયા છે તેમાં આ મુખ્ય મુખ્ય રથી-અતિરથી ને અર્ધ રથીઓ તને મેં કહ્યા.અર્જુને રક્ષણ કરેલી આ ભયંકર સેના સંગ્રામમાં આવશે તેની સામે રણમાં જયની અથવા મૃત્યુની આકાંક્ષા રાખતો હું તે રાજાઓની સામે યુદ્ધ કરીશ,

May 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-825

 

અધ્યાય-૧૭૧-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II पंचालराजस्य सुतो राजनार पुरंजयः I शिखण्डी रथमुख्यो मे मतः पार्थस्य भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારતરાજ,પાંડવોના પક્ષમાં પાંચાલરાજના પુત્ર શિખંડીને હું મુખ્ય રથી માનું છું.એ શિખંડી પોતાનો પ્રાચીન સ્ત્રીભાવ ત્યજીને,અર્થાંત પુરુષાર્થ દેખાડીને,સંગ્રામમાં ઉત્તમ યશનો વિસ્તાર કરતો તારી સેના સાથે યુદ્ધ કરશે.

દ્રોણનો મહારથી શિષ્ય અને પાંડવ સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન અતિરથી છે,એમ હું માનું છું.એની રથસેના,દેવોની રથસેના જેવડી મોટી અને સાગર સમાન છે.યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર વાળશે.ધૃષ્ટદ્યુમ્નના પુત્ર ક્ષત્રધર્માને હું અર્ધરથી માનું છું,કારણકે તેણે બાલ્યાવસ્થાને લીધે યુદ્ધકળામાં બહુ પરિશ્રમ કર્યો નથી.

May 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-824

 

અધ્યાય-૧૬૯-પાંડવોના રથીઓ અને અતિરથીઓ 


II भीष्म उवाच II एते रथास्तवाख्यातास्तथैवातिरथा नृप I ये चाप्यर्द्वरथा राजन पांडवानामतः शृणु II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,તારા રથીઓ,અતિરથીઓ ને અર્ધરથીઓ મેં તને કહ્યા હવે તું પાંડવોના રથી વગેરેને સાંભળ.

યુધિષ્ઠિર ઉત્તમ રથી છે ને સંગ્રામમાં અગ્નિની જેમ ફરી વળશે,એમાં સંદેહ નથી.ભીમસેન આઠગણો રથી છે,ગદાયુદ્ધ અને બાણયુદ્ધમાં તેના સમાન કોઈ નથી.તે દશ હજાર હાથીનું બળ ધરાવે છે.બંને માદ્રીપુત્રો રથી છે.પૂર્વનાં દુઃખો સંભારીને તે પાંડવો રુદ્રની જેમ સંહાર કરતા રણમાં ઘૂમશે તેમાં મને સંદેહ લાગતો નથી.

May 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-823

 

અધ્યાય-૧૬૮-અતિરથીની ગણનામાં ભીષ્મ ને કર્ણનો વિવાદ 


II भीष्म उवाच II अचलो वृषकश्वैव सहितौ भ्रात्ररावुभौ I रथौ तव दुराधार्षौ शत्रुन्विध्वंसयिश्यतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મહાપરાક્રમી અને ગાંધારોમાં મુખ્ય અચલ તથા વૃષક નામના બે જોડીદાર ભાઈઓ રથીઓ છે.

હવે તારો મિત્ર,મંત્રી,ને વહાલો સૂર્યપુત્ર કર્ણ,કઠોર,આત્મશ્લાઘી,અત્યંત ચઢાઉ,રણમાં નિત્ય તીક્ષ્ણ,અભિમાની અને નીચ છે અને તને પાંડવોની સાથે નિત્ય વૈર કરવામાં ઉત્તેજન આપ્યા કરે છે,તે કર્ણ રથી કે અતિરથી નથી,કેમ કે નિત્ય નિંદક તથા મૂર્ખ તે જન્મસિદ્ધ કવચ ને કુંડળોથી રહિત થયો છે.પરશુરામના શાપને લીધે અને કવચ-કુંડળ રહિત થવાને લીધે હું તેને અર્ધરથી માનું છું.અર્જુનની સામે રણમાં જતા તે પાછો જીવતો છૂટશે નહિ.(7)

May 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-822

 

અધ્યાય-૧૬૬-રથી-અતિરથીની ગણના 


II भीष्म उवाच II सुदक्षिणस्तु काम्बोजो रथ एकगुणो मतः I तवार्थसिध्धिमाकांक्ष्न्योत्स्यते समरे परैः II १ II

ભીષ્મે કહ્યું-કામ્બોજરાજ સુદક્ષિણ એકગણો રથી મનાય છે,માહિષ્મતીવાસી નીલરાજા રથી છે,કે જેને સહદેવની સાથે વૈર થયેલું છે,એ તારે માટે સતત યુદ્ધ કરશે.અવંતીરાજ વિંદ અને અતિવિન્દ રથીઓમાં શ્રેષ્ઠ ગણાય છે.ત્રિગર્ત દેશના અધિપતિ પાંચ બંધુઓ ઉત્તમ રથીઓ છે.તારો પુત્ર લક્ષ્મણ અને દુઃશાસનનો પુત્ર એ બંને ઉત્તમ રથીઓ  છે.કે જેઓ મહાન કર્મ કરશે.

