Showing posts with label ભાગવત રહસ્ય. Show all posts
Showing posts with label ભાગવત રહસ્ય. Show all posts

Nov 21, 2020

ભાગવત રહસ્ય -૪૫૩

કંસની રાણીઓ અસ્તિ-પ્રાપ્તિ,કંસના મૃત્યુ પછી પિતા જરાસંઘને ઘેર આવી છે.જરાસંઘે જયારે જાણ્યું કે,શ્રીકૃષ્ણે કંસને માર્યો તેથી મારી પુત્રીઓ વિધવા થઇ છે,એટલે તે ગુસ્સે થયો અને મથુરા પર ચડાઈ કરી.ભગવાને વિચાર્યું કે-હાલ જરાસંઘને મારીશ તો પૃથ્વી પર નો ભાર ઓછો થશે નહિ,તે જીવતો હશે તો તેના પાપી સાથીદારો રાજાઓની સાથે સેના લઇને લડવા આવશે તો તે પાપી રાજાઓને શોધવા જવું નહિ પડે,તેઓ અત્રે આવશે જ.
તેથી ભગવાન જરાસંઘ ને મારતા નથી,તેની સેનાને,સાથીદારોને મારે છે.

Nov 20, 2020

ભાગવત રહસ્ય -૪૫૨-સ્કંધ-૧૦-ઉત્તરાર્ધ

દશમ સ્કંધના પૂર્વાર્ધમાં ઉદ્ધવાગમનની કથા સાથે ગોપી-પ્રેમની કથા પૂરી થઇ.
ગોપીઓ પ્રેમ-લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે.ઘરમાં રહી ઘર-કામ કરતાં કરતાં,કેવી રીતે પ્રભુ-દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે.
વ્યાસજીનો નિયમ છે કે-ચરિત્ર (પાત્ર) આપ્યા પછી,ઉપસંહારમાં તે ચરિત્રનું રહસ્ય બતાવવું.
કંસ મર્યા પછી કંસ કોણ છે? તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે.

Nov 19, 2020

ભાગવત રહસ્ય -૪૫૧

તે વખતે નંદ-યશોદા પણ આવ્યાં છે.તેમણે ઉદ્ધવને કહ્યું-કે અમારા લાલાને આટલો સંદેશો આપજે.(આ બે શ્લોકો ભાગવત નું હાર્દ છે-૧૦-૪૭-૬૬-૬૭હવે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે,અમારા મનની એક એક વૃત્તિ,એક એક સંકલ્પ,શ્રીકૃષ્ણના ચરણ-કમળોનો જ આશ્રય કરીને રહે.વૃત્તિ અને સંકલ્પ તેમની સેવા કરવા માટે જ ઉઠે અને તેમનામાં (શ્રીકૃષ્ણમાં)જ લાગી રહે.
અમારી વાણી નિરંતર તેમનાં નામોનું ઉચ્ચારણ કરતી રહે,અમારું શરીર તેમને પ્રણામ કરવામાં,તેની આજ્ઞાનું પાલન કરવામાં અને તેની સેવામાં લાગી રહે.

Nov 18, 2020

ભાગવત રહસ્ય -૪૫૦

રાધાજી કહે છે –કે-હે,ઉદ્ધવ,તારા જ્ઞાનની કદર અહીં આ શુદ્ધ પ્રેમભૂમિ વ્રજમાં થશે નહિ.પ્રેમ-રાજ્યમાં એક માત્ર પ્રિયત્તમનું જ સ્થાન હોય.જ્ઞાન ને યોગની ચર્ચાને અહીં વ્રજ માં સ્થાન નથી.અમારું જ્ઞાન-એ કૃષ્ણ,યોગ પણ કૃષ્ણ,ધ્યાન પણ કૃષ્ણ.અમારા એક એક શ્વાસ પણ કૃષ્ણમય હોવાથી,તારા જ્ઞાન ને અમે ક્યાં રાખીશું ? મારા વ્યાપક ભગવાનને તું મથુરામાં રાખે છે તે બની શકે જ નહિ.તું છ શાસ્ત્રો ભણ્યો,પણ તને કાંઇ આવડયું નહિ,તું કોરો ને કોરો જ રહ્યો,તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી,છ શાસ્ત્રો ભણ્યો પણ તેનું રહસ્ય તું સમજ્યો નથી.

