Jul 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-856

 

અધ્યાય-૮-રમણક વગેરે ખંડોનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II वर्षाणां चैव नामानि पर्वतानं च संजय I आचक्ष्व मे यथातत्वं येच पर्वतवासि II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,તું મને ખંડો-પર્વતોના નામો ને પર્વતવાસી લોકોનું યથાર્થ વર્ણન કહે'

સંજયે કહ્યું-શ્વેત પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તરે રમણક નામનો ખંડ છે.ત્યાં જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તે સર્વે કુલીન,શત્રુરહિત અને આનંદ મનવાળા હોઈને અગિયાર હજાર ને પાંચસો વર્ષ જીવે છે.નીલ પર્વતની દક્ષિણે અને નિષધ પર્વની ઉત્તરે હિરણ્યમય નામનો ખંડ છે,તે ખંડમાં હૈરણવતી નામની નદી છે.એ ખંડમાં પક્ષીરાજ ગરુડ ને ધનસંપન્ન યક્ષના અનુચરો રહે છે.પ્રસન્ન મનવાળા ત્યાંના મનુષ્યો સાડાબાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.

Jul 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-855

 

અધ્યાય-૭-ઉત્તરકુરુનું અને માલ્યવાનનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II मेरोरथोत्तरं पार्श्व पूर्व चाचक्ष्व संजय I निखिलेन महाबुद्धे माल्यवंतं च पर्वतम् II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે મહાબુદ્ધિમાન સંજય,તું મને મેરુપર્વતના ઉત્તરના તથા પૂર્વના પડખાનું અને માલ્યવાન પર્વતનું વર્ણન કહે.

સંજયે કહ્યું-હે રાજા,નીલ પર્વતની દક્ષિણે અને મેરુની ઉત્તરે સિદ્ધ પુરુષોએ સેવેલા ઉત્તરકુરુ નામના દેશો છે.ત્યાંનાં વૃક્ષો મધુર ફળવાળાં અને કેટલાંક વૃક્ષો ઈચ્છીત વસ્તુઓને આપનારાં છે.ક્ષીરી નામનાં વૃક્ષોમાંથી સદા અમૃત જેવા છ રસો ઝર્યા કરે છે,

વસ્ત્રો નીકળે છે અને તેનાં ફળોમાંથી આભૂષણો નીકળે છે.ત્યાંની સર્વ ભૂમિ મણિમય અને સુવર્ણની રેતીવાળી છે.

પુણ્ય ક્ષીણ થતાં,દેવલોકમાંથી ભ્રષ્ટ પામેલા સર્વ મનુષ્યો ત્યાં ઉત્પન્ન થાય છે.ર્ત્યાં સ્ત્રી-પુરુષની જોડી જ ઉત્પન્ન થાય છે ને સાથે જ વૃદ્ધિ પામે છે.તે રૂપ,ગુણ અને વેષમાં સમાન જ હોય છે.તે અગિયાર હજાર વર્ષ સુધી સાથે જ જીવે છે.અને તેઓ જયારે મરણ પામે છે ત્યારે તીક્ષ્ણ ચાંચવાળાં મોટાં ભારુંડ નામનાં પક્ષીઓ તેઓને ઉપાડીને પર્વતોની ખીણમાં નાખી દે છે.

Jul 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-854

 

અધ્યાય-૬-પૃથ્વી વગેરેનાં માપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II उक्तो द्वीपस्य संक्षेपो विधिवद् बुद्धिमंस्त्वया I तत्वज्ञश्चामि सर्वस्य विस्तरं ब्रुहि संजय II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તેં મને વિધિ પ્રમાણે,એ દ્વીપનું સંક્ષેપથી વર્ણન કહ્યું,પણ મને તે વિસ્તારથી કહે.

પ્રથમ સસલાના જેવા લક્ષણમાં એટલે કે પરમાત્માને જણાવનારા,માયાશબલ હાર્દબ્રહ્મમાં આ માયાકલ્પિત પૃથ્વીનો 

જે અવકાશ દેખાય છે તેનું પ્રમાણ કહે અને તે પછી પીપળારૂપ ભાગનું વર્ણન કહેજે.