May 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-821

 

રથાતિરથ સંખ્યાન પર્વ 

અધ્યાય-૧૬૫-ભીષ્મે દુર્યોધનને ધીરજ આપી 


II धृतराष्ट्र उवाच II प्रतिज्ञाते फ़ाल्गुनेन वधे भीष्मस्य संयुगे I किमकुर्वत मे मंदाः पुत्रा दुर्योधनादयः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-અર્જુને સંગ્રામમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા કરી,પછી મારા દુર્યોધન આદિ મૂર્ખ પુત્રોએ શું કર્યું? હું તો વાસુદેવની સહાયતાવાળા અર્જુને,સંગ્રામમાં ભીષ્મને મારી નાખ્યા હોય તેમ જ જોઉં છું.ભીષ્મે અર્જુનનું ભાષણ સાંભળીને શું કહ્યું?અને સેનાપતિપદ ગ્રહણ કર્યા પછી ભીષ્મે શું કર્યું?તે સર્વ મને કહે.

May 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-820

 

અધ્યાય-૧૬૪-સેનાપતિની યોજના 


II संजय उवाच II उलूकस्य वचः श्रुत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I सेनां निर्यापमासाय धृष्टध्युम्नपुरोगमाम II १ II

સંજયે કહ્યું-ઉલૂકનું કહેવું સાંભળ્યા પછી,કુંતીપુત્ર યુધિષ્ઠિરે,ધૃષ્ટદ્યુમ્નની આગેવાની હેઠળ,હાથી,ઘોડા,રથ અને પાળાવાળી ચતુરંગિણી,ભયંકર અને પૃથ્વીના જેવી અકંપ્ય સેનાને રણભૂમિ તરફ રવાના કરી.અર્જુન સહિત ભીમસેન વગેરે તે સેનાનું રક્ષણ કરતા હતા.તે સેના,નિશ્ચળ સમુદ્રના જેવી ગંભીર દેખાતી હતી.ધૃષ્ટદ્યુમ્ન આગળ રહીને તે સેનાને દોરતો હતો.તેણે પોતાના રથીઓનાં બળાબળનો તથા યુદ્ધોત્સાહનો વિચાર કરીને,તેઓની દ્વંદ્વ યુદ્ધમાં યોજના કરતાં કહ્યું કે-

May 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-819

 

અધ્યાય-૧૬૩-ઉલૂક દુર્યોધન પાસે આવ્યો 


II संजय उवाच II दुर्योधनस्य तद्वाक्यं निशम्य भरतर्षंम I नेत्राभ्यामति ताम्राभ्यां कैतव्यं समुदैक्षत  II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ ધૃતરાષ્ટ્ર,અર્જુન,દુર્યોધનનાં વચન સાંભળીને અત્યંત લાલ નેત્રથી ઉલૂક તરફ જોવા લાગ્યો અને પછી,કેશવ તરફ દ્રષ્ટિ કરી,પોતાનો વિશાલ બહુ ઊંચો કરીને ઉલૂકને કહેવા લાગ્યો કે-જે મનુષ્ય,પોતાના બળનો આશ્રય કરીને શત્રુને યુદ્ધ માટે બોલાવે હે અને નિર્ભય થઈને શત્રુ સાથે યુદ્ધ કરે છે તે જ પુરુષ કહેવાય છે.હે દુર્યોધન,તું પારકાના બળ વડે પોતાને બળવાન માને છે અને પોતે કાયર હોવા છતાં બીજાઓને ધિક્કારવા ઈચ્છે છે.સર્વ રાજાઓમાં વૃદ્ધ,બુદ્ધિમાન,જિતેન્દ્રિય અને મહાજ્ઞાની ભીષ્મને મરણની દીક્ષા આપીને,તું મિથ્યા બડાઈ શા માટે મારે છે?


ઓ કુળને કલંક લગાડનારા દુર્બુદ્ધિમાન,અમે તારો અભિપ્રાય સમજી ગયા છીએ.પાંડવો દયાને લીધે ભીષ્મને મારશે નહિ,એમ સમજીને તું જેમના બળ પર આધાર રાખે છે,તે ભીષ્મને હું સર્વ ધનુર્ધારીઓના દેખતાં જ પ્રથમ મારીશ.આવતી કાલે સવારે સંગ્રામ શરુ થશે.ભીષ્મના,'અમારી સેનાના સંહારના' વચન પરથી તું માને છે કે 'મને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે ને પાંડવો આપત્તિમાં છે' પણ તું પોતાના પર ઝઝૂમી રહેલા અનર્થને જોતો નથી,હું ભીષ્મનો તારા દેખતાં જ વધ કરીશ.માટે તેમનું રક્ષણ કરજો.