Nov 17, 2020

ભાગવત રહસ્ય -૪૪૯

ઉદ્ધવ વિચારે છે કે-આ ગોપીઓને તો સર્વમાં શ્રીકૃષ્ણના દર્શન થાય છે,હું વ્યાપક બ્રહ્મનું રટણ-ચિંતન કરતો હતો,પરંતુ મને વ્યાપક બ્રહ્મનો અનુભવ થયો નથી,ગોપીઓને વ્યાપક-બ્રહ્મનો અનુભવ છે.ભલે તે તત્વજ્ઞાન જાણતી ના હોય.ઉદ્ધવને લાગ્યું કે તેનું વેદાંતનું જ્ઞાન માત્ર ગોખેલું જ છે.શુષ્ક જ છે.

Nov 16, 2020

ભાગવત રહસ્ય -૪૪૮

ત્યારે ગોપી કહે છે કે-હું જેમ જેમ કનૈયાને ભૂલવાનો પ્રયત્ન કરું છું,તેમ તેમ તે વધારે યાદ આવે છે.ગઈ કાલે હું કૂવા પર જળ ભરવા ગઈ હતી,ત્યાં એકાએક મને કનૈયાની વાંસળી નો અવાજ સંભળાણો.મે જ્યાં નજર કરી તો લાલાને પાસેના બોરસલીના ઝાડ પર બેઠેલો જોયો,લાલાને જોઈ ને હું એવી પાગલ થઇ કે,દેહનું ભાન રહ્યું નહિ,મે ઘડાને દોરી બાંધવા ના બદલે મારા બાળકને દોરી બાંધી કુવામાં નાખવા જતી હતી ,ત્યાં જ લાલાએ ઝાડ પરથી કૂદકો મારી અને મને રોકીને કહે છે કે-અરી,બાવરી ,તું આ શું કરે છે ? પછી તો,કનૈયો આવી મને ઘેર સુધી મૂકી ગયો.

Nov 15, 2020

ભાગવત રહસ્ય -૪૪૭

યશોદાજી પૂછે છે કે-ઉદ્ધવ કનૈયો,અહીં ગોકુળમાં હતો ત્યારે ખૂબ હઠ કરતો હતો,વહેલી સવારે તેને ભૂખ લાગતી ત્યારે તેને હું મનાવી મનાવી જમાડું ત્યારે તે જમતો,પણ ત્યાં તેને કોણ જમાડે છે ? ઉદ્ધવ,સાચું કહેજે,કે મારો લાલો,દુબળો તો થયો નથી ને?તે આનંદમાં તો છે ને?
મારો લાલો,મને કોઈ દિવસ યાદ કરે છે? ગોકુળમાં હતો ત્યારે મને આંસુ આવે તે તેનાથી સહન થતું નહિ.

Nov 14, 2020

ભાગવત રહસ્ય -૪૪૬

શ્રીકૃષ્ણના વિરહ માં નંદબાબા પાગલ બન્યા છે.એક એક વાત સંભાળી-સંભાળીને  ઉદ્ધવને કહે છે-આ જમુના છે,જેમાં કનૈયો જલક્રીડા કરતો હતો,આ તે જ ગિરિરાજ છે,
જે તેણે એક આંગળી પર ઉઠાવી લીધેલો,આ તે જ વન-પ્રદેશ છે જ્યાં કનૈયો ગાયોને ચરાવતો મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતો,અને વાંસળી વગાડતો.આ બધું જોઈને મારું મન કૃષ્ણ-મય થઇ જાય છે.મને એવો ભાસ થાય છે કે મારો કનૈયો મથુરા ગયો જ નથી.