સંજયે કહ્યું-હે મહારાજ,હેમકૂટ,નિષધ,નીલ,શ્વેત અને શૃંગવાન-આ છ ખંડ પાડનારા પર્વતો,પશ્ચિમથી પૂર્વ તરફ લાંબા છે ને બંને તરફથી સમુદ્રમાં પેઠેલા છે.આ પર્વતો એકબીજાથી હજારો યોજનોના અંતરે આવેલા છે ને તેમાં રમણીય દેશો રહેલા છે જે પ્રદેશો 'વર્ષ' નામથી ઓળખાય છે.આપણે રહીએ છીએ તે 'ભારતવર્ષ' છે,તેનાથી ઉત્તરે 'હૈંમવત વર્ષ'છે,હેમકૂટથી પેલી તરફ આવેલો ખંડ 'હરિવર્ષ' કહેવાય છે.

Jun 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-853

 

અધ્યાય-૫-સુદર્શન દ્વીપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II नदीनां पर्वतानां च नामधेवानि संजय I तथा जनपदानां च ये चान्ये भूमिमाश्रिताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તું નદીઓનાં,પર્વતોનાં,દેશોનાં,અને પૃથ્વી પર રહેલા પ્રદેશોનાં નામો મને કહે.

આખી પૃથ્વીનું સર્વ તરફનું પ્રમાણ અને અરણ્યો વગેરે સંપૂર્ણતાથી મને કહે.

સંજયે કહ્યું-હે મહારાજ,એકંદર રીતે પૃથ્વી વગેરે પંચમહાભૂતો જ પિંડ ને બ્રહ્માંડરૂપ બનેલાં છે,માટે જ્ઞાનીઓ આ જગતમાં રહેલી ચૈતન્યથી ફેલાયેલી સર્વ વસ્તુઓને સમાન (એક)કહે છે.પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ મહાભુતો છે.

તેમાં મુખ્ય એવી પૃથ્વીના શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ ગુણો કહ્યા છે.જળમાં ગંધ સિવાયના ચાર ગુણો છે.

શબ્દ,સ્પર્શ અને રૂપ-આ ત્રણ ગુણો તેજના છે.વાયુના શબ્દ અને સ્પર્શ એ બે ગુણો છે.અને આકાશનો એક શબ્દ જ ગુણ છે.

Jun 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-852

 

અધ્યાય-૪-પૃથ્વીના ગુણોનું વર્ણન 


II वैशंपायन उवाच II एवमुक्त्वा ययौ व्यासो धृतराष्ट्राय धीमते I धृतराष्ट्रो पितच्छ्रुत्वा ध्यानमेवान्वपद्यत II १ II

વૈશંપાયને કહ્યું-બુદ્ધિમાન ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહીને વ્યાસજી ચાલ્યા ગયા,પછી,ધૃતરાષ્ટ્રે બે ઘડી વિચાર કરીને નિસાસા નાખીને સંજયને પૂછ્યું કે-હે સંજય,યુદ્ધને અભિનંદન આપનારા આ શૂરા રાજાઓ,પૃથ્વીનું ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી એકબીજાને સાંખી શકતા નથી અને શસ્ત્રો વડે એકબીજાનો નાશ કરે છે,એ ઉપરથી હું માનું છું કે પૃથ્વીમાં બહુ ગુણો રહેલા છે,તું મને તે પૃથ્વીના ગુણો કહે.હમણાં આ કુરુજાંગલ દેશમાં,જુદાજુદા દેશદેશથી ને નગરોથી આવેલા વીર પુરુષોના દેશોના ને નગરોના વાસ્તવિક માપને હું સાંભળવાની ઈચ્છા રાખું છું.તું વ્યાસના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ યુક્ત થયો છે,તો તે મને કહે.

Jun 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-851

 

અધ્યાય-૩-દુર્નિમિત્ત કથન 


II व्यास उवाच II खरा घोषु प्रजायंते रमन्ते मातृभिः सुताः I अनार्तवं पुष्पफ़लम् दर्शयति वनद्रुमाः II १ II