ભીમે કરેલી પ્રતિજ્ઞાને પણ તું થોડા સમયમાં જ સત્ય થયેલી જાણીશ.તારા અભિમાન અને અપરાધનું ફળ તું થોડા સમયમાં જ જોઇશ.ને તું જયારે ભાઈઓ,પુત્રો સાથે,ભીમસેનની ગદાથી હણાઈ પડીશ,ત્યારે જ તું તારા દુષ્કૃત્યોને સંભારીશ.(23)


પછી,યુધિષ્ઠિરે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે-તારે પોતાના આચરણ ઉપરથી મારા આચરણનો ન્યાય કરવો યોગ્ય નથી,હું સત્ય અને અસત્ય એ બંનેના અંતરને જાણું છું.હું કીડીઓનું પણ અનિષ્ટ ન ઈચ્છું તો સંબંધીઓના વધની ઈચ્છા કેમ કરું?મારે તારું પ્રાણસંકટ જોવું ન પડે તે ઈચ્છાથી જ મેં તારી પાસે પાંચ ગામોની માગણી કરી હતી.પણ તારું અંતઃકરણ કામનાઓથી ભરેલું છે,તેથી તું કેશવનાં વચનોને પણ ગ્રહણ કરતો  નથી.તારું કહેવું અમે સાંભળ્યું,તારા મત પ્રમાણે ભલે થાઓ.


ભીમસેને કહ્યું-'હે ઉલૂક ,તે પાપીને કહેજે કે-હવે કાં તો હસ્તિનાપુરમાં વાસ કરવો કે મરીને ગીધના પેટમાં વાસ કરવો-એજ નિર્ણય છે.સભામાં મેં જે પ્રતિજ્ઞા કરી હતી,તેને હું સત્ય કરીશ.દુઃશાસનનું રુધિર પીશ ને તારી સાથળો ભાગી નાખી તારા બંધુઓને મારીશ.હું ધૃતરાષ્ટ્ર પુત્રોનો કાળ છું ને અભિમન્યુ સર્વ રાજપુત્રોનો કાળ છે એમાં સંદેહ નથી.'

નકુલે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે તેં જે પ્રમાણે મને ઉપદેશ કર્યો છે તે પ્રમાણે જ હું કરીશ'

સહદેવે કહ્યું-તેને કહેજે કે-તારી જે માન્યતા છે તે છેવટે નિષ્ફળ થશે,તારે પુત્ર,સંબંધીઓ ને બાંધવો માટે શોક કરવો પડશે'


વિરાટે અને દ્રુપદે કહ્યું-અમે સત્પુરુષોના દાસ થઈએ એવી અમારી નિત્ય બુદ્ધિ છે.

અમે દાસ છીએ કે પ્રભુ છીએ અને તારો પુરુષાર્થ કેવો છે તે અમે કાલે સવારે જોઈશું.

શિખંડીએ કહ્યું-તેને કહેજે કે-તું સંગ્રામમાં મને દારુણ કર્મ કરતો જોઇશ.ભીષ્મને હું રથમાંથી ઉથલાવી પાડીશ.

વિધાતાએ મને ભીષ્મના વધ માટે જ ઉત્પન્ન કર્યો છે,માટે હું સર્વના દેખતાં તે ભીષ્મનો નાશ કરીશ.

ધૃષ્ટદ્યુમ્ને કહ્યું-તેને કહેજે કે-હું સેનાગણ અને બાંધવોની સાથે દ્રોણને મારીશ.રણમાં મારા જેવું કર્મ બીજો કોઈ કરશે નહિ.


છેવટે,યુધિષ્ઠિરે કહ્યું કે-'તેને કહેજે કે-હું કોઈ પણ રીતે જ્ઞાતિવધની ઈચ્છા રાખતો નથી પણ,આ સર્વ તારા દોષને લીધે જ થાય છે.હે ઉલૂક,હવે તારી ઈચ્છા હોય તો તું સત્વરે અહીંથી ચાલ્યો જા કે અહીં રહે.અમે પણ તારા બાંધવો છીએ.'

તે પછી,ઉલૂક યુધિષ્ઠિરની આજ્ઞા લઈને દુર્યોધન પાસે ગયો અને તેને સર્વ લોકોએ કહેલા સંદેશ કહ્યા.ત્યારે દુર્યોધને કર્ણ,શકુનિ અને દુઃશાસનને કહ્યું કે-'તમે રાજાઓના સૈન્યને આજ્ઞા કરો કે-કાલે સૂર્યોદય થતાં પહેલાં,પોતપોતાનાં સૈન્યોસહિત રણભૂમિ પર સજ્જ થઈને ઉભા રહે.' તે પછી,તેની આજ્ઞાથી દૂતો ઘોડાઓ પર બેસીને આખી સેનામાં ફરી વળ્યા ને સર્વ સેનાને દુર્યોધનની આજ્ઞા કહી કે-કાલે સૂર્યોદય પહેલાં યુદ્ધ માટે સજ્જ થઈને રણભૂમિ પર ઉભા રહેવું' (57)

અધ્યાય-163-સમાપ્ત