Nov 13, 2020

ભાગવત રહસ્ય -૪૪૫

ગ્વાલ-બાલો પણ કૃષ્ણના મથુરા ગયા પછી,મથુરાના માર્ગ પર બેસી રોજ પ્રતીક્ષા કરતા.
“મને લાલાએ કહ્યું છે કે હું આવીશ” એટલે રોજ રાહ જુએ છે,સાંજ પડે પણ શ્રીકૃષ્ણ,ના આવે એટલે રડતા,રડતા ઘેર જાય છે.રોજના નિયમ મુજબ આજે પણ બાળકો મથુરાના રસ્તા પર રાહ જોઈ બેઠા છે.ત્યાં દુરથી રથ આવતો દેખાણો.બાળકો એ મનથી વિચાર કર્યો કે અમારો કનૈયો આવ્યો. એટલે તે દોડતા દોડતા રથ પાસે જવા લાગ્યા પણ તેમણે કોઈને રથમાંથી ઉતરતા કે કૂદકો મારતા ન જોયા.

Nov 12, 2020

ભાગવત રહસ્ય -૪૪૪

આ બાજુ વ્રજમાંથી કનૈયો ગયો એટલે સઘન વ્રજની બધી કુંજો વેરાન થઇ ગઈ છે.
યમુનાનાં જળ જાણે ગોપીઓના આંસુઓથી વહી રહ્યાં હોય તેવાં લાગે છે,ગાયો ખડ ખાતી નથી.વારંવાર મથુરા તરફ નિહાળી ભાંભરે છે.શ્રીકૃષ્ણ મથુરા ગયા પછી,
નંદ-યશોદાએ અનાજ લીધું નથી.”કનૈયો ના આવે ત્યાં સુધી ખાવું નથી.” નંદ-યશોદાના શરીર કૃશ થયા છે અને આંખો ઊંડી ઉતરી ગઈ છે.રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસે ગમતું નથી.લાલાના વિરહમાં જીવ અકળાય છે,આંસુ નીકળે છે.

Nov 11, 2020

ભાગવત રહસ્ય -૪૪૩

ઉદ્ધવ નું જ્ઞાનનું અભિમાન દૂર કરવાની આ લીલા છે.પ્રભુને લાગે છે કે-ઉદ્ધવ અભણ ગોપીઓને નમવાનો નથી,પણ ત્યાં જઈ ને ગોપીઓના મંડળમાં તાડ ની જેમ ઉભો રહેશે.તે વંદન નહિ કરે તો તેનું કલ્યાણ નહિ થાય.જે નમે નહિ તે પ્રભુને ગમે નહિ.એટલે,પ્રભુ ખુલ્લે ખુલ્લું કહે છે કે-ઉદ્ધવ ત્યાં જાય ત્યારે ગોપીઓ ને વંદન કરજે.ઉદ્દવ ને જવાની ઈચ્છા નહોતી પણ પ્રભુના આગ્રહથી જવા તૈયાર થયા છે.

Nov 10, 2020

ભાગવત રહસ્ય -૪૪૨

પ્રેમ-તત્વનું રહસ્ય હજુ ઉદ્ધવ જાણતા નથી,ઉદ્ધવને તે ભક્ત હૃદય સમજાતું નથી,
ઉદ્ધવ જાણતા નથી કે પ્રેમ સંદેશો પત્રથી નહિ પણ હૃદયથી જાય છે.
પત્રમાં લખાય છે તે બધું સાચું નથી હોતું.પત્રમાં તો ઘણા લખે છે કે “હર ઘડી યાદ કરનાર” 
પણ હરઘડી કયો કાકો યાદ કરે છે ?વ્યવહાર સાચો નહિ તો પત્રમાં તો શું સાચું હોય?
અહીં તો ગોપી શ્રીકૃષ્ણ છે ને શ્રીકૃષ્ણ એ ગોપી છે.ગોપી-અને કૃષ્ણ એક જ છે,તે ઉદ્ધવ જાણતા નથી. જ્ઞાનીઓને ભક્ત હૃદયની ક્યાંથી ખબર પડે ?