વ્યાસે કહ્યું-ગાયોમાં ગધેડાઓ ઉત્પન્ન થાય છે,પુત્રો માતાની સાથે રમણ કરે છે અને વનનાં વૃક્ષો વગર ઋતુએ પુષ્પો ને ફળો આપે છે.ગર્ભિણી અને વાંઝણી સ્ત્રીઓ પણ મહા ભયાનક પ્રજાઓને જન્મ આપે છે.માંસાહારી પ્રાણીઓ,પક્ષીઓની સાથે બેસીને ખાય છે.વિચિત્ર અને અનેક ઇન્દ્રિયોવાળાં પશુઓ જન્મે છે.ત્રણ પગવાળા મોર તથા ચાર દાઢ અને શિંગડાંવાળા ગરુડો ઉત્પન્ન થાય છે અને તેઓ મોઢાં પહોળાં કરીને અશુભ વાણી બોલ્યા કરે છે.(4)

Jun 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-850

 

અધ્યાય-૨-વ્યાસદર્શન અને દુશ્વિહ્ન કથન 


II वैशंपायन उवाच II ततः पूर्वापरे सैन्ये समीक्ष्य भगवानृपि: I सर्ववेदविदां श्रेष्ठो व्यासः सत्यवतीसुतः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,પૂર્વ અને  પશ્ચિમમાં ગોઠવાયેલાં તે બંને પક્ષોનાં સૈન્યોને જોઈને,સર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ,ભારતોના પિતામહ,સત્યવતીના પુત્ર ને ભૂત,ભવિષ્ય વર્તમાનને જાણનારા વ્યાસ ઋષિ,તે વખતે પુત્રોના અન્યાયનો વિચાર કરતા,શોક ને દુઃખી થયેલા,વિચિત્રવીર્યના પુત્ર ધૃતરાષ્ટ્રને મળ્યા ને રહસ્યયુક્ત વચનો કહેવા લાગ્યા કે-હે રાજા,તારા પુત્રોનો તથા બીજા રાજાઓનો કાળ બદલાયો છે.તેઓ સંગ્રામમાં સામસામે આવીને,પરસ્પરનો નાશ કરશે જ.તેઓ મૃત્યુના ઝપાટામાં આવી પડ્યા છે,ને અવશ્ય નાશ પામશે.માટે કાળનું વિપરીતપણું જાણીને તું મનમાં શોક કરીશ નહિ.તું યુદ્ધ જોવા ઈચ્છતો હોય તો હું તને ચક્ષુ આપું,કે જેથી તું આ યુદ્ધને પ્રત્યક્ષ જોઈ શકીશ.(6)

Jun 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-849

 

૬-ભીષ્મ પર્વ 

જંબુખંડ વિનિર્મણ પર્વ 

અધ્યાય-૧-યુદ્ધનિયમ 


II मंगल श्लोक II नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II II १ II

શ્રી નારાયણને,નરોત્તમ એવા નર ભગવાનને અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

તે પછી,જય (મહાભારત) નામધારી ભારતાદિક ગ્રંથનો પ્રારંભ કરવો.

Jun 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-848

 

અધ્યાય-૧૯૬-પાંડવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II तथैव राजा कौन्तेयो धर्मपुत्रो युधिष्ठिरः I ध्रुष्ट्ध्युम्न मुखान्विरांश्चोदयामास भारत II १ II

વૈશંપાયને કહ્યું-તે જ પ્રમાણે,કુંતી અને ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજાએ ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીરોને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.ચેદિ,કાશી ને કુરુષ દેશોની સેનાના નેતા,ધૃષ્ટકેતુ,વિરાટ,દ્રુપદ,સાત્યકિ,શિખંડી તથા યુધામન્યુ ને ઉત્તમૌજાને રણભૂમિ પર જવાની સૂચના કરી.પછી,સર્વ સેનાનો યથાયોગ્ય સત્કાર કરીને તેને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.યુધિષ્ઠિરે તે સર્વના માટે ઉત્તમ ખાવાના પદાર્થોની વ્યવસ્થા કરી દીધી હતી.પછી,યુધિષ્ઠિરે,સેનાના પ્રથમ વિભાગમાં,ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી,અભિમન્યુ,બૃહન્ત અને દ્રૌપદીના પાંચ પુત્રોને વિદાય કર્યા.બીજા સૈન્ય વિભાગમાં ભીમસેન,યુયુધાન ને અર્જુનને મોકલ્યા.ને બાકી રહેલા રાજાઓ તથા વિરાટ અને દ્રુપદને લઈને યુધિષ્ઠિર પોતે રણભૂમિ પર જવા નીકળ્યા.