Nov 9, 2020

ભાગવત રહસ્ય -૪૪૧

ઉદ્ધવ,મને મારી પ્યારી ગાયો યાદ આવે છે,મને મારા ગ્વાલ-મિત્રો યાદ આવે છે.અમે ગાયો ચરાવવા જતા તે રસ્તે ગ્વાલ-મિત્રો અમારી પ્રતીક્ષા કરતા હતા ને પોતાને ઘેરથી જે કંઈ લઇને આવે તે સહુ પ્રથમ પ્રેમથી,મને ખવડાવતા,અને તે પછી મારા માટે કુમળાં પર્ણોની (પાનોની) પથારી કરી ને મને સુવડાવતા.વળી મારી ગાયોને પણ સાચવે,આ મિત્રોને હું ભૂલી શકતો નથી.ઉદ્ધવ, જયારે કાલિયનાગને નાથવા હું યમુનાના ધરામાં કુદી પડેલો,ત્યારે મારી ગાયો રડતી હતી,છેવટે હું જયારે બહાર આવ્યો ત્યારે જ ગાયોને આનંદ થયો,મને તે મારી ગાયો યાદ આવે છે.મને ગોકુળની ગોપીઓ યાદ આવે છે.

Nov 8, 2020

ભાગવત રહસ્ય -૪૪૦

ગુરુકુળનું અધ્યયનની સમાપ્તિ કરીને શ્રીકૃષ્ણ મથુરામાં આવ્યા છે.
શ્રીકૃષ્ણે મથુરાની ગાદી પર ઉગ્રસેનને બેસાડ્યો હતો,તે ઉગ્રસેન શ્રીકૃષ્ણને કહે છે કે-હું તો નામ નો રાજા છું,ખરા રાજા તો આપ જ છો,આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ.
અત્યંત વિવેકવાળા ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રીકૃષ્ણનાં ચરણો માં અર્પણ કરી.શ્રીકૃષ્ણ માટે મથુરાના રાજ મહેલમાં રોજ છપ્પન ભોગની સામગ્રી થાય છે.હવે શ્રીકૃષ્ણ ગોપાલ નથી,
હવે તે મથુરાનાથ છે.મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે.ગોકુળમાં પ્રેમ પ્રધાન છે.
મથુરામાં અનેક દાસ-દાસીઓ છે.ઉદ્ધવ શ્રીઅંગની સેવા કરે છે.સર્વ પ્રકારે સુખ છે.

Nov 7, 2020

ભાગવત રહસ્ય -૪૩૯

કેટલાક જ્ઞાનીઓ માને છે કે-અમને ભક્તિની જરૂર નથી.તેઓ ભક્તિનો તિરસ્કાર કરે છે.
જયારે કેટલાક ભક્તો માને છે કે-અમને જ્ઞાન-વૈરાગ્યની જરૂર નથી.આ બંને વિચારો યોગ્ય નથી.ભક્તિ તો જ્ઞાન-વૈરાગ્ય વગર રડે છે.જ્ઞાન-વૈરાગ્ય આવે તો ભક્તિ દૃઢ બને છે.
ભક્તિમાં જ્ઞાનનો સાથ ના હોય તો અખંડ ભક્તિ થતી નથી.
અહીં, ઉદ્ધવ જ્ઞાની છે પણ તેમના જ્ઞાનને ભક્તિ નો સાથ નથી.
જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો અભિમાન આવે છે,ભક્તિ હોય તો તે નમ્ર બને છે.
બ્રહ્મજ્ઞાન થાય પણ “સ્વ-રૂપ” માં પ્રીતિ ના થાય,ત્યાં સુધી બ્રહ્મનો અનુભવ થતો નથી.

Nov 6, 2020

ભાગવત રહસ્ય -૪૩૮

શ્રીકૃષ્ણે ગુરૂ-સાંદીપનીની આજ્ઞાનું બરોબર પાલન કર્યું છે.(૧) જયારે મહાભારતના યુદ્ધમાં,અર્જુન બે હાથ જોડીને કહે છે કે હું તમારો શિષ્ય છું,તે વખતે,પ્રભુએ ગીતાના જ્ઞાનનો ઉપદેશ કર્યો છે.જે ગીતાના જ્ઞાનનો અભ્યાસ મહાપુરુષો આખી જિંદગી કરે છે,
તેવું દિવ્ય જ્ઞાન અર્જુનને આપ્યું,પણ ભગવાને કંઈ (ગુરુદક્ષિણા) માગ્યું નથી.અર્જુનની સેવા પણ લીધી નથી,પણ ઉપરથી સેવા કરી છે.યુદ્ધમાં થાકેલો અર્જુન સૂઈ જાય ત્યારે ઘોડાઓની પણ સેવા કરી છે,બદલામાં કશું લીધું નથી.

Nov 5, 2020

ભાગવત રહસ્ય -૪૩૭

મહાત્માઓ કહે છે કે-ગોકુળના શ્રીકૃષ્ણ અનેરા લાગે છે,ગોકુળનું સ્વ-રૂપ દિવ્ય છે,
ગોકુળમાં શ્રીકૃષ્ણે અલૌકિક પ્રેમ અને આનંદનું દાન કર્યું છે.
તત્વ દૃષ્ટિથી જોવામાં આવે તો,ગોકુળના,મથુરાના અને દ્વારકાના શ્રીકૃષ્ણ એક જ છે.
અગિયાર વર્ષના શ્રીકૃષ્ણ અને બળદેવને વસુદેવે જનોઈ આપી છે,
ગર્ગાચાર્યે ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે,શ્રીકૃષ્ણ અને બલરામ “બ્રહ્મચારી”  થયા છે.

Nov 4, 2020

ભાગવત રહસ્ય -૪૩૬


નંદબાબાનો મુકામ મથુરાની બહાર બગીચામાં જ હતો.શ્રીકૃષ્ણ-બળરામને રાજમહેલમાં લઇ ગયા છે.નંદજીને ગર્ગાચાર્ય કહેવા આવ્યા છે કે-શ્રીકૃષ્ણ,વસુદેવનો આઠમો પુત્ર છે.તમારે ત્યાં કન્યા થઇ હતી.શ્રીકૃષ્ણ હવે ગોકુળ નહિ આવે પણ મથુરામાં જ રહેશે.
શ્રીકૃષ્ણ મારો પુત્ર નથી,એવું સાંભળતાં જ નંદબાબાને મૂર્છા આવી છે,ખબર પડતાં 
શ્રી કૃષ્ણ દોડતા આવ્યા છે.અને આવીને નંદબાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.નંદબાબા જાગ્યા છે અને કનૈયાને છાતી સરસો ચાંપ્યો છે. 

Nov 3, 2020

ભાગવત રહસ્ય -૪૩૫

કંસ-એ અભિમાનનું સ્વરૂપ છે.કંસની રાણીઓના નામ છે-“અસ્તિ” અને “પ્રાપ્તિ” તે પણ સૂચક છે,આખો દિવસ અસ્તિ અને પ્રાપ્તિનો વિચાર કરે તે અભિમાની કંસ છે.
અસ્તિ- એટલે મારી પાસે આટલું છે અને હવે આટલું હું પ્રાપ્ત કરીશ, એમ આખો  દિવસ પૈસા નું ચિંતન કરે,નીતિ કે અનીતિથી પૈસા કમાઈ ને મોજ-શોખમાં,તથા સંસાર સુખ ભોગવવાની ઈચ્છા રાખે –અને-જે ધર્મને માનતો નથી તે કંસ છે.તે પિતા ઉગ્રસેનને કેદ કરી તે રાજા બન્યો છે.પાપની જેને બીક નથી અને બીજાને રડાવી પોતે આનંદ ભોગવે તે કંસ છે.

Nov 2, 2020

ભાગવત રહસ્ય -૪૩૪

પહેલવાન ચાણુર આવેશમાં બોલવા લાગ્યો એટલે કનૈયાને પણ આવેશ આવ્યો છે.
શ્રીકૃષ્ણે કહ્યું કે મારો હાથ છોડી દે,હાથ પકડવાની શી જરૂર છે?મારી માએ મને બહુ માખણ ખવડાવ્યું છે.મારી માએ મને બળવાન કરી ને મોકલ્યો છે,તારી ઈચ્છા જ છે તો હું લડવા તૈયાર છું-એમ કહી અખાડામાં કુદી પડ્યા છે.ચાણુર સાથે શ્રીકૃષ્ણની અને મુષ્ટિક સાથે બલરામની કુસ્તી થાય છે.કંસના સેવકો કંસના કહેવા મુજબ મલ્લોને શૂરાતન ચઢાવવા નગારાં વગાડે છે.