Jun 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-847

 

અધ્યાય-૧૯૫-કૌરવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II ततः प्रभाते विमले धार्तराष्ट्रेण चोदिताः दुर्योधनेन राजानः प्रययुः पांडवान्प्रति II १ II

વૈશંપાયને કહ્યું-પછી,નિર્મળ પ્રભાત થતાં,ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનને આગળ કરી,તેના પક્ષના રાજાઓ પાંડવો પર ચડાઈ કરવા નીકળ્યા.તેઓએ સ્નાન કરી શુદ્ધ થઇ,શ્વેત વસ્ત્રો ને પુષ્પમાળાઓ ધારણ કરી,સ્વસ્તિવાચન ભણાવી,અગ્નિમાં હોમ કરીને શસ્ત્રો તથા ધજાઓ ગ્રહણ કર્યાં હતાં.પ્રથમ,અવંતિના વિંદ-અનુવિંદ અને બાહલીકની સાથે કેકયો-એ સર્વે દ્રોણાચાર્યને આગળ કરીને નીકળ્યા.તેમની પાછળ,અશ્વસ્થામા,જયદ્રથ,શકુનિ,ચારે દિશાના રાજાઓ,શકો,કિરાતો,યવનો,શિબીવંશના રાજાઓ વગેરે પોતપોતાના સૈન્યની સાથે મહારથી ભીષ્મને વીંટાઇને નીકળ્યા.તેઓની પાછળ,કૃતવર્મા,ત્રિગર્ત,ભાઈઓથી વીંટાયેલો દુર્યોધન,શલ,ભૂરિશ્રવા,શલ્ય,બૃહદ્રથ આદિ નીકળ્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં વ્યૂહ રચના મુજબ આવી પહોંચ્યા.

Jun 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-846

 

અધ્યાય-૧૯૩-ભીષ્મ વગેરેની શક્તિનું વર્ણન 


II संजय उवाच II प्रभातायां तु शर्वर्यां पुनरेव सुतस्तव I मध्ये सर्वस्य सैन्यस्य पितामहमप्रुच्छत II १ II

સંજયે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,તે રાત્રિ વીતીને પ્રભાત થતાં જ દુર્યોધને સર્વ સૈન્યની વચ્ચે ભીષ્મપિતામહને પૂછ્યું કે-

'હે ગંગાપુત્ર,યુધિષ્ઠિરનું આ સૈન્ય કે જે અનેક મહારથીઓથી સજ્જ છે ને ખાળી ન શકાય તેવા આ સૈન્યનો તમે કેટલા દિવસે નાશ કરી શકશો? વળી આપણી સેનાના દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા આદિમાંનો એક એક જણ કેટલે દિવસે પાંડવોની સેનાનો ક્ષય કરી શકશે? આ જાણવાની મારા મનમાં ઈચ્છા છે તો તે તમારે મને કહેવું જોઈએ.'

Jun 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-845

 

અધ્યાય-૧૯૨-શિખંડીને પુરુષપણાની પ્રાપ્તિ 


II भीष्म उवाच II शिखंडीवाक्यं श्रुत्वाथ यक्षो भरतर्षंम I प्रोवाच मनसा चिंत्य दैवेनोपनिपीडित II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,શિખંડીનું કહેવું સાંભળીને,દૈવના સપાટામાં સપડાયેલા તે યક્ષે મનમાં વિચાર કરીને તેને કહ્યું કે-

'હે કલ્યાણી,તું મારો ઠરાવ સાંભળ,હું મારું પુરુષપણું તને થોડા સમય માટે આપું છું,પરંતુ સમય પૂરો થતાં તારે અહીં પાછા આવવું,એને માટે તું સત્યના સોગન લે.મારી કૃપાથી તું તારા માતપિતા ને નગરનું રક્ષણ કર.હું તારું પ્રિય કરીશ'

શિખંડીએ કહ્યું-'હે સદાચારી નિશાચર,હું તમારું પુરુષપણું સમય પૂરો થતાં પાછું આપીશ.હિરણ્યવર્મા પાછો જશે 

ત્યારે હું ફરીથી કન્યા થઇ જઈશ અને તમે પુનઃ પુરુષ થજો'

Jun 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-844

 

અધ્યાય-૧૯૧-શિખંડીને સ્થૂણાકર્ણ યક્ષનો સમાગમ 


II भीष्म उवाच II ततः शिखण्डिनो माता यथातत्वं नराधिप I आचचक्षे महाबाहो भर्त्रे कन्यां शिखण्डिनिं II १ II

ભીષ્મે કહ્યું-હે મહાબાહો,પછી,રાણીએ શિખંડીની ખરી વાત,પોતાના ભર્તાને જાહેરમાં કહી કે-'હે રાજા,મને પુત્ર ન હોવાથી,શોક્યોના ભયને લીધે આ શિખંડીની કન્યા હતી તો પણ તે પુરુષ છે એમ મેં જણાવ્યું હતું.હે રાજા તમે પણ મારા પર પ્રીતિને લીધે તે વાતને અનુમોદન આપ્યું હતું.'કન્યા અવતરીને તે પુરુષ થશે' એવા શંકરનાં વચન તરફ નજર રાખીને મેં આ સાહસ કર્યું હતું ને અનર્થની દરકાર કરી નહોતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.ને આ વાત દુઃખરૂપ થઇ છે.

Jun 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-843

 

અધ્યાય-૧૮૯-હિરણ્યવર્માનો દૂત દ્રુપદની પાસે આવ્યો


II भीष्म उवाच II चकार यत्नं द्रुपदः सुतायाः सर्वकर्मसु I ततो लेख्यादिषु तथा शिल्पेषु च परंतप II १ II

ભીષ્મે કહ્યું-'પછી,દ્રુપદરાજાએ પોતાની પુત્રીને લેખન,શિલ્પકળા વગેરે સર્વ કર્મો શીખવાડવાનો યત્ન કર્યો.તે શિખંડી ધનુર્વિદ્યા શીખવામાં દ્રોણનો શિષ્ય થયો હતો.ત્યારબાદ,શિખંડીની માતાએ,તે શિખંડીને પુત્રની જેમ,લગ્ન કરીને સ્ત્રી લાવી આપવા દ્રુપદને પ્રેરણા કરી.ત્યારે કન્યાને યૌવન આવેલું જોઈને,દ્રુપદ પોતાની રાણી સાથે ચિંતા કરવા લાગ્યો કે 'હવે શું થશે?'

રાણીએ કહ્યું-'ત્રણેલોકના કર્તા મહાદેવનું વચન કોઈ રીતે મિથ્યા થશે નહિ.હું કહું છું તે જો તમારી બુદ્ધિ કબુલ કરે,તો તેમ કરો.આ શિખંડીનાં યત્નથી તમે વિધિ પ્રમાણે લગ્ન કરો,કારણકે શંકરનું વચન સત્ય જ થશે એવો મારી બુદ્ધિનો નિશ્ચય છે.'

Jun 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-842

 

અધ્યાય-૧૮૮-શિખંડીની ઉત્પત્તિ 


II दुर्योधन उवाच II कथं शिखण्डी गान्गेय कन्या भूत्वा पुरा तदा I पुरुषोभुद्युधिश्रेष्ठ तन्मे ब्रुहि पितामह II १ II

દુર્યોધને પૂછ્યું-હે ગંગાપુત્ર પિતામહ,શિખંડી પ્રથમ કન્યારૂપે ઉત્પન્ન થઈને પુરુષરૂપે કેવી રીતે થયો?તે કહો 

ભીષ્મે કહ્યું-દ્રુપદ રાજાની પ્રિય પટરાણી પુત્ર વિનાની હતી.ઉપરોક્ત અંબાનું પ્રકરણ ચાલતું હતું તે સમયે જ દ્રુપદ રાજાએ (મારા વધનો નિશ્ચય કરીને) પુત્રપ્રાપ્તિને માટે તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા હતા.શંકરે વર આપતાં કહ્યું કે-'પ્રથમ સ્ત્રીરૂપ પણ પછી પુરુષરૂપ એવું એક સંતાન તને પ્રાપ્ત થશે.તારા નસીબમાં આ જ પ્રમાણે છે,મારું કહેવું મિથ્યા થશે નહિ' આ પ્રમાણે વર મેળવીને દ્રુપદ પોતાના નગરમાં ગયો ને પોતાની ભાર્યાને શંકરના વર ની સર્વ વાત કહી.